યુકેમાં વસતા સ્થાનિક અને વિદેશી રહેવાસીઓ આજકાલ ભારે સમસ્યા અનુભવી રહ્યા છે. સ્થાનિક અને ઈમિગ્રન્ટ્સ લોકોની એકસરખી સમસ્યા તેમના બાળકોના અભ્યાસ વિશેની રહે છે. બીજી તરફ, મોટાં સ્વપ્ના લઈને યુકેના નાગરિક બનવાના અભરખા ધરાવતા ઈમિગ્રન્ટ્સ નાગરિકત્વની પરીક્ષા કેવી રીતે પસાર કરવી તેની દુવિધામાં ફસાયેલા રહે છે. ઈમિગ્રન્ટ્સ યુકે આવી જાય છે, નોકરીધંધામાં જોડાય છે અને દેશના અર્થતંત્રને સદ્ધર બનાવવામાં યોગદાન પણ આપે છે પરંતુ, તેમના માટે બ્રિટિશ નાગરિક બનવાનું સ્વપ્ન ઘણું મોટું હોય છે જે પૂર્ણ કરવામાં કદાચ આયખું વીતી જાય છે.
જે લોકો બ્રિટનમાં સ્થાયી થવા ઈચ્છતા હોય તેમણે હોમ ઓફિસ દ્વારા લેવાતી બ્રિટિશ સંસ્કૃતિ અને જીવનની જાણકારીની પરીક્ષા ફરજિયાત આપવાની રહે છે અને તેમાં ફેલ થાવ તો તમે બ્રિટિશ સંસ્કૃતિ જાણતા નથી તેના ઓઠાં હેઠળ દેશનિકાલ થવાનું, જીવનનિર્વાહ ગુમાવવાનું જોખમ પણ રહે છે. વાસ્તવિકતા એ છે કે આ પરીક્ષામાં પૂછાતાં પ્રશ્નો તદ્દન હાસ્યાસ્પદ અને વાહિયાત હોય છે. ઉદાહરણ જોઈએ તો, પબની અંદર કોઈનાથી કોઈ વ્યક્તિ પર ભૂલથી બિયર ઢોળાઈ તો શું પ્રતિક્રિયા આપવી જોઈએ અથવા યુકેના પ્રથમ કરી હાઉસનો સ્થાપક તેની પત્ની સાથે ક્યાં નાસી ગયો હતો. શું આવા પ્રશ્નો બ્રિટિશ મૂલ્યો, રીતરિવાજ કે ઈતિહાસ સંબંધિત માહિતી ખુલ્લી કરે છે? એકમાત્ર બ્રિટન નાઝી જર્મની સામે લડ્યું હતું તેમ જણાવતા ઈતિહાસની ગોખણપટ્ટી કરવાનો કોઈ અર્થ સરે ખરો? પાર્લામેન્ટરી હોમ એફેર્સ સમિતિએ પણ આવા હાસ્યાસ્પદ પ્રશ્નો સામે વિરોધ નોંધાવી પરીક્ષામાં નોંધપાત્ર સુધારાઓ કરવાની માગણી કરી છે તે સર્વથા યોગ્ય છે. વિશ્વમાં માહિતીવિસ્ફોટ થતો રહે છે અને મૂલ્યો બદલાતા રહે છે. બ્રિટિશ રાજવી પરિવાર પણ આધુનિકતાના રંગે રંગાઈને નવા મૂલ્યો અપનાવે છે. ‘બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ કદી આથમતો નથી’ની ઉક્તિ વર્તમાનમાં ચાલી શકે નહિ કારણકે હવે સામ્રાજ્યનું જ અસ્તિત્વ રહ્યું નથી.
બીજી સમસ્યા પર નજર કરીએ. બાળકના જન્મ સાથે માતાપિતાને આનંદ અવશ્ય થાય છે પણ સાથોસાથ ચિંતા પણ થાય છે. પેરન્ટ્સની પહેલી ચિંતા બાળકના અભ્યાસ કે ભણતરની રહે છે કે ક્યાં એડ઼મિશન અપાવીશું, તે મોટા થયા પછી કઈ લાઈન લેવડાવીશું વગેરે વગેરે. બ્રિટનમાં આજકાલ પેરન્ટ્સની આ ચિંતા સાચી પડી રહી છે. શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા પછી યુનિવર્સિટીમાં સ્થાન મેળવવા માટે ભારે સ્પર્ધા ચાલી છે. ઉચ્ચ A- લેવલ ગ્રેડ્સ મેળવનારા વિદ્યાર્થીને પણ તેની પસંદગીની યુનિવર્સિટીમાં પ્રવેશ માટે બેઠક મળે તેવી શક્યતા નહિવત્ છે. આ વર્ષ યુનિવર્સિટી પ્રવેશ માટે સૌથી કડક સ્પર્ધાત્મકતાના યુગનો પ્રારંભ બની રહેવાની સંભાવના છે.
યુનિવર્સિટીઓએ ગયા વર્ષે વિક્રમી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષાઓમાં ઉચ્ચ ગ્રેડ્સ હાંસલ કરેલાને પ્રવેશ આપ્યો હતો જેના પરિણામે, નવા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું ભારે દબાણ સર્જાયું છે. આ ઉપરાંત, આગામી વર્ષથી વિદ્યાર્થી લોનના નિયમો બદલાઈ રહ્યા છે અને ગ્રેજ્યુએટ્સે લોન ચૂકવણીની શરૂઆત ક્યારથી કરવી તેની મર્યાદામાં ઘટાડો થઈ રહ્યો છે. આ કારણથી પણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એક વર્ષ જતું કરે તેમ બનશે નહિ. મહામારી દરમિયાન ખાનગી શાળાઓએ ઉદારમના થઈ ગ્રેડ્સ વધુ આપ્યા હતા. 2020 અને ગત વર્ષે એક્સ્ટર્નલ પરીક્ષાઓ રદ થઈ અને શાળાઓ દ્વારા કરાયેલા મૂલ્યાંકનોથી પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી ગઈ. આના પરિણામે, યુનિવર્સિટીમાં સ્થાન મેળવવા ગરીબ વિદ્યાર્થીઓએ ઝઝૂમવું પડશે. નિષ્ણાતો જણાવે છે તેમ આગામી દાયકામાં 18 વર્ષીય કિશોરોની વધુ એક મિલિયન સંખ્યા યુનિવર્સિટી સિસ્ટમમાં પ્રવેશ કરવા બહાર પડશે ત્યારે હાલત વધુ વણસવાની છે. સરકાર અને યુનિવર્સિટીઓએ આ મુદ્દે ધ્યાન આપવાની આવશ્યકતા છે.