નક્સલવાદી હિંસાઃ બેલેટ વિરુદ્ધ બૂલેટનો જંગ

Wednesday 14th November 2018 06:06 EST
 

ચૂંટણીઓના માહોલમાં નક્સલવાદી હિંસાનો મુદ્દો પુનઃ ચર્ચાની એરણે ચડ્યો છે. નક્સલવાદી હિંસાથી પ્રભાવિત છત્તીસગઢ રાજ્યમાં ૯૦ વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીના પ્રથમ તબક્કાની ૧૮ બેઠક માટે સોમવારે મતદાન યોજાયું હતું. નક્સલવાદી હિંસા અને મતદાનના કારણે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાયાં છતાં દંતેવાડામાં મતદાન મથકની નજીક જ IED બ્લાસ્ટ કરાતા ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. માઓવાદીઓ માટે હતાશાજનક બાબત એ છે કે તેઓની વારંવારની ધાકધમકી છતાં સ્થાનિક પ્રજા નીડર બનીને મતદાન કરવા નીકળી પડે છે. પ્રથમ તબક્કામાં પણ ૭૦ ટકા મતદાન સાાથે પ્રજાએ જડબાતોડ ઉત્તર વાળ્યો છેે.મતદાનના ૨૪ કલાક પહેલા નક્સલીઓએ છ સીરિયલ બ્લાસ્ટ કર્યા હતા. ‘બેલેટ વિરુદ્ધ બૂલેટ’ના આ જંગમાં નક્સલીઓએ ઘણાં વિસ્તારોમાં જનતાને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણીઓ આપતા પોસ્ટર પણ લગાવ્યા છે. છત્તીસગઢમાં નક્સલીઓ દ્વારા ગત ૧૫ દિવસમાં ટનલમાં વિસ્ફોટ કરી યાત્રી બસને ઉડાવવા, પોલીસ દળ પર હુમલો, પોલીસના બુલેટપ્રૂફ બંકર વાહનને ઉડાવી દેવા સહિત હુમલાની મોટી ઘટનાઓને અંજામ અપાયો છે. માઓવાદ તરીકે પણ ઓળખાતા નક્સલવાદનું મૂળ તો કોમ્યુનિસ્ટ વિચારધારા છે. પશ્ચિમ બંગાળની ઉત્તરે દાર્જીલિંગ જિલ્લાના નક્સલબારી ખાતે આદિવાસીઓ દ્વારા જમીનદારોની જમીન પર સશસ્ત્ર હુમલા સાથે નક્સલાઈટ્સ કે નક્સલવાદ શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો. ભૂમિવિહીન મજૂરો અને આદિવાસી લોકો વતી જમીનદારો અને અન્યો સામે હિંસક સંઘર્ષ કરવાનો દાવો નક્સલવાદના પુરસ્કર્તાઓ કરી રહ્યા છે. જોકે, નક્સલવાદીઓની ઓળખ વર્ગસંઘર્ષના નામે લોકો પર દમન કે અત્યાચાર કરનારા આતંકવાદીઓ તરીકે વધુ છે.
સરકારના દાવા અનુસાર ભારતભરમાં હાલ ૫૦,૦૦૦ જેટલા સશસ્ત્ર નક્સલવાદીઓ છે જેમના દ્વારા દેશમાં ગણતંત્રને સમાંતર ‘ગનતંત્ર’ ઉભું કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમની મહેચ્છા નેપાળથી લઈને શ્રીલંકા સુધી ‘રેડ કોરિડોર’ ઉભું કરવાની છે, જેની પાછળ ચીન અને પાકિસ્તાની આઈએસઆઈનો દોરીસંચાર હોવાનું કહેવાય છે. દેશભરમાં કાર્યરત ૩૦થી વધારે નક્સલ જૂથોના ૨૦૫૦ના એજન્ડામાં બંદૂકના જોરે ભારતમાં સત્તા હાંસલ કરવાનું સ્વપ્ન છે. નક્સલવાદીઓનો સંપર્ક બાંગલાદેશ, શ્રીલંકાના અને પાકિસ્તાનના આતંકવાદી જૂથો સાથે હોવાની પણ આશંકા છે.
આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળમાં તાકાત ધરાવતી નક્સલવાદી વિચારધારાની ચળવળ તેના મુખ્ય લક્ષ્યથી ભટકી રાષ્ટ્રવિરોધીઓનાં હાથની કઠપૂતળી બની રહી છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ લોકોએ વધુ જાગૃતિ દર્શાવવાની જરુર રહે છે. નક્સલવાદની તરફેણ કરતા બૌદ્ધિકો નક્સલ હિંસા પાછળ વિસ્તારોનો વિકાસ થતો ન હોવાની દલીલો કરે છે. જોકે, હકીકત એ છે કે નક્સલવાદીઓ રેલવે સહિતના સરકારી તંત્ર અને પોલીસને નિશાન બનાવી વિકાસકાર્યોને આગળ વધવા દેતા નથી. આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી ફેકવાનો વખત આવી ગયો છે. આતંકવાદ સામે બે જ રીતે લડી શકાય એમ છે. પહેલું તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને અને બીજું એવો વિકાસ સાધીને કે જેનો લાભ તમામ લોકો સુધી પહોંચી શકે. લોકોને વિકાસના મીઠાં ફળ ચાખવા ન મળે એટલા માટે જ હિંસાવાદીઓ વિકાસનો પણ વિરોધ કરતાં રહે છે. રાજકીય આક્ષેપો અને પ્રતિઆક્ષેપોના માહોલમાં પણ આપણે એ સ્વીકારવું રહ્યું કે કેન્દ્ર કે રાજ્યોમાં સરકારો બદલાવા છતાં નક્સલવાદીઓ વિરુદ્ધની લડતમાં ખાસ ફેર પડતો નથી. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ચૂંટણીપ્રક્રિયા બેરોકટોક ચાલે અને લોકો નીડર બનીને મતદાન કરે તે જ આજની પળે સૌથી આવશ્યક બાબત છે. આવા વિસ્તારોમાં વધુમાં વધુ મતદાન થવાથી જ આતંકવાદી મનસૂબાને નાથવામાં સફળતા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter