મોદી સરકારે ૨૬ મેના રોજ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. આ ત્રણ વર્ષમાં તેની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ? કહી શકાય કે તેણે પ્રજામાંથી નિરાશાનો, હતાશાનો માહોલ દૂર કર્યો છે. આશા-ઉમંગનો સંચાર કર્યો છે. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વેળા દેશમાં નિરાશાનો માહોલ હતો. એકાંતરા દિવસે યુપીએ સરકારના કોઇને કોઇ પ્રધાનના ભ્રષ્ટાચાર કે સગાંવાદના સમાચારો અખબારોમાં ચમકતાં હતા. ક્યારેક કોમનવેલ્થ ગેમ્સ તો ક્યારેક ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ તો ક્યારેક કોલ બ્લોક ફાળવણી કૌભાંડ. આ બધા સામે ચૂપકિદીના કારણે સ્વચ્છ છબી છતાં વડા પ્રધાન મનમોહન સિંહને પણ છાંટા ઊડી રહ્યા હતા. વીતેલા ત્રણ વર્ષમાં કમસે કમ આ સરકારના કોઇ પ્રધાન પર ભ્રષ્ટાચાર કે સગાંવાદના તો આક્ષેપ નથી જ થયા. આથી ઉલ્ટું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પૂરોગામીઓ કરતાં અલગ જ છાપ ઉપસાવી છે. તેમની નિયત કે દેશનિષ્ઠા સામે તેમના રાજકીય હરીફો પણ આંગળી ઉઠાવી શકે તેમ નથી.
ત્રણ વર્ષમાં સરકારની નિર્ણાયક સિદ્ધિઓ ગણાવવી હોય તો કહી શકાય કે જીએસટી (ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ) પહેલી જુલાઇથી લાગુ કરવાનો નિર્ણય, કાળા નાણાં અને આતંકવાદીને મળતાં ભંડોળ પર અંકુશ માટે નોટબંધી, પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇક, એક જ વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૨.૧૪ લાખ મકાનોનું નિર્માણ, સ્વચ્છતા ઝૂંબેશ, માર્ગ અને રેલવે ટ્રેકના નિર્માણમાં ઝડપ, સીધા વિદેશી મૂડીરોકાણમાં તીવ્ર ઉછાળો, ઉત્તર પ્રદેશમાં પક્ષનો ભવ્ય વિજય વગેરે ગણાવી શકાય. જનમત સર્વેમાં ૭૦ ટકાથી વધુ પ્રજાએ ફરી એક વખત દેશના વહીવટ માટે મોદી સરકાર પર જ પસંદગી ઉતારી છે. જે દર્શાવે છે કે પ્રજાને આજે પણ સરકારની નીતિરીતિમાં પૂરો ભરોસો છે.
પાછલા ત્રણ વર્ષમાં ઘણી સરસ કામગીરી તો થઇ છે, પરંતુ લોકતંત્રને આંચકા પણ કંઇ ઓછા નથી લાગ્યા. વિરોધ પક્ષનું સન્માન લગભગ ખતમ થઇ ગયું છે. આજદિન સુધી લોકાયુક્તની નિમણૂંક થઇ નથી. કોંગ્રેસ દ્વારા નિયુક્ત ગવર્નરોને કેવી રીતે હોદ્દા પરથી દૂર કરાયા અને નજીબ જંગે દિલ્હીમાં કેજરીવાલ સરકારને કેવી ભીંસમાં લીધી હતી એ તો જગજાહેર છે. અસરકારક વિપક્ષના અભાવે જ ભાજપના કેટલાક ચૂંટણી વચનો કાગળ પર જ રહી ગયા હોય તેવું લાગે છે. મોંઘવારી વધી છે. નીચલા સ્તરે ભ્રષ્ટાચાર યથાવત્ છે. નક્સલવાદ વધ્યો છે, કાશ્મીરમાં હિંસક ઘટનાઓ રોજિંદી બની છે. વિદેશી બેન્કોમાં જમા કાળું નાણું પરત લાવવાની દિશામાં શા પગલાં લેવાયા તે કોઇ જાણતું નથી. રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રદ કરવાના નિર્ણયને લોકોએ ભારે હાલાકી વેઠીને પણ ભરપૂર સમર્થન આપ્યું, પરંતુ આનાથી દેશના અર્થતંત્રને કેવો અને કેટલો લાભ કે ગેરલાભ થયો તેની કોઇ સત્તાવાર માહિતી આજદિન સુધી જાહેર થઇ નથી. વિદેશવાસી ભારતવંશીઓની ઉપેક્ષા યથાવત્ છે. આવા તો અનેક મુદ્દાઓ છે, જે લોકો સાથે સીધા જોડાયેલા છે. સરકાર આ દિશામાં શું કરી રહી છે તે જાણવાનો લોકોનો અધિકાર છે. આખરે તો આ જનતા જનાર્દને જ તો તેને જ્વલંત બહુમતી સાથે સત્તાના સૂત્રો સોંપ્યા છે.