જમાત-ઉદ્-દાવાનો વડો હાફિઝ સઇદ અમારા ગળે બંધાયેલું ઘંટીનું પડ છે અને હવે પાકિસ્તાન તેને અંકુશમાં રાખવા સક્ષમ નથી. આ વાક્ય વાંચીને રખે માની લેતા કે કોઇ શાંતિપ્રેમી પાકિસ્તાનીએ આ શબ્દો ઉચ્ચાર્યા છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફના આ શબ્દો છે અને તેમણે સરાજાહેર આ નિવેદન કર્યું છે. વાત આટલેથી જ નથી અટકતી. પાકિસ્તાન જેના આર્થિક ટુકડા પર નભી રહ્યો છે તે અમેરિકાને પણ લબડધક્કે લેતાં તેમણે કહ્યું છે કે અમેરિકા આજે અમને હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓને નાથવામાં નિષ્ફળતા મુદ્દે ધમકાવી રહ્યું છે, પરંતુ આ જ હાફિઝ સઇદ એક સમયે અમેરિકાનો વ્હાલો હતો તે વાતને કેમ વિસારે પાડી દેવામાં આવે છે?
પાકિસ્તાનના વિદેશ પ્રધાને ઠાલવેલા આ બળાપામાં કેટલું તથ્ય છે એ તો આપણે નથી જાણતા, પરંતુ તેમણે જે મુદ્દે અમેરિકા સામે આંગળી ચીંધી છે તે પણ એટલી જ સાચી છે. હાફિઝ સઇદ જેવા આતંકીઓ અને તેના સંગઠનોને એક સમયે આ જ અમેરિકાએ પાળીપોષીને મોટા કર્યાં છે. અમેરિકા પોતાના આર્થિક, રાજકીય, રાજદ્વારી અને લશ્કરી હિતો તથા ઉદ્દેશોને સાકાર કરવા માટે દુનિયાભરમાં આવાં કરતૂતો કરતું રહ્યું છે તેમાં કંઇ નવું નથી. વિશ્વમાં અનેક ત્રાસવાદીઓ તથા સરમુખત્યારોને અમેરિકાએ જ શસ્ત્રસરંજામ આપીને પાળ્યા-પોષ્યા છે. અફઘાનિસ્તાનમાં રશિયાનો પ્રભાવ વધતો અટકાવવા માટે અમેરિકાએ જ તાલિબાન નામના આતંકવાદી જીનને પેદા કર્યો અને પછી જ્યારે લાગ્યું કે મામલો બેકાબૂ બની રહ્યો છે ત્યારે તેણે સશસ્ત્ર દળો મોકલ્યા. અબજો ડોલરનો ધુમાડો કર્યો અને સેંકડો સૈનિકોના મહામૂલા જીવ ગુમાવ્યા તે અલગ. લાંબા લોહિયાળ સંઘર્ષ બાદ અફઘાનિસ્તાનમાં ચૂંટાયેલી સરકારે શાસનધૂરા તો સંભાળી છે, પરંતુ સંપૂર્ણ શાંતિ ક્યારે સ્થપાશે તે કોઇ કહી શકે તેમ નથી.
પાકિસ્તાન દસકાઓથી પોતાની ધરતી પર ત્રાસવાદી ટ્રેનિંગ કેમ્પ ચલાવતું રહ્યું છે અને હાફિઝ સઇદ તથા દાઉદ ઇબ્રાહીમ જેવા લોકો પાકિસ્તાનમાં બેઠાં બેઠાં ભારતવિરોધી લોહિયાળ ષડયંત્રો ઘડતા રહ્યા હોવાનું આખી દુનિયા જાણે છે. મુંબઇના શ્રેણીબદ્ધ બોમ્બધડાકા હોય કે ઉરીમાં લશ્કરી છાવણી પરનો આતંકી હુમલો, દરેકનું પગેરું પાકિસ્તાન પહોંચ્યું છે. દરેક ઘટના વખતે ભારતે પાકિસ્તાનની સંડોવણીના સજ્જડ પુરાવા આખી દુનિયાને આપતું રહ્યું છે. અમેરિકા આ બધું જાણતું હોવા છતાં આંખ આડા કાન કરતું રહ્યું કેમ કે પાકિસ્તાનને તે પોતાની પાંખમાં રાખવા માગતું હતું.
હવે અમેરિકાને લાગે છે કે પાકિસ્તાનમાં ઉછરી રહેલો આતંકવાદ તેના માટે નુકસાનકારક સાબિત થઇ રહ્યો છે એટલે તેણે ત્રાસવાદને નાથવાના મુદ્દે પાકિસ્તાન સામે બખાળા કાઢવાના શરૂ કર્યા છે. અબજો ડોલરની આર્થિક સહાયમાં કાપ મૂકવાની ધમકીઓ આપી રહ્યું છે. આ બધું જોતાં પાકિસ્તાને સમજવું રહ્યું કે તે અમેરિકાના ખોળે જઇ બેસે કે ચીનના ખોળે, સ્વાર્થ સર્યે સહુ કોઇ તેને કોરાણે જ મૂકવાનું છે. તેણે કોઇ દેશનું પ્યાદું બનવાના બદલે પોતાની ધરતી પર આશરો લઇ રહેલા હાફિઝ સઇદ અને દાઉદ ઇબ્રાહિમ જેવા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાની જરૂર છે. પાકિસ્તાનને જો ખરેખર હાફિઝ સઇદનો બોજ લાગતો હોય તો તેણે તેને ભારતહવાલે કરી દેવો જોઇએ. અન્યથા વિદેશ પ્રધાનનું નિવેદન મગરના આંસુ જેવું જ ગણાશે.