જો આવું હોત તો કોર્ટના આદેશથી તેમની ધરપકડના પ્રયાસ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં છ લોકોએ જીવ ગુમાવ્યા ન હોત અને સેંકડો ઘાયલ ન થયા હોત. ૨૦૦૬માં નોંધાયેલા એક હત્યાકેસમાં જામીન પર છૂટેલા બાબાને કોર્ટે હાજર થવા આદેશ કર્યો હતો. એક કરતાં વધુ વખત સમન્સ છતાં તે ધરાર હાજર ન જ થયા. તે સમયની કોંગ્રેસ સરકારે આંખ આડા કાન કર્યા તેના પરિણામ અત્યારે પ્રજા ભોગવે છે. સમગ્ર ઘટનાક્રમ હિન્દી ફિલ્મ જેવો છે. સરકારમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતી વ્યક્તિ ગેરરીતિના કેસમાં સસ્પેન્ડ થાય. પછી ‘બાબા’નો અંચળો ધારણ કર્યો. હજારો લોકો તેમના અનુયાયી બન્યા, અને સતલોક આશ્રમના ઓઠાં તળે પોતાનું સામ્રાજ્ય સર્જ્યું. અહીં સુધી તો ઠીક છે, તેણે લશ્કરી દળ પણ ઉભું કર્યું. ૩૦ હજાર પોલીસનો કાફલો તેની ધરપકડ કરવા પહોંચ્યો તો રામપાલના લશ્કરે એવો પ્રતિકાર કર્યો કે પોલીસને પણ પીછેહઠ કરવી પડી હતી. એક તબક્કે રામપાલને ઝબ્બે કરવા અર્ધ-લશ્કરી દળોની મદદ લેવાનું નક્કી થયું હતું! આવો નઠારો માણસ પોતાને સંત ગણાવતો અને લોકો પણ આંખો મીંચીને તેને પૂજતા હતા.
આમ આદમી તો અર્ધસત્ય કે અસત્યને પૂર્ણ સત્ય માનીને વ્યક્તિપૂજામાં જોતરાઇ જાય એ સમજ્યા, પણ બોલિવૂડના એક વિલનમાં જોવા મળે તેવા બધા (કુ)લક્ષણો ધરાવતા રામપાલનું સામ્રાજ્ય આટલું વિસ્તરી ગયું ત્યાં સુધી તંત્ર શું કરતું હતું? રાજ્યમાં કાયદો-ન્યાયની સ્થિતિ જળવાય રહે તેમાં ઇન્ટેલીજન્સ બ્યૂરો (આઇબી)નું પાયાનું પ્રદાન હોય છે. તેનું મુખ્ય કામ રાજ્યની શાંતિ ડહોળે તેવી તમામ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવાનું હોય છે. પણ આ કિસ્સામાં શું જોવા મળ્યું છે? આશ્રમમાંથી પ્રતિબંધિત રાઇફલો, કારતૂસનો જથ્થો અને પેટ્રોલ-બોંબ સહિતનો જંગી શસ્ત્રભંડાર મળ્યો છે, બાબાની ખાનગી સેનાના તાલીમબદ્ધ જવાનો ઝડપાયા છે, નાસતાફરતા નક્સલવાદી પકડાયા છે, ગેરકાયદે પ્રવૃત્તિઓની યાદી બહુ લાંબી થાય તેવી છે. શું આમાંથી એક પણ પ્રવૃત્તિ આઇબી કે પોલીસની નજરમાં નહોતી આવી? કે પછી તે વેળાની કોંગ્રેસી સરકાર આંખ આડા કાન કરતી હતી? જો આવું કંઇ હતું તો તે માટે જવાબદાર કોણ - ભ્રષ્ટાચાર કે પછી રાજકીય દોરીસંચાર? એક નહીં, અનેક સવાલો એવા છે કે જેના જવાબો વર્તમાન સરકારે શોધવા જ રહ્યા.
ભારતીયોના કમનસીબે મોટા ભાગના શાસકોની આ જ કાર્યપ્રણાલી રહી છે. પહેલાં આગ ફાટી નીકળે ત્યાં સુધી રાહ જોવાની અને પછી સમસ્યા બેકાબૂ બને લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાનું. કોર્ટે ફરજ ન પાડી ત્યાં સુધી હરિયાણા પોલીસ મૂક પ્રેક્ષક બનીને તમાશો નિહાળતી રહી. તંત્રનું આવું શાહમૃગી વલણ જ બાબા રામપાલ કે આસારામ બાપુ જેવા પાખંડીને મજબૂત બનાવતું હોય છે. આસારામ બાપુના કિસ્સામાં પણ આવું જ થયું હતું. આસારામ અને તેના દીકરા નારાયણ સાંઇની અનેક ગોબાચારી છતાં ગુજરાતનું પોલીસ તંત્ર હાથ જોડીને બેસી રહ્યું હતું. આસારામે સરકારને પડકારી ત્યારે તંત્ર કામે લાગ્યું. અને આખરે એક બળાત્કાર કેસમાં રાજસ્થાન પોલીસે તેની ધરપકડ કરીને સળિયા પાછળ ધકેલ્યો. બાપ-બેટો જેલમાં જતાં જ તેમની ઐયાશી અને અનૈતિક આચરણો ખુલ્લા પડ્યા.
રામપાલના આશ્રમમાંથી પણ ભોગવિલાસના સાધનો, પ્રેગનન્સી ટેસ્ટ કિટ, અશ્લીલ સાહિત્ય... કેટકેટલું મળ્યું છે. અરે, રામપાલે તો એવું તૂત ચલાવ્યું હતું કે તે જે દૂધ વડે સ્નાન કરતો તેમાંથી ખીર બનાવી લોકોને પ્રસાદી અપાતી હતી. લોકોના મનમાં ઠસાવાયું હતું કે આ પ્રસાદ ખાવાથી તેમની તમામ તકલીફો દૂર થઇ જશે. આ છે બાબાઓ અને બાપુઓની માયાજાળ. આ લોકો ધર્મના ઓઠાં તળે લોકોની શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવતાં રહે છે અને પોતાનું હિત સાધતા રહે છે. નાનીમોટી દુન્યવી તકલીફોથી બચવા આમ આદમી તો ડૂબતો તરણું ઝાલે તેમ આવા બાબાઓ-બાપુઓનું શરણ સ્વીકારે, પણ સરકાર તો સાવચેતી રાખી શકેને? આસારામ બાપુ અને બાબા રામપાલ હવે કાયદાના સકંજામાં છે, અને કોર્ટ તેમનો ન્યાય તોળશે જ. પરંતુ ભવિષ્યમાં આવા બીજા બાબાઓ-બાપુઓ માથું ન ઊંચકે તે માટે તમામ રાજ્ય સરકારો સાવચેતી દાખવે તે સમાજના હિતમાં છે.