કોરોના મહામારી વચ્ચે ભારતના પાંચ રાજ્યો- પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીજંગ ખેલાઈ ગયો પરંતુ, તમામની નજર ફક્ત પશ્ચિમ બંગાળના રસપ્રદ ચૂંટણીજંગ પર જ હતી. જોકે, ૨૦૦થી વધુ બેઠક હાંસલ કરવાના ધાર્યા પરિણામો હાંસલ નહિ થવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપના નેતાગણની ઊંઘ હરામ થઈ છે. મમતા બેનરજીએ ૨૧૪ બેઠકની જંગી બહુમતી હાંસલ કરી ત્રીજી વખત શાસન સંભાળી લીધું છે. રાજકીય નેતાઓ કરતા નાગરિકો વધુ શાણા પૂરવાર થયા છે. નેતાઓની સભાઓમાં લાખો લોકોની હાજરી મત અને વિજયમાં રુપાંતરિત થતી નથી તે હવે નેતાઓએ સમજી લેવાની જરુર છે. ભાજપને વધુ પડતો આત્મવિશ્વાસ ભારે પડયો છે. મમતા બેનરજીએ તેમના ‘મા, માટી ઔર માનુષ’ના સ્લોગનને સાર્થક કરી બતાવ્યું છે. કેરળમાં પી.વિજયન અને તામિલનાડુમાં ડીએમકેના એમ. કે. સ્ટાલિન સત્તા પર આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં દસ વર્ષ અગાઉ મમતા બેનરજીએ ડાબેરી પક્ષોના દીર્ઘ શાસનને હરાવી સિક્કો જમાવ્યો હતો તે જ રીતે મમતાને પરાજિત કરી વિજયપતાકા લહેરાવવાની ભાજપની મહેચ્છા ધૂળમાં મળી ગઈ છે. મમતા બેનરજીએ સાબિત કર્યું છે કે બંગાળમાં હજુ પણ તેમનો પ્રભાવ છે અને તેમના પક્ષે ભાજપને હરાવીને દેશના રાજકારણમાં નબળા પડી રહેલા પ્રાદેશિક પક્ષોમાં આશાનો સંચાર કર્યો છે. જોકે, ભાજપ એ વાતે આશ્વાસન લઈ શકશે કે તેણે મમતાના ગઢમાં મજબૂત પગપેસારો કર્યો છે અને ત્રણની સામે ૭૬ બેઠક મેળવી લીધી છે. બંગાળમાં ૨૦૧૧માં ભાજપનું ખાતું પણ ખુલ્યું ન હતું. લોકસભાની ચૂંટણીમાં ભાજપે બંગાળની ૪૨માંથી ૧૮ બેઠકો મેળવીને રાજકીય પંડિતોને ચોંકાવ્યાં હતાં પરંતુ, વિધાનસભા ચૂંટણીમાં તેનું પુનરાવર્તન કરી શકાયું નથી. તૃણમૂલ કોંગ્રેસમાંથી મોટા નેતાઓને ભાજપમાં ખેંચી લાવ્યા પરંતુ, મમતાનો વિજયરથ રોકી શકાયો નથી. હા, નંદીગ્રામ બેઠક પર મમતાની હાર થઈ એ પણ હકીકત છે.
ભાજપએ પશ્ચિમ બંગાળ અંકે કરી લેવા ભારે પ્રયાસો કર્યા પરંતુ, કોઈ કારી ફાવી નથી. અનેક પરિબળો કામ કરી ગયા છે. આખા દેશમાં કોરોના મહામારીના ડરામણા માહોલમાં યોજાએલી ચૂંટણીઓ અને ચૂંટણીપ્રચારે લોકોમાં ખોટો સંદેશ મોકલ્યો છે. દેશમાં કોરોનાનો ફેલાવો વધી રહ્યો હતો ત્યારે રાજકીય પક્ષોના શીર્ષસ્થ નેતાઓ જંગી જાહેર સભાઓ સંબોધવામાં લાગ્યાં હતાં. આવી બેદરકારી નાગરિકોને કઠી જાય તે સ્વાભાવિક છે. ભાજપના હિન્દુ-મુસ્લિમના જાતિગત અને ધાર્મિક ધ્રુવીકરણના પ્રયાસો બૂમરેંગની જેમ પાછા ફેંકાયા છે. ભાજપના ‘જય શ્રી રામ’ના નારા કોઈ કામ લાગ્યા નહિ. સામા પક્ષે મમતાએ બંગાળી નારી અસ્મિતાનું કાર્ડ સફળતાપૂર્વક ખેલી બતાવ્યું છે. વડા પ્રધાન મોદીએ ચૂંટણીપ્રચારમાં જે રીતે ‘દીદી...ઓ.. દીદી’ના લહેકા લગાવ્યા તે પણ ભાજપને ભારે પડ્યા છે કારણકે બંગાળી પ્રજા નારી સન્માનને જરા પણ ઠેસ પહોંચે તે સાંખી શકતી નથી. મમતા બેનરજીએ પણ મુસ્લિમ વોટબેન્કને સંપૂર્ણતઃ પોતાના પક્ષે કરી લીધી હતી. તેમણે તો મુસ્લિમોને વોટ વહેંચાઇ ન જાય એની તકેદારી રાખવા સુદ્ધાં કહ્યું હતું. ચૂંટણીપ્રચારમાં ઈજાગ્રસ્ત બનેલા મમતા પગમાં પ્લાસ્ટર અને વ્હીલ ચેરમાં બેસી પ્રચાર કરી મતદારોની ભારે સહાનુભૂતિ મેળવવામાં સફળ રહ્યાં હતાં.
આ હકીકતો છતાં, ભાજપએ રાષ્ટ્રીય પક્ષની ઓળખ જાળવી છે. આસામ અને પુડુચેરીમાં વિજય હાંસલ કર્યો છે પરંતુ, ૧૩૫ વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીની હાલત ‘મા, મને કોઠીમાંથી કાઢ’ જેવી થઈ છે. પશ્ચિમ બંગાળમાં તો ડાબેરી પક્ષો સાથે તેના જોડાણને સફાયો જ થઈ ગયો છે. આઝાદી પછી પ્રથમ વખત કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક બેઠક પણ મળી નથી. તામિલનાડુમાં ડીએમકે સાથેના જોડાણે તેને સત્તાભાગી બનાવી છે પરંતુ, કેરળમાં સત્તા હાંસલ કરી શકી નથી. આસામ-બંગાળ સહિત કોંગ્રેસનો સફાયો થવા સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા સામે પડકારો વધી જશે. રાહુલનું ફોકસ કેરળ પર હતું જ્યારે પ્રિયંકાએ આસામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દિવંગત વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના સમયમાં ૧૭ મોટા રાજ્યોમાં શાસન સાથે કોંગ્રેસનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો હતો. આજે ૩૧માંથી ૧૭ રાજ્યોમાં ભાજપ અને સાથીપક્ષોનું શાસન છે પરંતુ, ૨૦૧૮માં આ સંખ્યા ૨૧ રાજ્યની હતી.
ચૂંટણીઓમાં હારજીત થતી રહે છે પરંતુ, કોરોનાકાળમાં ભાજપ માટે પરાજયનું મહત્ત્વ વિશેષ રહેવું જોઈએ. મૂલ્યો, આચારસંહિતા અને પ્રતિપક્ષી પ્રત્યે આદર-સન્માનને કદી ભૂલવા ન જોઈએ. અલગ પાર્ટીની ઓળખ જાળવી રાખવી હશે તો ભાજપના નેતાગણે આ સમજવું પડશે. માત્ર રાજકારણી નહિ પરંતુ, દેશની પ્રજાની દરકાર રાખતા રાજપુરુષ તરીકેની ઓળખ વધુ મહત્ત્વની છે.