ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસને ત્રણ વર્ષના લાંબા અરસા બાદ પંજાબમાં સારા સમાચાર મળ્યા છે. દેશના એક મહત્વના રાજ્યમાં તેની સરકાર રચાઇ છે. કોંગ્રેસે ૨૦૧૩માં કર્ણાટકમાં સત્તા સંભાળ્યા બાદ દેશના ઘણા રાજ્યોમાં ચૂંટણીઓ તો યોજાઇ છે, પણ ક્યાંય તેનો દેખાવ નોંધપાત્ર નહોતો. જોકે હવે તે પંજાબમાં ૧૧૭ સભ્યોના ગૃહમાં ૭૭ બેઠકો જીતીને સારો અને નોંધપાત્ર દેખાવ કર્યાનો સંતોષ લઇ શકે તેમ છે. કોંગ્રેસે ચૂંટણી જંગના પ્રારંભથી જ કેપ્ટન કેપ્ટન અમરિન્દર સિંહને મુખ્ય પ્રધાન પદના દાવેદાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા, અને કેપ્ટને પણ તેમનામાં મૂકાયેલા ભરોસાને યથાર્થ ઠેરવતા પક્ષને સત્તાના સિંહાસને દોરી ગયા છે. જોકે કોંગ્રેસના વિજયમાં કેપ્ટનની કાબેલિયત ઉપરાંત પ્રકાશ સિંહ બાદલના નેતૃત્વ હેઠળની અકાલી દળ-ભાજપ યુતિ સરકાર સામેના જનઆક્રોશે પણ નિર્ણાયક ભૂમિકા ભજવી છે.
બાદલ સરકાર સામેની જે નારાજગીને વટાવી અમરિન્દર સિંહ મુખ્ય પ્રધાન બન્યા છે તે જ મુદ્દાઓ, પડકારો, સમસ્યાઓ હવે તેમને વારસામાં મળ્યા છે. એક સમયે દેશમાં કૃષિક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી કૃષિ વિકાસમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણે માઝા મૂકી છે. યુવાધન ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઇ રહ્યું છે. રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયોમાં ચિંતાજનક હદે વધારો નોંધાયો છે. તો રાજ્યમાં ભ્રષ્ટાચારે એ હદે માઝા મૂકી છે કે સામાન્ય લોકો તોબા પોકારી ગયા છે.
નવનિયુક્ત મુખ્ય પ્રધાન આ સમસ્યાઓને નાથવા અસરકારક પગલાં લેશે તેવી પ્રજાની અપેક્ષા સહજ છે. અમરિન્દર સિંહ બીજી વખત મુખ્ય પ્રધાન બન્યા છે અને વહીવટી તંત્ર પર તેમની પકડ માટે જાણીતા છે. મુખ્ય પ્રધાન પદ સંભાળ્યા બાદ તેમણે તંત્રમાં સાફસૂફી હાથ ધરી છે. અને આવનારા દિવસોમાં તેઓ અન્ય સમસ્યાઓના નિરાકરણ માટે આક્રમક પગલાં લેશે એવી અપેક્ષા રખાઇ રહી છે.
જોકે એક વર્ગ એવો પણ છે જે કોંગ્રેસની નીતિરીતિને શંકાની નજરે નિહાળે છે. આ વર્ગનું માનવું છે કે સત્તા હાંસલ થઇ ગયા બાદ કોંગ્રેસ જૂની ઘરેડમાં આવી જાય છે. સત્તાના તોરમાં તે આમ આદમીના પ્રશ્નો પ્રત્યે આંખ આડા કાન કરવા લાગે છે. અને આ જ બાબત તેની પ્રગતિ આડેનો સૌથી મોટો અવરોધ બની રહી છે. એક પછી એક ચૂંટણીઓમાં કારમો પરાજય કોંગ્રેસના અસ્તિત્વને ક્ષીણ કરતો રહ્યો છે ત્યારે પંજાબનો વિજય પક્ષમાં ચેતનાનો સંચાર કરવા માટેની સંજીવની જડીબુટ્ટી સાબિત થઇ શકે છે. કેપ્ટન અમરિન્દર સિંહ પંજાબના લોકોએ આપેલી તકનો સુપેરે ઉપયોગ કરી જાણશે, લોકોને તેમની અપેક્ષા અનુસાર સુશાસન આપવામાં સફળ રહેશે તો તે રાષ્ટ્રીય રાજકારણમાં પક્ષના પુનરોદ્ધાર માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ શકે છે.