નાગરિકતા સંશોધન બિલ સંસદના બન્ને ગૃહોમાં પસાર કરાયા પછી પણ દેશના જુદાં જુદાં રાજ્યોમાં તેને સંબંધિત ભય અને આશંકાનો જે માહોલ છે એ સારો સંકેત નથી. સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ (‘કેબ’)ના વિરોધમાં આસામ, મેઘાલય, ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યો વિરોધ પ્રદર્શનો અને હિંસાચાર સાથે ઉકળી રહ્યાં છે. હવે આ આગ દિલ્હી પહોંચી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ થઈ છે તે જોતાં ધાર્મિક આધારે ભેદભાવ કે સમાનતા સંદર્ભે બંધારણીય જોગવાઇનો ભંગ થાય છે કે કેમ તેનું અર્થઘટન કોર્ટ કરશે
‘કેબ’ પ્રમાણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને પારસી ધર્મના લોકો ધાર્મિક કારણસર દેશમાં આવ્યા હશે તેને ભારતનું નાગરિકત્વ મળશે. જે શરણાર્થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં આવ્યા હશે તેમને જ ભારતની નાગરિકતા મળશે. અગાઉ, ભારતમાં ફરજિયાત વસવાટનો સમયગાળો ૧૧ વર્ષનો હતો તે ઘટાડી ૬ વર્ષ કરાયો છે. આ બિલ સંદર્ભે વિપક્ષનો મુખ્ય વિરોધ ધર્મ સંબંધિત છે. પડોશી દેશોમાંથી શરણાર્થી તરીકે આવેલા ઈસ્લામ સિવાયના અન્ય ધર્મોના લોકોને સરળતાથી ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કરાયો છે તેને જ વિપક્ષે મુદ્દો બનાવ્યો છે. મોદી સરકારનો આ નિર્ણય ધર્મના આધારે ભેદભાવ સર્જનારો હોવાની તેમની દલીલ છે. આ જોગવાઇ મુસ્લિમો માટે શા માટે નથી તેનો વિપક્ષને વાંધો છે. વાસ્તવમાં મુસ્લિમોનો તેમાં સમાવેશ એટલા માટે નથી કરાયો કે આ ત્રણેય દેશોમાં મુસ્લિમો લઘુમતી સંપ્રદાય કે સમુદાય નથી, તેઓ બહુમતીમાં છે. આ કાયદામાં એવું કોઈ તત્વ કે જોગવાઈ નથી જેનાથી ભારતમાં વસતા મુસ્લિમ અલ્પસંખ્યકોના અધિકારો પર તરાપ વાગતી હોય.
પશ્વિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી તો નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશિપ (એનઆરસી) અને ‘કેબ’ને એકબીજા સાથે સાંકળી લઈ લોકલાગણીને ભડકાવવાની કોઈ તક જતી કરતાં નથી. હકીકત એ છે કે એનઆરસી અનુસાર ભારતમાં ગેરકાયદે વસતા વિદેશીઓની ઓળખ કરી તેમને દેશનિકાલ કરવાની જોગવાઇ છે તો ‘કેબ’માં ભારતમાં આવીને વસેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને નાગરિકત્વ આપવાની જોગવાઇ છે.
ધર્મના આધારે પાકિસ્તાન રચાયું ત્યારે ત્યાં ૨૦ ટકા બિનમુસ્લિમ હતા, જે આજે બે ટકા પણ નથી. બાંગલાદેશના નિર્માણ સમયે ૩૩ ટકા હિન્દુ વસ્તી હતી તે આજે માત્ર ચાર ટકા છે. અફઘાનિસ્તાનમાં પણ શીખ અને બૌદ્ધધર્મીઓની મોટી સંખ્યા ઘટીને થોડાક હજારની જ રહી છે.
પૂર્વોત્તર રાજ્યોની ચિંતા દેશની ધર્મનિરપેક્ષતા સંદર્ભે નથી પરંતુ, આવા શરણાર્થીઓને નાગરિકત્વ મળવા સાથે રોજગાર સહિતના સમાન અધિકારો મળશે તે વિશે છે. આ લોકો તેમની રોજગારી પર તરાપ મારશે અને તેમના કારણે પોતાની ઓળખ ભૂંસાઈ જશે તેવો તેમને ડર છે. ગૃહ પ્રધાન અમિત શાહે હૈયાધારણ પણ આપી છે કે આ બિલના કારણે પૂર્વોત્તરના લોકોની સંસ્કૃતિ, ભાષા, સામાજિક ઓળખમાં કોઈ ફેરફાર નહિ થાય. સમસ્યા એ છે કે ભારતની કોઈ વાત આવે ત્યારે માનવાધિકારના ઝંડા લઈને કૂદી પડનારાની સંખ્યા ઓછી નથી. પાકિસ્તાન અને બાંગલાદેશ તો ઠીક છે અમેરિકા અને યુએન પણ નાગરિકતા સુધારાની બાબતે ચિંતા વ્યક્ત કરવામાં જરા પણ પાછા પડતા નથી. જોકે, ભારતે ઉચિતપણે આ તેમના દેશની આંતરિક બાબત ગણાવી તેને ફગાવી દીધી છે.