ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા અને કોર્ટના આદેશથી પદભ્રષ્ટ થયેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ ફરી પાછલા દરવાજેથી સત્તા હાંસલ કરવાના ચક્કરમાં છે. કાયદાએ તેમને વડા પ્રધાન પદેથી હટાવ્યા તો હવે તેમણે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ની બહુમતીના જોરે નેશનલ એસેમ્બલી અને સેનેટમાં બંધારણીય ખરડો મંજૂર કરાવી પક્ષનું પ્રમુખ પદ સંભાળી લીધું છે. તેમના આ કૃત્ય સામે વિપક્ષે દેશભરમાં હોબાળો મચ્યો છે. પીએમએલ-એનની જનરલ કાઉન્સિલે ચાર વર્ષ માટે પક્ષના અધ્યક્ષ પદે શરીફની વરણી કરી છે. આ પછી શરીફે આક્રમક અંદાજમાં પાકિસ્તાનની પ્રજાને સંબોધન કરતાં હાકલ કરી હતી કે તેમણે પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે મળેલા અધિકારોની આઝાદીનો ઉપયોગ કરવો જોઇએ. સરમુખત્યારો દ્વારા ઘડાયેલા કાયદાના કારણે જ પોતે સક્રિય રાજકારણમાંથી ફેંકાઇ ગયા હોવાનો આક્ષેપ કરીને તેમણે પોતાના પગલાંને વાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે શાસક પક્ષે નેશનલ એસેમ્બલીમાં ઈલેક્શન બિલ-૨૦૧૭ રજૂ કરીને શરીફના પ્રમુખ પદે પુનઃવરણીનો માર્ગ મોકળો કર્યો હતો. આ પહેલા સેનેટમાં પણ તે ખરડો નજીવી સરસાઇથી પસાર કરાયો હતો. અત્યાર સુધી આ જોગવાઇ અયોગ્ય ઠરેલા સાંસદને પક્ષ પ્રમુખ બનવા સામે પ્રતિબંધ ફરમાવતી હતી. આ સુધારો પાકિસ્તાનમાં ચર્ચાની સરાણે ચઢ્યો છે તેનું કારણ એ છે કે આ જોગવાઈ ઉપર એટલી વિસ્તૃત ચર્ચા થઈ હતી કે ચૂંટણી પંચને સ્વતંત્રતા, વસ્તીનાં આધારે સીમાંકન, ચૂંટણી વિવાદોનાં ઉકેલની વ્યવસ્થા, મહિલા મતદારોની સામેલગીરી સહિતના મુદ્દાને અભેરાઇએ ચઢાવી દેવાયા હતા.
ઇમરાન ખાનની પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (પીટીઆઇ), પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી), અવામી નેશનલ પાર્ટી સહિતના વિપક્ષે પીએમએલ-એનની આકરી ટીકા કરી છે. પીપીપીએ તો ત્યાં સુધી કહ્યું કે માત્ર એક વ્યક્તિને લાભ કરાવવા જ બન્ને ગૃહોમાં આ ખરડો પસાર કરાયો છે. અલબત્ત, એ પણ હકીકત છે કે આ બંધારણીય જોગવાઈને સૌપ્રથમ અયુબ ખાને લાગુ કરી હતી અને પીપીપીના સ્થાપક ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ જ તેને હટાવી હતી. પછી ૨૦૦૨માં જનરલ પરવેઝ મુશર્રફે કાયદાને ફરી અમલી બનાવ્યો હતો, જેથી પીપીપીનાં નેતા બેનઝીર ભુટ્ટો ફરી પક્ષના પ્રમુખ ન બની શકે.
શરીફ ભલે દાવો કરે કે પ્રજાને તેના પ્રતિનિધિ ચૂંટવાની આઝાદી છે, પરંતુ આવું બોલતી વખતે તેઓ એ ભૂલી જાય છે કે કોર્ટે ભ્રષ્ટાચારમાં તેમની કથિત સંડોવણીને ધ્યાનમાં રાખીને સત્તાવિમુખ કર્યા હતા. આ સંજોગોમાં તેમણે જે પ્રકારે - બંધારણીય જોગવાઇમાં સુધારા કરાવીને - પક્ષનું પ્રમુખ પદ હસ્તગત કર્યું છે તેની સામે સવાલો તો ઉઠવાના જ.
પીએમએલ-એન સરકારે બહુમતીના જોરે બંધારણીય જોગવાઇમાં સુધારો કરતો ખરડો તો પસાર કરાવી દીધો છે, પરંતુ આ વિવાદ હજી પણ લાંબો ખેંચાઈ શકે છે. પાકિસ્તાન અવામી તહરિક (પીએટી)એ આ સુધારાને લાહોર હાઈ કોર્ટમાં પડકાર્યો છે. આ જ રીતે પીટીઆઈ પણ સુપ્રીમ કોર્ટમાં તેની સામે ધા નાખવાની વાતો કરે છે. આ બધું સ્પષ્ટ દર્શાવે છે કે નવાઝ શરીફ માટે આગામી દિવસો વધુ પડકારજનક બનવાના હશે. તેમના પક્ષે સંસદમાં મંજૂર કરાવેલો બંધારણીય સુધારો ભલે સારા ઉદ્દેશથી કરાવ્યો હશે, પરંતુ સમય ખોટો પસંદ કર્યો છે.