વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બેંગ્લૂરુમાં ૧૪મા પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) સંમેલનને સંબોધતા અમારે પાસપોર્ટ નહીં, લોહીનો સંબંધ જોઇએ છીએ તેમ કહીને વિદેશવાસી ભારતીયો સાથેનો નાતો વધુ મજબૂત બનાવવા પ્રયાસ કર્યો હતો. દેશવાસીઓ જેટલી જ લોકપ્રિયતા અને ચાહના ધરાવતા વડા પ્રધાને તેમના સંબોધનમાં પ્રવાસી ભારતીયોની સુરક્ષાથી માંડીને બ્રેઇન-ડ્રેઇનને બ્રેઇન-ગેઇનમાં બદલવાના અને બ્લેક મની જેવા મહત્ત્વના મુદ્દાઓનો આવરી લીધા હતા. તેમણે પ્રવાસી ભારતીયોને કહ્યું હતું કે આપના સપનાં એ અમારા સપનાં છે અને ૨૧મી સદી ભારતની સદી છે. આપણે સહુ સાથે મળીને દેશના લોકોના સપનાંને સાકાર કરીશું. આ માટે જો કાયદો બદલવાના સાહસિક પગલાની જરૂર પડશે તો તે પણ કરશું. દેશના વિકાસમાં ભારતવંશીઓની ભૂમિકાને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે મારા માટે એફડીઆઇનો મતલબ માત્ર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નથી, પરંતુ ફર્સ્ટ ડેવલપ ઇંડિયા પણ છે. ઉલ્લેખનીય છે કે પ્રવાસી ભારતીયો તરફથી દર વર્ષે ભારતીય અર્થતંત્રમાં થતા મૂડીરોકાણનો આંકડો ૬૯ બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે, જે એક અમૂલ્ય યોગદાન છે. આ પ્રસંગે વડા પ્રધાને ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામે સરકારે છેડેલી લડાઇમાં સાથ આપવા બદલ વિદેશવાસી ભારતીય સમુદાય પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે નોટબંધીનો વિરોધ કરી રહેલા લોકો પર આકરા શબ્દોમાં પસ્તાળ પાડતાં તેમને કાળા નાણાંના પૂજારી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કાળું નાણું રાજકારણ, દેશ, સમાજ અને શાસનને ધીમે-ધીમે ખોખલું કરી નાખે છે. તેની સામે શરૂ કરાયેલા અભિયાનને બ્લેકમનીના પૂજારીઓ જનતાવિરોધી દર્શાવી રહ્યા છે.’
સમસ્ત વિશ્વમાં ૩.૧૨ કરોડ પ્રવાસી ભારતીયો વસે છે તેનો સંદર્ભ ટાંકતા તેમણે એવી લાગણી વ્યક્ત કરી હતી કે આ ભારતીયોની તાકાત માત્ર તેમનું સંખ્યાબળ નથી, પરંતુ ભારત અને જે દેશમાં તેઓ વસવાટ કરી રહ્યા છે, તેના પ્રત્યેના તેમના આદર-સન્માનને પણ દર્શાવે છે. ૧૪મા પ્રવાસી ભારતીય દિવસના ઉદ્ઘાટન સમારંભમાં ૬૦૦૦ પ્રવાસી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા છેલ્લા લાંબા સમયથી પીઆઇઓ (પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન) કાર્ડને ઓસીઆઇ (ઓવરસીઝ સિટીજન ઓફ ઇંડિયા) કાર્ડમાં બદલવાની યોજના ચાલતી હતી, જેની મુદત ૩૧ ડિસેમ્બરના રોજ પૂરી થઇ ગઇ છે. જોકે વડા પ્રધાને વિદેશવાસી ભારતીયોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને પીઆઇઓને ઓસીઆઇમાં બદલવાની યોજના વધુ છ મહિના લંબાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર કોઇ પણ વિદેશવાસી ભારતીય આગામી ૩૦ જૂન, ૨૦૧૭ સુધી કોઇ પણ જાતની પેનલ્ટી ચૂકવ્યા વગર પીઆઇઓ કાર્ડને ઓસીઆઇ કાર્ડમાં બદલી શકશે.
આ પ્રસંગે વડા પ્રધાને પ્રવાસી સ્કીલ ડેવલપમેન્ટ સ્કીમ (પીએસડીએસ)ની પણ જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત જે ભારતીયો વિદેશમાં રોજગારીની તક શોધી રહ્યા છે તેમને તાલીમ અપાશે. પહેલી વાર રોજગારી માટે વિદેશ જતાં ઓછા શિક્ષિત લોકોને ત્યાંની સ્થિતિ, નિયમ-કાયદા અને વ્યવહાર સંબંધિત તાલીમ અપાશે. તો વિદેશવાસી ભારતીય યુવા પેઢીને નજરમાં રાખીને ‘નો ઇંડિયા પ્રોગ્રામ’ની જાહેરાત કરી છે. ભારતને ઓળખો કાર્યક્રમ અંતર્ગત વિદેશમાં વસતી યુવા પેઢીના વિવિધ ગ્રૂપ ભારત પ્રવાસે આવશે, અને તેમને દેશની ભાષા-પરંપરા-સંસ્કૃતિથી પરિચિત કરાવાશે. વિદેશવાસી યુવા પેઢીનો ભારત સાથેનો નાતો ગાઢ બનાવવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરાઇ છે. જે અંતર્ગત છ ગ્રૂપ તો ભારત પ્રવાસે પહોંચી પણ ગયા છે, જેમાં ૧૬૦ ભારતવંશી યુવાનો છે. નોંધનીય છે કે ગયા વર્ષે દરિયાપારના દેશમાં ૫૦૦૦ ભારતીય યુવાનોએ નો યોર ઇંડિયા ક્વીઝમાં ભાગ લીધો હતો. અને સરકારને આ વર્ષે આ આંકડામાં હજુ વધારો થવાની આશા છે.