વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ દિલ્હીમાં પક્ષના વડા મથકે કાર્યકરોને સંબોધતા કંઇક આ શબ્દોમાં લાગણી વ્યક્ત કરી હતીઃ એક નૂતન ભારતના નિર્માણનું બીજ રોપાઇ ગયું છે... વડા પ્રધાને ભલે દેશના વિકાસકાર્યો સંદર્ભે આ વાત કરી હોય, પરંતુ રાજકીય પરિપ્રેક્ષ્યમાં પણ તે એટલું જ યથાર્થ છે. ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં ભાજપે પ્રચંડ બહુમત મેળવ્યો છે તો પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં કોંગ્રેસના ગઢને ધ્વસ્ત કરીને વિજયપતાકા લહેરાવ્યા છે.
તમામ રાજકીય ધારણાઓ, કેટલાક એક્ઝિટ પોલના તારણો, રાજકીય પંડિતોના મંતવ્યોને ખોટા ઠેરવતા ભાજપે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વિક્રમજનક વિજય હાંસલ કર્યો છે. ગોવા અને મણિપુરમાં મતદારોએ ત્રિશંકુ ચુકાદો આપ્યો છે, પણ સરકાર રચવાની રેસમાં ભાજપ આગળ છે. શિરોમણિ અકાલી દલ (એસએડી)ના સહયોગમાં ચૂંટણી લડી રહેલા ભાજપે પંજાબ ગુમાવ્યું છે. પંજાબમાં સંયુક્ત સરકારમાં આમેય ભાજપ કેટલીક રીતે નારાજ રહ્યું છે. આ પાંચ રાજ્યોની ચૂંટણીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની સેમિ-ફાઇનલ પણ ગણાવાતી હતી. ભાજપે ૨૦૧૪નું પુનરાવર્તન કરતો જ્વલંત દેખાવ કર્યો છે.
ઉત્તર પ્રદેશમાં ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે ભાજપનો વિજય રાજકીય પક્ષો અને નેતાઓથી માંડીને રાજકીય પંડિતો - સહુ કોઇ માટે અભ્યાસનો વિષય બન્યો છે. ૪૦૩ સભ્યોના વિધાનસભા ગૃહમાં ભાજપે અધધધ ૩૨૫ બેઠકો મેળવી છે. બાકીની ૭૮ બેઠકોમાં શાસક સમાજવાદી પાર્ટી (સપા)થી માંડીને તેની સહયોગી કોંગ્રેસ, નિર્ણાયક પ્રતિસ્પર્ધી ગણાતી બહુજન સમાજ પાર્ટી (બસપા) સહિતના તમામ સમેટાઇ ગયા.
નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી ભારતીય રાજનીતિનો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશમાં હિન્દુઓના જ નહીં, લઘુમતી સમુદાયના મતો અંકે કરવામાં સફળ રહી છે તેનું આ પરિણામ છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની તરફેણમાં જે પ્રચંડ રાજકીય મોજું સર્જાયું હતું તેને પારખવામાં રાજકીય વિશ્લેષકો નિષ્ફળ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને મળેલી જીતના મૂળમાં મોદી-શાહના ચાણક્ય વ્યૂહને જ યશ આપવો રહ્યો.
એક તો નરેન્દ્ર મોદીએ ચૂંટણીના થોડાક સમય પૂર્વે જ જોખમી ગણાય તેવું નોટબંધીનું પગલું ભર્યું. આ દાવ ઉલ્ટો પડી શક્યો હોત, પરંતુ મોદી પોતાના નિર્ણય પાછળનું કારણ લોકોને સમજાવવામાં સફળ રહ્યા, અને લોકોએ પ્રચંડ સમર્થન આપ્યું. બીજું, રાજ્યના અનેક વિધાનસભા ક્ષેત્રોમાં મુસ્લિમ સમુદાયની બહુમતી હોવા છતાં ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નહોતી. આમ છતાં ભાજપને મુસ્લિમ મતો મળ્યા છે. સપા અને બસપાનો ગઢ ગણાતી મુસ્લિમ બેઠકો ભાજપે કબ્જે કરી છે.
પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ૧૧૫ બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારો હાર-જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા રહ્યા છે. ૨૦૧૨માં સપાને અહીંથી સૌથી વધુ ૬૫ બેઠકો મળી હતી, પણ આ વખતે તેને માત્ર ૨૨ બેઠકો મળી છે. જ્યારે ભાજપને ૨૦૧૨માં અહીં ૨૨ બેઠકો મળી હતી, જે આ વખતે વધીને ૮૩ થઇ છે. જે દેશમાં ચૂંટણી વેળા હંમેશા લઘુમતી સમુદાયને થાબડભાણાં થતાં રહ્યાં છે ત્યાં એક ‘હિન્દુવાદી’ પક્ષને સાંપડેલો આવો પ્રોત્સાહક પ્રતિસાદ દર્શાવે છે કે ભાજપ લઘુમતી સમુદાયનો વિશ્વાસ જીતવામાં ઘણા અંશે સફળ રહ્યો છે. બીજા શબ્દોમાં આપણે એમ પણ કહી શકીએ કે લઘુમતી સમુદાય હવે રાજકીય પક્ષોની નીતિરીતિને ઓળખતો થયો છે તેનું આ પરિણામ છે. અલબત્ત, લઘુમતી સમુદાયને ભાજપની કઇ નીતિએ વધુ આકર્ષિત કર્યો છે તે રાજકીય વિશ્લેષકોના અભ્યાસનો વિષય છે.
એટલું જ નહીં, ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કા વેળા મોદીએ ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને અનેક ટીકાઓ છતાં આખી સરકાર સાથે વારાણસીમાં ડેરાતંબૂ તાણ્યા હતા. વિપક્ષી નેતાઓ ગાઇવગાડીને કહેતા હતા કે મોદી ઉત્તર પ્રદેશમાં હાર ભાળી ગયા છે... પોતાના લોકસભા ક્ષેત્રમાં ભાજપની આબરૂ બચાવવા મોદી મરણિયા બન્યા છે વગેરે વગેરે. પરંતુ હકીકત કંઇક ઉલ્ટી જ હતી તે હવે બધાને સમજાયું છે. ખરેખર તો મોદી વિજય ભાળી ગયા હતા. તેમણે તો પક્ષના વિજયને પ્રચંડ બનાવવા માટે વારાણસીમાં ધામા નાખ્યા હતા. જનમેદની તો અખિલેશ-રાહુલના રોડ-શોમાં પણ ઉમટતી હતી, પરંતુ મોદી મતદારોનો વિશ્વાસ જીતવામાં, તેમના દિલોદિમાગ પર છવાઇ જવામાં અને તેઓના મત મેળવવામાં સફળ રહ્યા છે. પરાજય બાદ અખિલેશ યાદવે ખુદ પત્રકારો સાથેની વાતચીતમાં કબૂલ્યું છે કે અમારી સભામાં જંગી મેદની તો આવતી હતી, પણ તેમણે અમને મત ન આપ્યા.
આ ચૂંટણીના પરિણામો, સવિશેષ તો ઉત્તર પ્રદેશના, રાજકીય વિશ્લેષકોને સામાજિક ન્યાય, બિનસાંપ્રદાયિક્તાની નવી વ્યાખ્યા કરવા માટે પ્રેરે તો નવાઇ નહીં. મુસ્લિમ, દલિત, બ્રાહ્મણ, યાદવ સહુ કોઇ ભાજપની સાથે જોવા મળ્યા છે તે દર્શાવે છે કે મોદી સામાજિક સમરસતાનું સમીકરણ રચવામાં સફળ રહ્યા છે. દરેક વિધાનસભા ચૂંટણીના રાજકીય સંકેતોને ભલે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં મૂલવવામાં આવતા ન હોય, પરંતુ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોના પરિણામોમાં ઘણા સૂચિતાર્થ રહેલા છે. અહીં વાત માત્ર ચૂંટણીના આંકડા કે સરસાઇના અંતર પૂરતી સીમિત નથી. ઉત્તર પ્રદેશમાં ભાજપે નવો કીર્તિમાન સ્થાપ્યો છે એ પણ ચર્ચાનો મુદ્દો નથી. લોકસભા ચૂંટણીના ત્રણ વર્ષ પછી પણ ભાજપે પોતાની બેઠકો અને મતહિસ્સો જાળવ્યો છે તે વાતને પણ આપણે બાજુએ મૂકીએ. સૌથી નોંધનીય બાબત તો એ છે કે ભાજપે વિધાનસભા ચૂંટણીમાં નેતૃત્વ વગર જ આ સફળતા હાંસલ કરી છે. વળી, સ્થાનિક પ્રજાને રાજ્ય સરકારની કામગીરી સામે તીવ્ર અસંતોષ પણ નહોતો. આમ છતાં ભાજપ આ પ્રચંડ વિજય મેળવવામાં સફળ રહ્યો છે. અને આ સફળતા માત્ર ઉત્તર પ્રદેશ પૂરતી સીમિત નથી.
ઉત્તરાખંડમાં શાસક કોંગ્રેસનો સફાયો કરી નાખવા ઉપરાંત જે રાજ્યમાં ભાજપનો એક મ્યુનિસિપલ કાઉન્સિલર પણ નહોતો તેવા મણિપુરમાં ૨૧ બેઠકો જીતી છે. અને ગોવામાં પ્રજાની નારાજગી, પક્ષમાં આંતરિક અસંતોષ, સાથી પક્ષોનો અસહકાર છતાં ભાજપ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મેળવતા અટકાવી શક્યો છે તે કંઇ નાનીસૂની બાબત નથી. એટલું જ નહીં, જો આ પરિણામોને મહારાષ્ટ્ર અને ઓડિશાના સ્થાનિક ચૂંટણીના રાજકીય સૂચિતાર્થો સાથે સાંકળીને જોવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે ‘કમળ’ દેશભરમાં ખીલી રહ્યું છે.
ભારતનું રાજકારણ હવે મોદી કેન્દ્રીત થઇ રહ્યું છે એમ કહેવામાં પણ લગારેય અતિશ્યોક્તિ નથી. મોદી પોતાના વિરોધીઓ કરતાં જ નહીં, પરંતુ પોતાના પક્ષ કરતાં પણ કદાવર નેતા થઇ ગયા છે. આટલી મોટી સફળતાને માત્ર ચૂંટણી વ્યૂહનો ચમત્કાર કે વિપક્ષી યુતિની નિષ્ફળતા ગણાવી શકાય નહીં. પંજાબ ભલે કોંગ્રેસ જીતી ગઇ, પરંતુ આનાથી ભાજપની આગેકૂચની ઉપેક્ષા થઇ શકે તેમ નથી. પંજાબમાં કોંગ્રેસના વિજયનો જશ કેપ્ટન અમરિન્દર સિંહને જ આપવો રહ્યો. પંજાબમાં ભાજપની હારનું અસલી કારણ તેના સહયોગી અકાલી દળનો ગેરવહીવટ હતો, જેને દરેક પંજાબી ધિક્કારવા લાગ્યો હતો. ગોવા અને મણિપુરમાં ભલે ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળી, પરંતુ કોંગ્રેસ જીતી શકી નથી તે પણ હકીકત છે. સાચું તો એ છે કે મોદીના નેતૃત્વમાં ભાજપને રાષ્ટ્રીય સ્તરે રાજકીય સ્વીકૃતિ મળી ચૂકી છે.
ઉત્તર પ્રદેશના મતદારોએ સામાજિક ન્યાયના નામે ચાલતા જાતિવાદી રાજકારણને આપેલા જાકારાનું પરિણામ છે. કહેવાતી બિનસાંપ્રદાયિક્તાના નામે મુસ્લિમોને આળપંપાળ કરવાની નીતિ મત અપાવશે જ તેવું પણ હવે કોઇ ગળું ખોંખારીને કહી શકે તેમ નથી. ભાજપે જ્વલંત વિજય મેળવવાની સાથે સાથે ભારતીય રાજકારણમાં નવા અધ્યાયનો આરંભ કર્યો છે તેમાં કોઇ બેમત નથી. અલબત્ત, ભાજપના નેતાગણથી માંડીને પાયાના કાર્યકરોએ નરેન્દ્ર મોદીના એ શબ્દો હંમેશા યાદ રાખવા રહ્યા કે કોઇ વૃક્ષ ભલે ગમેતેટલું ઊંચું હોય, પરંતુ તેના પર ફળ આવે ત્યારે તે ઝૂકે છે. પ્રકૃત્તિનો આ નિયમ છે. ભાજપના વૃક્ષમાં સફળતાના ફળ લાગ્યાં છે ત્યારે આપણી ઝૂકવાની જવાબદારી બને છે. સત્તા એ પદની શોભાનો હિસ્સો નથી. સત્તા એ સેવા કરવાનો અવસર છે.