આખરે હીરા-ઝવેરાતના કૌભાંડી બિઝનેસમેન નિરવ મોદીને ભારત મોકલી આપવાના આદેશ પર હોમ સેક્રેટરી પ્રીતિ પટેલના હસ્તાક્ષર કરાવા સાથે જાણે જંગ જિતાયો હોય તેવો માહોલ રચાઈ ગયો છે. ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે આશરે ૧૪,૦૦૦ કરોડ રુપિયા અથવા ૧૩૬,૨૨૫, ૯૦૭ પાઉન્ડની છેતરપિંડી આચરીને નિરવ મોદી બ્રિટન નાસી આવ્યો ત્યાં સુધી ભારતીય બેન્ક અને સરકારી એજન્સીઓ ઉંઘતી રહી હતી. ઘોડા નાસી છૂટ્યા પછી જ તબેલાને તાળા મારવાનો ઉપક્રમ બેન્ક અને સરકારી એજન્સીઓએ જાળવી રાખ્યો હતો એટલે કે આ બાબતમાં તો એકસૂત્રતા રાખી હતી.
ભારત સરકાર અને ઈન્ટરપોલ દ્વારા ધરપકડની વિનંતી પછી માર્ચ ૨૦૧૯થી સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્ઝવર્થ જેલમાં રખાયેલા નિરવ મોદીએ જામીન મેળવવા અનેક અરજીઓ કરી પરંતુ, જેલમાંથી બહાર આવવાના તેના યોગ પાક્યા નહિ. જાહેર ક્ષેત્રની બેન્ક સાથે મોટા પાયે છેતરપિંડી, મેળવેલા નાણાનું મની લોન્ડરિંગસ, પૂરાવાઓનો નાશ કરવાનું ષડયંત્ર તેમજ સાક્ષીઓને ધાકધમકી આપવાનું નિરવ મોદીને ભારે પડી ગયું છે. મોદી સામે ભારતમાં ચલાવવાને લાયક છેતરપિંડી અને મનીલોન્ડરિંગનો પ્રથમદર્શી કેસ બને છે તે કોર્ટે સ્વીકારી લીધું છે અને હવે તે હાઈ કોર્ટ અને તેથી આગળ સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરે તો કોઈ ફર્ક પડે તેમ લાગતું નથી. એક વાત ચોક્કસ છે કે તેને ભારત પાછો મોકલવામાં થોડા વર્ષો વીતી જશે. વિજય માલ્યા સામે ફેબ્રુઆરી ૨૦૧૯માં પ્રત્યર્પણ આદેશ પર સહી થવા છતાં તેને આજ દિન સુધી તેને ભારત લાવી શકાયો નથી.
આજકાલ ભારતીય ન્યાયતંત્ર કે વહીવટીતંત્રના વિરોધમાં દલીલો કરવાની ફેશન બની ગઈ છે. એક સમયે ન્યાયતંત્ર અને સુપ્રીમ કોર્ટનો હિસ્સો બની રહેલા પૂર્વ ન્યાયમૂર્તિ માર્કન્ડેય કાટ્જુએ પણ વર્તમાન સરકારના શાસન હેઠળ ભારતમાં નિરવ મોદીને ન્યાય નહિ મળે અને નિરવે કોઈ ગુનો જ નથી કર્યો તેમ કહી તેની પેરવી કરવામાં મોટો ભાંગરો વાટ્યો પરંતુ, બ્રિટિશ ન્યાયમૂર્તિએ તેમની દલીલનો છેદ જ ઉડાવી દીધો. કાટ્જુનો આગવો પર્સનલ એજન્ડા હોવાનું કહેવાથી તેમની દલીલોની હવા તો નીકળી ગઈ પરંતુ, ન્યાયતંત્રનું ખરાબ તો કહેવાયું તે હકીકત છે. કોઈ પણ અપરાધ સરકારી તંત્રના અધિકારીઓના મેળાપીપણા વિના થતો નથી તે પણ સાચુ છે, નિરવ મોદીએ છેતપિંડીઓ કરી તેના મૂળમાં પણ બેન્કના અધિકારીઓ જ રહેલા છે.
નિરવ મોદી જાન્યુઆરી ૨૦૧૮માં બ્રિટન આવ્યો, વિજય માલ્યા તો ૨૦૧૬ પહેલા બ્રિટન આવ્યો અને હાલ જામીન પર છૂટીને મોજ કરે છે. તેણે પોતાના નામે કશું રાખ્યું નહિ હોવાથી નાદારી જાહેર કરવામાં તેને કોઈ રોકી શકે તેમ નથી. માલ્યા તો યુકેમાં બેસી પોતાનું બધું દેવું ચૂકવા દેવાની ઓફર કરે છે પણ વ્યાજ વિના. જરા વિચારી લો કોઈ સરકાર આવી ઓફર કેવી રીતે સ્વીકારી શકે.
વિજય માલ્યા હોય, નિરવ મોદી હોય કે લલિત મોદી અથવા તો કોઈ પણ અપરાધી હોય તેમના માટે બ્રિટન બોડી બામણીના ખેતર જેવું બની ગયું છે. તેમને ખુલ્લા હાથે આવકારાતા હોય તેમ તેમને પકડવામાં પણ લાંબો સમય વીતી જાય છે. આનું કારણ એ છે કે બ્રિટનના કાયદાઓ વધુપડતા માનવાધિકારવાદી અને કલ્યાણવાદી છે. બ્રિટનમાં આર્થિક અપરાધીઓ જ આવે છે તેમ નથી. કોઈ પણ ગેરકાયદે માઈગ્રન્ટ એક વખત ઘૂસણખોરી કરી જાય ત્યાર પછી તેના પાલનપોષણની જવાબદારી સરકાર ઉપર આવી જાય છે. જો સંબંધિત કોર્ટ તેમને દેશનિકાલનો આદેશ કરે તે પછી પણ સંખ્યાબંધ અપીલો અને દલીલોમાં વર્ષો વીતતા જાય છે. ભારતમાં તેમના માટે તૈયાર રખાયેલી જેલની અત્યંત સુરક્ષિત અને સુખસુવિધાપૂર્ણ બેરેક્સ પણ રાહ જોતી રહેશે પણ તેમાં રહેવા અપરાધીઓ આવશે ક્યારે તે માત્ર સમય જ કહેશે.