બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાતોરાત રાજીનામું ધરી દઇને કલાકોમાં તો ફરી રાજગાદીએ બેસી ગયેલા નીતીશ કુમારે આખરે મગનું નામ મરી પાડ્યું છે. અપેક્ષા અનુસાર, તેમણે મહાગઠબંધનના બાળમરણનો ઓળિયોઘોળિયો લાલુ પ્રસાદ અને તેમના રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) પર ઢોળ્યો છે. તો સાથોસાથ ‘મોદીજીનો મુકાબલો કરવાની કોઇનામાં તાકાત નથી’ એવું નિવેદન કરીને એક પ્રકારે જાહેરાત પણ કરી દીધી છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી તેઓ મોદી સાથે મળીને લડવાના છે. આનું નામ રાજકારણ. એક સમયે જે નીતીશ કુમારે નરેન્દ્ર મોદીના પોસ્ટરમાં પોતાની તસવીર મૂકવા સામે સરાજાહેર તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી તે જ નીતીશ કુમાર આજે રાજીખુશીથી, સદેહે મોદીની બાજુમાં જઇ બેઠા છે.
નીતીશનું કહેવું છે કે તેમની પાસે આવું કર્યા સિવાય કોઇ આરોવારો જ નહોતો. યુતિ-ધર્મ નિભાવતાં મહાગઠબંધન જાળવવા તેમણે ભરપૂર પ્રયાસો કર્યા, પરંતુ રાજદ કે લાલુએ ભ્રષ્ટાચાર મુદ્દે સ્પષ્ટતા કરી જ નહીં. મહાગઠબંધનને તોડવા ભાજપ સાથે જોડાણ કર્યાનો આરોપ ફગાવતા નીતીશ બચાવ કરે છે કે તેમના ભ્રષ્ટાચાર-વિરોધી અભિગમ સામે આંગળી ઉઠી રહી હોવાથી નાછૂટકે છૂટા-છેડાનો નિર્ણય લેવો પડ્યો છે. નીતીશ ભ્રષ્ટાચારના મુદ્દે બાંધછોડ કરી રહ્યાનો મુદ્દો ચગાવીને ભાજપે પ્રચારનો મારો ચલાવ્યો હતો અને જો તેમણે રાજીનામું ન આપ્યું હોત તો ભાજપનું આક્રમણ વધુ તીવ્ર બન્યું હોત. આ જોતાં નીતીશનો દાવો નરી આંખે ભલે સાચો દેખાતો હોય, પણ હકીકત કંઇક અલગ જ છે. સાચું તો એ છે કે નીતીશને બિહારમાં પોતાના જનાધારનો સફાયો થઇ રહ્યાનો ફડકો પેઠો હતો. તેમની અને ભાજપની મતબેન્ક લગભગ એક છે. બન્ને પક્ષનો બહુમતી જનાધાર સમાજના ઉચ્ચ વર્ણ, મધ્યમ વર્ગ, બિન-યાદવ અને પછાત વર્ગમાં છે.
ભાજપની વાત કરીએ તો, ૨૦૧૯ની ચૂંટણીમાં તે ઉત્તર પ્રદેશ અને બિહારમાં કોઇ પણ ભોગે સરસાઇ જાળવવા માગે છે. બન્ને રાજ્યોમાં કુલ ૧૦૨ લોકસભા બેઠકો તેના કબ્જામાં છે. જો આમાં નિષ્ફળ જાય તો તેના માટે કેન્દ્રમાં સરકાર રચવાનું મુશ્કેલ બની જાય. પોતાની મતબેન્કમાં ભાગ પડતો અટકાવવા માટે કોઇ પણ સંજોગોમાં નીતીશને પોતાની તરફે ખેંચવા અનિવાર્ય હતા.
આ માહોલમાં ભાજપ માટે સૌથી લાભકારક બાબત એ હતી કે નીતીશ માટે રાજ્યમાં એક પછી એક પડકાર ઉભા થઇ રહ્યા હતા. એક તો મુસ્લિમ અને યાદવ વિધાનસભ્યોમાં આંતરિક અસંતોષ પ્રવર્તતો હતો. નીતીશને આશંકા હતી કે પક્ષના ૧૮ ધારાસભ્યોનું આવું જ એક જૂથ લાલુ પ્રસાદ સાથે જોડાય જશે. બીજું, લાલુ સાથે મળીને બે વર્ષ કામ કર્યું, પણ નીતીશ સરકાર એવી કોઇ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી શકી નહોતી કે જેથી લોકો પક્ષ સાથે જોડાયેલા રહે. વળી, કેન્દ્ર સરકાર બિહાર માટે કેન્દ્ર ભંડોળ પૂરતું ભંડોળ ફાળવતી નહોતી, આથી વિકાસકાર્યો ખોરંભે પડ્યા હતા. સૌથી મહત્ત્વનું પાસું હતું - નીતીશ અને ભાજપની એકસમાન મતબેન્ક. નીતીશે નોટબંધી અને સર્જિકલ સ્ટ્રાઇકની તરફેણ કરી હતી તેના મૂળમાં આ જ વાત હતી કેમ કે તેના સમર્થકોએ મોદી સરકારના આ પગલાંને આવકાર્યા હતા.
આ બધા પરિબળોના સરવાળે નીતીશને સમજાઇ ગયું હતું કે જો તે લાલુ સાથે લાંબો સમય રહ્યા તો તેમનો જનાધાર ઘસાતો જશે અને ૨૦૧૯ સુધીમાં તો તે બિલ્કુલ કોરાણે ધકેલાઇ જશે. સાથોસાથ નીતીશ એવી પણ લાગણી અનુભવતા હતા કે વિપક્ષના મહાગઠબંધનમાં તેમનું એવું કોઇ વિશેષ સ્થાન નથી, જેવું તેઓ ઇચ્છતા હતા.
એક તરફ, નીતીશ બિહારમાં ભીંસમાં હતા તો બીજી તરફ નરેન્દ્ર મોદી નોટબંધી ને ઉત્તર પ્રદેશમાં જ્વલંત સફળતા બાદ ઝડપભેર આગેકૂચ કરી રહ્યા હતા. નીતીશને ખ્યાલ આવી ગયો કે જો પોતાને રાજકીય અસ્તિત્વ ટકાવવું હશે તો મહાગઠબંધન સાથે છેડો ફાડ્યા વગર છૂટકો નથી. આ નિર્ણયથી નીતીશને ભલે ફાયદો થાય, પણ મહાગઠબંધન તૂટવાનો સૌથી વધુ લાભ તો ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ લણશે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં ભાજપની નેતાગીરીએ જે પ્રકારે યોજનાબદ્ધ પ્રયાસો હાથ ધર્યા છે તે જોતાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધીમાં મહાગઠબંધન રફેદફે થઇ ગયું હોય તો પણ નવાઇ નહીં.