પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાંડ સંદર્ભે નાણાંપ્રધાન અરુણ જેટલી પાસેથી આવા જવાબની આશા નહોતી. ભારતના બેંકિંગ સેક્ટરની વિશ્વસનીયતાને હચમચાવી નાખનાર આ ગેરરીતિ વિશે દિવસો સુધી ચૂપકિદી સેવ્યા બાદ નાણાંપ્રધાને મોઢું તો ખોલ્યું, પણ જવાબદારીનો ઓળિયો-ઘોળિયો ચાર્ટર્ડ એકાઉન્ટન્સ (સીએ) અને ઓડિટર્સ પર નાખી દીધો છે. જાણે કે આટલા મોટા ગોટાળાને અટકાવવાની સરકારની કોઇ જવાબદારી જ નહોતી. આ કૌભાંડમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર બેન્કનો પૂર્વ અધિકારી ગોકુલનાથ શેટ્ટી પૂછપરછમાં કબૂલી ચૂક્યો છે કે તે ૨૦૦૮થી લેટર્સ ઓફ અંડરટેકિંગ (એલઓયુ)ના ઓઠા તળે ગેરરીતિ આચરતો હતો. મતલબ કે દસ વર્ષથી કૌભાંડ ચાલતું હતું. આ અરસામાં બે - બે સરકારોએ દેશની શાસનધૂરા સંભાળી, પણ તેને પકડનારું કોઇ નહોતું. કોંગ્રેસના રાજમાં નહીં અને ભાજપના રાજમાં પણ નહીં. કોંગ્રેસ નેતાઓ પાસે એ વાતનો જવાબ નથી કે જો ગોટાળો ૨૦૦૮થી ચાલતો હતો તો તે વેળા તેમની સરકાર કેમ સૂતી રહી? આ જ સવાલનો જવાબ ભારતીયો વર્તમાન સરકાર પાસેથી જાણવા માગે છે, પરંતુ જવાબ દેવા માટે કોઇ તૈયાર નથી.
નેતાઓ આમેય બીજાના માથે દોષનો ટોપલો ઢોળવામાં માહેર હોય છે. અને જેટલી પણ આમાંથી બાકાત જણાતા નથી. થોડાક સમય પહેલાં ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી)ના અણઘડ અમલના મુદ્દે વેપાર-ઉદ્યોગ સંગઠનોએ ટીકાની ઝડી વરસાવી તો જેટલીએ કહ્યું હતું કે જીએસટી કોંગ્રેસનો આઇડિયા હતો અને તમામ રાજ્યો - પક્ષોએ તેનો સહિયારો અમલ કર્યો છે. કંઇક આવો જ અભિગમ તેમણે નીરવ મોદીના કૌભાંડ સંદર્ભે અપનાવ્યો છે. ગેરરીતિ ખુલ્લી પડ્યાના દિવસો સુધી ચૂપ રહ્યા પછી હવે તેઓ બોલ્યા છે કે કૌભાંડમાં રેગ્યુલેટર્સ ઊંઘતા ઝડપાયા છે. ઓડિટર્સ પર પસ્તાળ પાડતાં જેટલીએ કહ્યું કે બેન્કમાં વિવિધ સ્તરે ઓડિટ થવા છતાં આ કૌભાંડ નજર બહાર કેમ જતું રહ્યું તે સવાલ છે. નાણંપ્રધાને બેન્ક મેનેજમેન્ટની કાર્યશૈલી સામે પણ સવાલ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ કૌભાંડને સમયસર પકડી પાડવામાં અને તેને રોકવામાં અધિકારીઓ નિષ્ફળ ગયા છે. એટલું જ નહીં, શાણા જેટલીએ વેપાર-ઉદ્યોગ સેક્ટરને અનૈતિક રીતરસમો નહીં અપનાવવા અનુરોધ કર્યો છે. આ બધી વાતો કર્યા પછી કાનૂનવિદ્ અને નાણાંપ્રધાન એવું કહીને હાથ ખંખેરી નાખે છે કે અફસોસ તો એ છે કે આપણા દેશમાં માત્ર રાજકારણીઓને જ દોષપાત્ર ગણાય છે. મતલબ કે જેટલી નથી ઇચ્છતા કે આ કિસ્સામાં નેતાઓની નૈતિક જવાબદારી સામે આંગળી ચીંધાય. આવું બોલતી તેઓ ભૂલી જાય છે કે યુપીએ શાસન વખતે થયેલાં કૌભાંડો કે ભાવવધારા વખતે તેમણે જ તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ પર શાબ્દિક પ્રહારો કરવામાં કોઇ કસર છોડી નહોતી. હવે તેઓ કહે છે કે બધો વાંક સિસ્ટમનો છે, શાસકોનો નહીં.
તેમણે એ ન ભૂલવું જોઇએ કે લોકતંત્રમાં આખરી સત્તાઓ ચૂંટાયેલી સરકાર એટલે કે રાજકીય શાસકોના હાથમાં છે. દેશવાસીઓ જ્યારે કોઇ પક્ષને, નેતાને બહુમતી સાથે શાસનધુરા સોંપે છે ત્યારે સુદૃઢ, અસરકારક વહીવટની અપેક્ષા સહજ હોય છે. ક્યાંય કંઇક અઘટિત થાય તો જવાબદારો સામે કાર્યવાહી થાય અને સંબંધિતોને સજા થાય તેવા કાયદા ઘડવાની જવાબદારી પણ શાસકોએ જ ધારાગૃહો મારફતે નિભાવવાની હોય છે. સીબીઆઇ હોય કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ - દરેક તપાસનીશ એજન્સી પર કોઇને કોઇ મંત્રાલયનું નિયંત્રણ હોય જ છે. જો આવું જ હોય તો આખરી જવાબદારી પણ જે તે મંત્રાલયની ગણાવી જોઇએ.
ખરેખર તો નાણાંપ્રધાને જાહેરમાં તંત્રની નિષ્ફળતા સ્વીકારવી જોઇએ કે વર્ષોના વ્હાણા વીતી જવા જતાં આર્થિક ગોબાચારી ચાલતી રહી અને સંબંધિત અધિકારીઓને તેની ગંધ સુદ્ધાં નથી આવી. વિજય માલ્યા કે લલિત મોદી જે પ્રકારે ગોટાળા આચરીને દેશ છોડીને નાસી ગયા તેમાંથી બોધપાઠ લઇને તંત્રને દુરસ્ત કર્યું હોત તો નીરવ મોદી અને મેહુલ ચોકસીને દેશ છોડતાં પૂર્વે જ કાનૂનના સકંજામાં લઇ શકાયા હોત. નાણાંપ્રધાને સમજવું રહ્યું કે સીએ અને ઓડિટર્સ પર દોષનો ટોપલો ઢોળી દેવાથી સ્થિતિમાં કંઇ ફરક પડવાનો નથી. આ માટે અસરકારક પગલાં લેવા પડશે. લોકોને વિશ્વાસ અપાવવો પડશે કે સરકારી બેન્કોમાં મૂકેલી તમારી એક-એક પાઇ સલામત છે.