ભારતના પડોશી અને સદીઓ જૂના સાંસ્કૃતિક, પ્રજાકીય અને ઐતિહાસિક સંબંધો ધરાવતા દેશ નેપાળનું રાજકારણ હાલ ગરમાયેલું છે. વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ સંસદ ભંગ કરવાનો નિર્ણય લેતા બંધારણીય કટોકટી સર્જાઈ છે. નેપાળમાં છેલ્લા ત્રણ દાયકામાં ૨૬ વડાપ્રધાન આવી ચૂક્યાં છે ત્યારે નિષ્ણાતોના મતે રાજાશાહી યુગના અંત બાદ નેપાળમાં લાંબા સમય સુધી રહેલી રાજકીય અસ્થિરતાના કારણે નવા બંધારણમાં સંસદને ભંગ કરવાની જોગવાઇ રાખવામાં જ નથી આવી અને ઓલીનું પગલું ગેરબંધારણીય છે. બીજી તરફ, નેપાળ પર પોતાની રાજકીય અને આર્થિક પકડ ઢીલી ન થાય તે માટે સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના બે જૂથોને સમજાવવા ચીન તરફથી તાત્કાલિક પ્રતિનિધિઓ મોકલાયા હતા પરંતુ, તેમને સફળતા હાંસલ થઈ નથી.
ચીન અને ભારત વચ્ચે આ જ મુખ્ય તફાવત છે. ચીન અન્ય દેશોની આંતરિક બાબતોમાં ચંચુપાત કરવાનું છોડતું નતી અને ભારત ચંચુપાત કરવામાં માનતું નથી. એક કહેવત છે, ‘ચોરી ઉપર સીનાજોરી’. ચીની ડ્રેગન પોતાની ચોરી છુપાવવા નેપાળના આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ ભારત પર મૂકી રહ્યું છે. તેણે આક્ષેપ લગાવ્યો છે કે ચીન-નેપાળ વાતચીતની ભારત જાસૂસી કરી રહ્યું છે. નેપાળમાં હસ્તક્ષેપ કરવા બદલ ચીને બચાવ કર્યો છે કે બેલ્ટ એન્ડ રોડ્સ યોજના હેઠળ નેપાળમાં મોટાપાયે રોકાણ કર્યું હોવાથી ત્યાંની રાજકીય પરિસ્થિતિ પર ચીનની ચિંતાનું કારણ વાજબી છે.
નેપાળની રાજનીતિના તાર કાયમથી ભારત સાથે જોડાયેલા રહ્યાં છે. નેપાળની ભારત પરની નિર્ભરતા ખતમ કરવા ચીન ગમે તે હદે જઇ શકે છે. નેપાળના સત્તાધારી પક્ષમાં વિખવાદનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂક્યો છે. બીજી તરફ, નેપાળમાં સંસદને વિખેરવા મુદ્દે લોકોમાં આક્રોશ છે અને ચીન દ્વારા નેપાળના રાજકીય સંકટમાં દખલગીરીથી લોકો વધુ રોષે ભરાયા હતા.
વધુ મહત્ત્વની બાબત એ છે કે કોમ્યુનિસ્ટ પાર્ટીના અન્ય મહત્ત્વના નેતા પુષ્પકમલ દહલ પ્રચંડે નેપાળમાં લોકતાંત્રિક વ્યવસ્થા જાળવી રાખવા ભારત પાસે મદદની અપેક્ષા દર્શાવી છે. તેમનું કહેવું છે કે સંસદના ભંગથી લોકશાહીની હત્યા થઈ છે ત્યારે ભારતે મૌન રાખવું ન જોઈએ. વાસ્તવિકતા એ છે કે નેપાલ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં ઓલી અને પ્રચંડના જૂથો વચ્ચે સત્તાની સાઠમારી ચાલી રહી છે ત્યારે હવે તેમને ભારતની મદદની જરુર વર્તાય છે. હવે ભારતે પણ નેપાળ પર પોતાની પકડ મજબૂત બનાવવાની આ તકને જવા દેવી જોઈએ નહિ. ચીનનો પગપેસારો દૂર કરવા માટે કૂટનીતિના ઉપયોગથી ઓલી અને પ્રચંડના જૂથો ઉપરાંત, ભારતતરફી મધેશી જૂથોને હાથ પર લઈ કોઈ ઉપાય શોધી કાઢવાની આવશ્યકતા છે.