બે વર્ષના લાંબા આયોજન બાદ આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ નમામિ ગંગે માટે નક્કર કામ શરૂ થયું છે. ભારતીય સભ્યતાની જીવાદોરી ગણાતી પવિત્ર ગંગા નદીમાં આજે એટલી ગંદકી વહી રહી છે કે તેના સ્વચ્છ, નિર્મળ સ્વરૂપની કલ્પના કરવી પણ મુશ્કેલ થઇ ગઇ છે. નદીમાં અર્ધબળેલા મૃતદેહોથી માંડીને ઔદ્યોગિક એકમોનો કચરો, શહેરોનું અતિ પ્રદૂષિત પાણી અને ધાર્મિક ક્રિયાકાંડના નામે પૂજાપાની ટનબંધ સામગ્રી ઠલવાઇ રહી છે. ભૂતકાળમાં પણ અનેક વાર જુદી જુદી સરકારોએ ગંગા સફાઇ અભિયાન હાથ તો ધર્યા હતા, પણ સ્થિતિમાં ભાગ્યે જ કંઇ ફરક પડ્યો છે. આથી જ ભાજપે ગંગા સફાઈના મુદ્દાને પોતાના ચૂંટણી એજન્ડામાં સામેલ કર્યો હતો. વડા પ્રધાનના મતવિસ્તાર વારાણસીના ઘોષણાપત્રમાં તેને વિશેષ મહત્વ અપાયું હતું. કેન્દ્રમાં મોદીનાં નેતૃત્વમાં ભાજપ સરકાર રચાઈ ત્યારે ઉમા ભારતી જેવા કદાવર નેતાને તેની જવાબદારી સોંપાઇ હતી. જોકે લાંબા સમય સુધી કોઇ નક્કર કાર્ય હાથ ન ધરાતા નમામિ ગંગે પ્રોજેક્ટ સાથે જોડાયેલો સહયોગી દેશ જાપાન પણ નારાજ થઈ ગયો. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારની ટીકા કરતા પૂછ્યું હતું કે સરકાર તેના કાર્યકાળમાં ગંગા સફાઈનું કામ પૂરું કરી શકશે કે નહીં? જોકે હવે ૨૩૧ પ્રોજેક્ટ ઉપર કામ શરૂ થયા છે. જેમાં વિવિધ સ્થળે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવા, ઘાટનાં સમારકામ, સ્મશાનોનું આધુનિકીકરણ, ગંગાતટે આઠ બાયો ડાયવર્સિટી (જૈવ વિવિધતા) કેન્દ્રોની સ્થાપના વગેરેનો સમાવેશ થાય છે. કિનારાના વિસ્તારોમાં વિકસેલા ચર્મઉદ્યોગ, કેમિકલ ફેક્ટરીઓ, શરાબ ઉદ્યોગનો કચરો નદીમાં ઠલવાતો પણ અટકાવાશે. આ સરકારી આયોજન તો દૂરંદેશીભર્યું છે, પણ તેને કાગળ પરથી આગળ વધારવું પડશે. તેનો અસરકારક અમલ કરાવવો પડશે, અને આ માટે મજબૂત કાયદો પણ બનાવવો પડશે. વાસ્તવમાં ગંગા સફાઈ ઝૂંબેશ બહુસ્તરીય અભિયાન છે. અને આ બહુસ્તરીય અભિયાન આમ આદમીના સહકાર વગર સાકાર થવાનું નથી. સરકારે આ અભિયાનના દરેક તબક્કે સ્થાનિક પ્રજાજનોનો સહયોગ મેળવવાની રૂપરેખા ઘડી કાઢવી જોઇએ. જો આમ થશે નમામિ ગંગે અભિયાનની સફળતાને કોઇ અટકાવી શકશે નહીં.