ભારત આખાને બળબળતા ઉનાળાએ લપેટમાં લીધું છે. કોઇ કોઇ રાજ્યોમાં છૂટાછવાયા કમોસમી વરસાદને બાદ કરતાં આકાશ અગનજવાળા વરસાવી રહ્યું છે. રાજસ્થાનના જેસલમેરમાં તો તાપમાનનો પારો બાવન ડિગ્રીના આંકને વટાવીને પાછો ફર્યો છે. ચરમસીમાએ પહોંચેલા ઉનાળાના પ્રકોપે દેશમાં પ્રવર્તતા દુષ્કાળના માહોલની ભયાનકતા એટલી હદે વધારી દીધી છે કે લોકો તોબા પોકારી ગયા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ સહિત દેશના દસ રાજ્યો અછત અને પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે, પરંતુ શાસક પક્ષ કે વિરોધ પક્ષને પ્રજાની કોઇ પરવા હોય તેમ જણાતું નથી. ભ્રષ્ટાચારના આક્ષેપ - પ્રતિ આક્ષેપોમાં અટવાયેલા સંસદ સભ્યોએ ગયા સપ્તાહે થોડોક સમય કાઢીને આ તાકીદના મુદ્દે ચર્ચા તો કરી, પણ ઔપચારિક્તા પૂરતી. કેટલાક સભ્યોએ જળ કટોકટીની સમસ્યાના કાયમી ઉકેલ માટે નદીઓને જોડવાની જૂની યોજનાના અમલની વાતો કરી, પરંતુ પ્રવર્તમાન તકલીફોના ઉકેલ માટે કોઇ નક્કર યોજના રજૂ થયાનું જાણવા મળતું નથી.
સરકારે અછતગ્રસ્ત કે દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત કરી છે તે જોતાં લગભગ ૪૩ કરોડ લોકો પીવાના પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. જે વિસ્તારોને સરકારી જાહેરાતમાં નથી આવરી લેવાયા તેનો આંકડો ઉમેરાય તો દુષ્કાળનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા આશરે ૫૫ કરોડને આંબી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો દેશની લગભગ ૪૦ ટકા વસ્તી પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહી છે. આ કટોકટીની પળે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો જવાબદારીનો ટોપલો એકમેક પર ઢોળી રહી છે તેને લોકોની કમનસીબી જ ગણવી રહી. વાસ્તવિક્તા તો એ છે કે હાલની સ્થિતિ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર બન્ને જવાબદાર છે. ગયા ચોમાસામાં પૂરતો વરસાદ થયો ન હોવાથી ઉનાળામાં આવી કટોકટી સર્જાશે તેવી ધારણા સહુ કોઇને હતી, પણ ન તો રાજ્ય સરકારોએ આગોતરાં પગલાં ભર્યાં, ન તો કેન્દ્ર સરકારે કોઇ આયોજન કર્યું. પગલાં લેવાનું તો છોડો, અછતગ્રસ્ત કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની સત્તાવાર જાહેરાતમાં પણ ભારે વિલંબ કરાયો.
દર થોડા વર્ષના અંતરે ભારતમાં દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. આમ છતાં પાણીના બગાડ અને ભૂગર્ભ જળસ્રોતના બેફામ વપરાશને નિયંત્રણમાં લેવા તરફ કોઇ ધ્યાન અપાતું નથી. ભારતીય અર્થતંત્ર કૃષિ ક્ષેત્ર પર નિર્ભર હોવાનું કહેવાય તો છે, પરંતુ અફસોસની વાત તો એ છે કે દેશની આઝાદીને છ દસકા કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં આ ક્ષેત્રને વ્યવસાયિક અને વૈજ્ઞાનિક સ્વરૂપ આપવાના પૂરતાં પગલાં લેવાયાં નથી. ભરપૂર ચોમાસાથી વર્ષ સારું હોય ત્યારે મબલખ પાક થાય, પણ ખેડૂતોને તેમની ઉપજના વાજબી ભાવ ન મળે. અને વર્ષ નબળું હોય ત્યારે વાવેતર નિષ્ફળ જતાં ખેડૂતોને જંગી દેવું કરવું પડે. આમ જગતના તાતનો બેય બાજુથી મરો થાય છે. આ સ્થિતિ નિવારવા માટે કૃષિ ક્ષેત્રને વધુ સુસજ્જ અને તાલીમબદ્ધ કરવાની ખાસ જરૂરત છે. ખાસ તો કૃષિ ક્ષેત્રના જતન-સંવર્ધન માટે આવશ્યક જળ સ્રોતના જતન માટે આગોતરું અને નક્કર આયોજન અનિવાર્ય છે. જોકે આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ રાજકીય કાવાદાવામાંથી બહાર નીકળીને દેશહિતમાં વિચારતા થશે. નિર્ણય લેતા થશે, અને તેને અમલી બનાવશે.