દાવોસમાં ભારત માટે આશાનું ઉજળું કિરણ

Tuesday 23rd January 2018 06:43 EST
 
 

સ્વિત્ઝર્લેન્ડમાં દાવોસના આંગણે શરૂ થયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ)ની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. બે દસકા બાદ આ પહેલો પ્રસંગ છે કે ભારતીય વડા પ્રધાન વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં હાજરી આપશે અને તેમના પ્રવચન સાથે બેઠક શરૂ થશે. પૂર્વે ૧૯૯૭માં તત્કાલીન વડા પ્રધાન દેવેગોવડાએ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દેવેગોવડા દાવોસમાં શું સિદ્ધ કરી આવ્યા હતા તેની આર્થિક ઇતિહાસમાં ક્યાંય નોંધ દેખાતી નથી, પણ મોદી પાસે ભારતીય ઉદ્યોગપતિઓને ઘણી આશા-અપેક્ષા છે. કારણ સ્પષ્ટ છે - ત્યારના અને આજના ભારતમાં, અને તેના નેતૃત્વમાં આભ-જમીનનો ફરક છે. સમયના વહેવા સાથે આંતરરાષ્ટ્રીય તખતે ભારત વધુ મજબૂત બન્યું છે, વિદેશી મૂડીરોકાણના નિયંત્રણો હળવા બન્યા છે અને ભારતીય પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યું છે. મનમોહન સિંહે શરૂ કરેલો આર્થિક ઉદારીકરણનો દોર મોદીના શાસનકાળમાં વધુ ઝડપથી આગળ વધ્યો છે.
મોદીની દાવોસમાં હાજરીથી ભારત સરકારથી માંડીને ઉદ્યોગપતિઓમાં આશા-ઉત્સાહનો માહોલ પ્રવર્તે છે. સંમેલનમાં ભાગ લેવા માટે ભારતે આ વખતે સૌથી મોટું પ્રતિનિધિમંડળ મોકલ્યું છે. જેમાં છ કેન્દ્રીય પ્રધાનો, ૧૦૦ ટોચના કોર્પોરેટ હાઉસના સીઇઓ અને કેટલાક મુખ્ય પ્રધાનો સામેલ છે. જે દર્શાવે છે કે ભારત માટે આ બેઠકનું કેટલું મહત્ત્વ છે. બજાજ ગ્રૂપના વડા રાહુલ બજાજે દાવોસ બેઠક - વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં - ભારત માટે બહુ ફળદાયી સાબિત થશે એવી આશા વ્યક્ત કરતા બહુ સૂચક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે દેવેગોવડા તો પિકનિક મનાવવા માટે દાવોસ પહોંચ્યા હોય તેવું લાગતું હતું.
જોકે મોદીનો દાવોસ પ્રવાસ અત્યંત વ્યસ્ત છે. એક પછી એક શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપી તેઓ વિશ્વ સમક્ષ ભારતનું આર્થિક ચિત્ર રજૂ કરવાના છે. ૧૯૯૨માં ભારતમાં ઉદારીકરણના પ્રારંભ બાદ અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓના પગરણ થયા. આ સાથે વેપાર-વણજના નિયમોમાં ધરમૂળથી પરિવર્તન આવ્યા અને નિયંત્રણો હળવા બન્યા. ભારત વૈશ્વિક વેપાર માટે કેવી અને કેટલી સગવડ-સુવિધા કરી આપે છે તેનું યોગ્ય માર્કેટિંગ દાવોસમાં થાય તો આર્થિક માહોલ હજુ વધુ અનુકૂળ બની શકે તેમ છે. સવાસો કરોડના દેશમાં આર્થિક વિકાસની અનેક તકો હોવાનું દુનિયાભરની કંપનીઓ જાણે છે, અને તેઓ ભારતમાં આવવા ઉત્સુક પણ છે. બસ, તેમના મનમાં આર્થિક ઉદારીકરણની સાતત્યતા અને અમલીકરણ અંગે આશંકા પ્રવર્તે છે. કેટલાક અંકુશો, કેટલાક નિયંત્રણો તેમના ભારત-પ્રવેશમાં બાધા બની રહ્યા છે. મોદી સરકાર વિદેશી રોકાણકારોની આ આશંકાઓ, અવઢવને જાણી, સમજીને દૂર કરવા પ્રયત્નશીલ છે. દાવોસ બેઠકના પખવાડિયા પૂર્વે જ મોદી સરકારે લીધેલા રિટેલ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ૧૦૦ ટકા વિદેશી મૂડીરોકાણના નિર્ણય પરથી આ વાતનો સંકેત મળે છે.
દાવોસમાં દુનિયાભરમાંથી ૧૫૦૦ જેટલા પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે અને તેમની સામે આર્થિક ચિત્ર રજૂ કરવાથી દેશને ઘણો ફાયદો થઇ શકે છે. આ વખતે પહેલી વાર ભારતની હાજરી ઉડીને આંખે વળગે છે. ઠેર ઠેર ભારતનાં પોસ્ટરો જોવા મળે છે. પહેલી વખત ભારતીય સંસ્કૃતિ - ખાણીપીણી છવાયેલાં જોવા મળે છે. યોગ માટેનું એક વિશેષ સેશન પણ યોજાયું. દાવોસમાં વિશ્વની ટોચની ૬૦ કંપનીના સીઈઓ હાજર છે, જેમનું માર્કેટ કેપિટલ ૩.૩ ટ્રિલિયન ડોલર જેટલો થાય છે. આમ, ભારતમાં વિદેશી મૂડીરોકાણકારો લાવવા માટે દાવોસ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની શકે તેમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter