હજારો વર્ષ પુરાણી હિન્દુ ધર્મસંસ્કૃતિ સંતોની પ્રાચીન અને ગૌરવશાળી પરંપરા ધરાવે છે. તેણે સમયે સમયે ભારતીય સમાજને સભ્ય અને સુસંસ્કૃત બનાવવામાં ક્રાંતિકારી યોગદાન આપ્યું છે. સંત એટલે એવી વ્યક્તિ જેને સત્યનું જ્ઞાન થઇ ગયું છે. આજે પણ આપણે અજ્ઞાનતાના અંધકારમાં અટવાઇ જઇએ છીએ ત્યારે આ સંતોની વાણી જ ઉજાસ તરફનો મારગ ચીંધે છેને? આવો મહાન વારસો ધરાવતા ભારતમાં જ્યારે આસારામ જેવો કોઇ ઢોંગી સંતનો અંચળો ઓઢી લે છે ત્યારે તે સમગ્ર ઇતિહાસને કલંકિત કરી નાખે છે. દુષ્કર્મના કેસમાં આસારામને કેદની સજા ફરમાવતા જોધપુરની વિશેષ અદાલતના જજ મધુસૂદન શર્માએ યોગ્ય જ ટાંક્યું છે કે ‘આસારામે માત્ર પીડિતાનો ભરોસો જ નથી તોડ્યો, પરંતુ દેશ-દુનિયામાં સંતોની છબિને પણ નુકસાન પહોંચાડ્યું છે’.
જાતે જ ‘સંત’ બની બેઠેલા પાખંડી આસારામને અદાલતે સગીર બાળા પર બળાત્કાર ગુજારવાના અને તેને બળજબરીથી બંધક બનાવી રાખવાના કેસમાં જુદી જુદી કાનૂની જોગવાઇઓ હેઠળ કસૂરવાર ઠરાવીને આજીવન કેદ - દંડની સજા સંભળાવી છે. કોર્ટનો આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે ભારતમાં ન્યાય ભલે વિલંબથી થતો હોય, પણ કોર્ટમાં ન્યાય અવશ્ય થાય છે. આ ચુકાદો એ વાતનો પણ સંકેત આપે છે કે અધ્યાત્મને નામે નૌટંકી કરનારા ઢોંગી બાબાઓના અનુયાયીઓની સંખ્યા હજારો-લાખોમાં કેમ ન હોય, ન્યાયતંત્ર તેની લેશમાત્ર પરવા કરતું નથી. કોર્ટ કોઇની પણ શેહમાં આવ્યા વગર માત્રને માત્ર તથ્યાતથ્ય આધારિત નિર્ણય કરે છે.
આસારામ જેવા ધુતારાઓ જ ભારતીય સંત પરંપરા અને લોકોમાં તેમના પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનો (ગેર)લાભ ઉઠાવે છે, અને સમગ્ર સંત પરંપરાને કલંકિત કરવાનું કામ કરે છે. આવા લોકો સફેદ અંચળા તળે પોતાના ગુનાહિત કૃત્યો જ નથી છુપાવતા, પરંતુ પોતાની પિશાચી વૃત્તિઓને પણ સંતોષતા, પોષતા રહે છે. ભારતીય સમાજમાં સહજપણે જ સ્ત્રીમાત્રની ધાર્મિક પ્રવૃત્તિમાં વધુ સક્રિયતા જોવા મળે છે. પરિણામે આસારામ જેવા બહુરૂપીની ચુંગાલમાં તેઓ આસાનીથી ફસાઇ જાય છે. વાત અહીં જ પૂરી નથી થઇ જતી. એક વખત આ દુષ્ચક્રમાં ફસાયા બાદ - લોકલાજના કારણે - પોતાના શોષણ અંગે અન્યોને આપવીતી પણ જણાવી શકતી નથી. હા, એક વાતે અવશ્ય સંતોષ લઇ શકાય તેમ છે કે જ્યારથી આવા ગુનેગારો સળિયા પાછળ ધકેલાવા લાગ્યા છે, તેના પર કાનૂનનો સકંજો કસાવા લાગ્યો છે ત્યારથી મહિલાઓ જુસ્સા સાથે આગળ આવવા લાગી છે. આને એક સારો સંકેત ગણી શકાય. આસારામની સામે જાતીય દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી સગીર બાળા અને તેના પરિવારજનો પર શામ-દામ-દંડ-ભેદ એમ તમામ પ્રકારે પ્રચંડ દબાણ થયું છતાં તેઓ પોતાની વાતમાં અડગ રહ્યા તેથી જ આ ઢોંગી સંત પર ગુનો સાબિત થઇ ચૂક્યો છે.
આવા કલંકિત બાબાઓના ભૂતકાળ પર નજર ફેરવશો તો જણાશે કે બાબાઓનો પ્રભાવ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ તેની પાછળનું ‘નેટવર્ક’ પણ વિસ્તરતું જતું હોય છે. નાણાં, સત્તા, વગ... બધું વધે છે. ભક્તોની ભીડ વધતી જાય છે તેમ આસ્થા અને ધર્મના નામે ધંધો કરનારાઓનું આર્થિક સામ્રાજ્ય પણ વિસ્તરતું જાય છે. આવા જાતે બની બેઠેલા સંતોના ઇશારે તેમના અનુયાયીઓ કાયદો પોતાના હાથમાં લેતા પણ અચકાતા નથી. આસારામના અનુયાયીઓ અમદાવાદમાં અને રામ રહીમ (ડેરા સચ્ચા સૌદા)ના અનુયાયીઓ હરિયાણામાં શસ્ત્રો સાથે ખુલ્લેઆમ આતંક મચાવી ચૂક્યા છે. પોતાના કહેવાતા ધર્મગુરુના સમર્થનમાં રસ્તાઓ પર ઉતરી પડેલા આ નઠારા તત્વોએ જનજીવન ખોરવી નાંખ્યું હતું અને ભારે તોડફોડ તથા આગચંપી કરીને જાહેર મિલકતને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. આમાં ક્યો ધર્મ છે?! ધર્મના નામે થતી આ માફિયાગીરી નિવારવા માટે કોઇક એવી કાનૂની જોગવાઇ કરવી જ રહી કે જેથી કોઇ પણ ધર્મના અનુયાયીઓ જાહેર માલ-મિલક્તને નુકસાન પહોંચાડતા પહેલાં બે વખત વિચાર કરે અને જો નુકસાન કરે તો ખર્ચની વસૂલાત તેમની પાસેથી કરવામાં આવે.
આસારામ જેવા પાખંડીઓના કરતૂતોને જ્યાં સુધી કોઇ ખૂલ્લા પાડતું નથી કે તેઓ કાયદા-કાનૂનની ઝપટે ચઢતાં નથી ત્યાં સુધી તેઓ પોતાની લોકપ્રિયતાની ચમકદમકમાં ગુલતાન હોય છે. આપણા નેતાઓ પણ તેમના ચરણોમાં આળોટતાં અને કુરનીશ બજાવતાં જોવા મળે છે. રાજકીય પક્ષો અને તેના નેતાઓ પણ વહેતી ગંગામાં હાથ ધોતાં અટકતાં નથી. રાજકારણને ધર્મથી અલગ રાખવાની સૂફિયાણી વાતોને કોરાણે મૂકીને નેતાઓ આવા કલંક-પુરુષો સમક્ષ નતમસ્તક થતાં ખચકાતા નથી. બન્ને સાથે મળીને આંખોમાં ધૂળ નાંખી રહ્યા છે કેમ કે આમાં બન્નેની તાકાત વધે છે. સમયના વહેવા સાથે આ એક એવી તડજોડ થઇ ગઇ છે કે મઠો અને આશ્રમોમાંથી નીકળીને ચૂંટણીલક્ષી રાજકારણમાં કુદી પડવાનું કે સક્રિય રાજકારણ કરતાં કરતાં પણ પોતાને સાધુ-સંત ગણાવવાનું હવે કોઇને અજૂગતું લાગતું નથી. આપણે ભારતીય રાજકારણની ક્ષિતિજ પર નજર ફેરવશું તો જણાશે કે સંન્યસ્તજીવનના વસ્ત્રો ધારણ કરતાં અનેક લોકો રાજકીય હોદ્દા સંભાળી રહ્યા છે. શું આ લોકો માટે કામ-ક્રોધ, રાગ-દ્વેષ, મોહ-માયા, પોતાના-પારકા જેવી દુવિધાઓમાંથી મુક્ત થવાનું શક્ય છે? આ બધામાંથી મુક્ત થયા વગર તેઓ સત્ય સુધી કઇ રીતે પહોંચી શકશે?
એક સમય હતો કે જ્યારે લોકો ધર્મ માટે સ્વેચ્છાએ પોતાનું બધું જ ન્યોછાવર કરી દેતા હતા, આજે ધર્મના ઓઠા તળે બધું પચાવી પાડવામાં આવે છે. તકસાધુઓ પોતાના અનુયાયીઓનું શારીરિક-માનસિક-આર્થિક શોષણ કરવાનો એક મોકો ચૂકતા નથી. આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં ભક્તિમાર્ગનો ઉપયોગ લોકોની આસ્થા સાથે ખિલવાડ કરવા માટે થઇ રહ્યો છે.