ભારતમાં આજકાલ એક જ પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે કે ૨૦૧૨ના નિર્ભયા બળાત્કાર કેસના ચાર આરોપીઓને ફાંસીની સજા ક્યારે થશે? હૈદરાબાદ દુષ્કર્મ કેસના આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા પછી લોકો નિર્ભયા કેસના આરોપીઓને ફાંસીની સજાનો ત્વરિત અમલ ન થવા બદલ અજંપો અનુભવી રહ્યા છે.
કાયદાની ભાવના ઉદ્દાત છે કે સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. ગુનેગાર, દોષિતના માનવાધિકારને પણ આપણે સ્વીકારીએ છીએ કે તેની ખોટી રીતે સજા ન થવી જોઈએ. પરંતુ, જે કેસમાં ગુનેગારો દોષિત હોવાનું દેશની સર્વોચ્ચ અદાલતે પણ સ્વીકારી લીધું હોય તો પણ સજાનો અમલ ન કરાવી શકાય તો કોની લાચારી? પીડિત અને તેના પરિવારજનોના અધિકારોનું શું? જેઓ બીજાના ગુનાની સજા ભોગવી રહ્યા છે તેમના માનવાધિકારોનું શું? આ જ પ્રશ્ન નિર્ભયાની માતાએ પૂછયો છે. વાસનાખોર અપરાધીઓના કારણે દીકરી ‘નિર્ભયા’એ અસહ્ય પીડા ભોગવીને જાન ગુમાવ્યો છે. સાત - સાત વર્ષથી માનસિક યાતના ભોગવી રહેલા નિર્ભયાના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દાખવવા માત્રથી કોર્ટની જવાબદારી પૂર્ણ થઈ જતી નથી.
સ્વાભાવિકપણે સહુ કોઇ સમાન માનવાધિકારો ધરાવે છે. જ્યાં સુધી અજુગતી ઘટના ન ઘટે ત્યાં સુધી દરેક વ્યક્તિ પોતાના અધિકાર વિશે અવાજ ઉઠાવી શકે છે પરંતુ, કોઈ વ્યક્તિ અન્યના જીવન અથવા તો તેના વ્યક્તિત્વને નુકસાન સાથે તેના અધિકારોનું હનન કરે ત્યારે પોતાના અધિકારો ગુમાવી દે છે. આ પછી કોઈ ગુનેગાર, અને પીડિતના અધિકારો વચ્ચે સમાનતા રહી શકે નહિ.
ન્યાયમાં વિલંબ થાય તેના માટે જવાબદાર કોણ ગણાશે? આ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ સ્પષ્ટપણે કહ્યું છે કે ન્યાયતંત્રની જવાબદારી નક્કી છે. ત્વરિત ન્યાય ના થઈ શકે, પરંતુ મોડું ના થાય તેની જવાબદારી પણ કોર્ટની જ રહે છે.
નિર્ભયા દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે ચાર આરોપીને ફાંસીની સજા સંભળાવ્યા પછી પણ તેનો અમલ થઈ શકતો નથી તે ખરેખર અસહ્ય જ ગણાય. આરોપીઓ અલગ અલગ કોર્ટમાં અલગ મુદ્દે અપીલો કરીને સજાના અમલને લંબાવી રહ્યા છે. ડેથ વોરન્ટ જારી કરવામાં પણ તારીખો પડતી રહે તે કેટલા અંશે વાજબી ગણાય? અપીલોનો નિકાલ આવી જાય તે પછી પણ રાષ્ટ્રપતિને દયાની અરજી કરવામાં સમય વીતે છે. રાષ્ટ્રપતિએ કેટલા સમયમાં દયાની અરજીનો નિર્ણય લેવાનો રહે તેની પણ કોઈ બંધારણીય અવધિ નથી. આમ કાયદાને ઢાલ બનાવી સમય વીતાવવાનું ફાવી ગયું છે.
એક તરફ નિર્ભયા બળાત્કાર કેસમાં ઘટનાના સાત વર્ષ પછી પણ પીડિતાના પરિવારજનોને ન્યાય આપી શકાયો નથી ત્યારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીએ હૈદરાબાદ એન્કાઉન્ટરની પ્રશંસા કરી છે. તેમણે એક વાત યોગ્ય જ કહી છે કે ફિલ્મોમાં એન્કાઉન્ટર ઘટનાને વધાવાય છે અને વાસ્તવિક જીવનમાં તેને વખોડવામાં આવે છે. દુષ્કર્મના કેસમાં ઝડપી સુનાવણી માટે કાયદામાં ફેરફાર કરવો જરૂરી હોવાનું કહેવા સાથે તેમણે દોષિતોને માત્ર ૨૧ દિવસમાં મૃત્યુદંડ આપવાની જોગવાઈના વિધેયકની વાત કરી છે. ખરેખર, કાયદા આવા જ હોવાં જોઈએ. ગુનો કર્યો તો સજા પામો, એ જ ન્યાયની પરિભાષા રહેવી જોઈએ. આમ કરાશે તો જ લોકોમાં ત્વરિત ન્યાયનો ડર ઉભો કરી શકાશે અને ગુનાખોરી ઓછી કરી શકાશે.