ભારતના મૂળ લોકો સનાતન ધર્મમાં માનનારા લોકો છે અને ધર્મની વ્યાખ્યા જડ કે સંકુચિત જરા પણ નથી. ભારતીય સંસ્કૃતિ અનુસાર ધર્મનો અર્થ કર્તવ્ય પણ થાય છે.જ્યારે કોઈ વ્યક્તિ ધર્મથી વિમુખ થાય એટલે તેણે પોતાનું કર્તવ્ય નિભાવ્યું નહિ તેમ અવશ્ય કહી શકાય. આજકાલ ધર્મના ધતિંગનું પ્રમાણ ઘણું વધી ગયું છે ત્યારે લોકો પોતાને નહિ પરંતુ, ધર્મને દોષ આપતા જરા પણ અચકાતા નથી.
તાજેતરમાં કોવેન્ટ્રીના બાબા બાલક નાથ સંપ્રદાયના પંથગુરુ રાજિન્દર કાલીઆનો કિસ્સો બહાર આવ્યો ત્યારે લોકોએ તેની ભારે ટીકા કરી. સારી વાત છે પરંતુ, ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે’ પર ધ્યાન રાખીએ તો સમજાય છે કે કહેવાતા ભાવિકોને ધર્મ કે આસ્થા કરતાં પણ પોતાને ગુરુપ્રસાદ મળે અને ન્યાલ થઈ જવાયની માનસિકતા વધારે હોય છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ એકાદને બાદ કરતા કહેવાતા સાધુઓ કે સંતોની માનસિકતામાં ધર્મના બદલે દ્રવ્યને મહત્ત્વ આપવાનું પ્રમાણ વધારે જણાય છે. કહેવાતા સંત આશારામ પણ વર્ષોથી જેલમાં છે તેમના જેવાં પંથગુરુઓના લીધે પણ ધર્મ અભડાયો એમ કહી ન શકાય? ઈસ્લામ અને ક્રિશ્ચિયન ધર્મો પણ આવી બદી કે સડાથી બાકાત નથી.
ભારત ‘વસુધેવ કુટુમ્બકમ’ સંસ્કૃતિનું પ્રખર હિમાયતી રહ્યું છે પરંતુ, ‘દીવા નીચે અંધારુ જ હોય’ તે ન્યાયે બની બેઠેલા ધર્મગુરુઓ પોતાનું શાસન કે વર્ચસ્વ જમાવી રાખવા માટે માનવી-માનવી વચ્ચે ભેદભાવને ઉશ્કેરે છે. પોતાના સિ,યોના દિલોદિમાગમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરવાના બદલે તેઓ પોતાના આશ્રિત થઈને રહે તેવા હથકંડા અપનાવતા રહે છે. સમાજ કો બદલ ડાલોના નારાઓ પોકારવાથી સમાજ બદલાતો નથી. પહેલા તો ખુદે બદલાવું પડે છે. ધર્મગુરુઓએ જ અનુયાયીઓને અસ્પૃશ્યતાની માનસિકતાની ગર્તામાં નાખ્યા છે. તેમાતી બહાર આવતા બારતને સદીઓ લાગી છે. આમ છતાં, ઘણા સ્વરુપે અસ્પૃશ્યતા ઘર કરી ગયેલી છે.
કબીર સહિતના ઘણા સંતપુરુષો જે સમાજમાંથી આવ્યા છતાં આજે પણ દલિતોને મંદિરોમાં પ્રવેશ અપાતો નથી તે હકીકત છે. આ રીતે ઉપેક્ષિત થયેલા લોકો સ્વધર્મ તજીને અન્ય ધર્મોનું શરણ પકડે છે. આના પરિણામે જ ધર્માન્તરને બળ મળે છે. આપણે બધાએ ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’ સૂત્રનું પાલન કરવાની આવશ્યકતા છે. આપણે ધર્મની રક્ષા કરીશું તો ધર્મ આપણી રક્ષા કરશે. આપણો ધર્મ છે કે સંપ્રદાયોમાં જે બદી છવાઈ હોય તેને દૂર કરવી, લોકોને છેતરનારા ધર્મગુરુઓનો પાખંડ અને આડંબરને ખુલ્લાં પાડવા. આમ થશે તો જ ધર્મમાં સાચી આસ્થા જળવાઈ રહેશે.