પાપને તમે ગમેતેટલું છુપાવો, પણ એકને એક દિવસ, આજે નહીં તો કાલે તે છાપરે ચઢીને પોકારતું જ હોય છે. પાકિસ્તાન સાથે પણ આવું જ બન્યું છે. અત્યાર સુધી તે મુંબઇના ૨૬/૧૧ના આતંકી હુમલામાં પોતાની સંડોવણી નકારતું રહ્યું છે, પરંતુ હવે તેના જ ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) મહમૂદ અલી દુર્રાનીએ આ હકીકત સ્વીકારી છે. આતંકવાદ વિષય પર યોજાયેલા ૧૯મા એશિયાઇ સુરક્ષા સંમેલનમાં ભાગ લેવા દિલ્હી પહોંચેલા દુર્રાનીએ શબ્દો ચોર્યા વગર કબૂલ્યું છે કે મુંબઇમાં અજમલ કસાબ અને તેના સાગરિતોએ કરેલો હુમલો પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠને જ કર્યો હતો. તેમણે આ હુમલાને ‘સરહદપારના આતંકવાદનું ક્લાસિક’ ઉદાહરણ ગણાવ્યું છે.
ભારત આ જ વાત છેલ્લા આઠ વર્ષથી ગળું ફાડી ફાડીને કહેતું રહ્યું છે, પણ પાકિસ્તાન વાત સ્વીકારવા તૈયાર નહોતું. દુર્રાનીના ઘટસ્ફોટનો અર્થ એ છે કે મુંબઇ હુમલાના તાર માત્ર પાકિસ્તાન સાથે જોડાયેલા નહોતા, પણ ત્યાંની સરકારને હુમલો થવાની અને તે કરાવનારા અંગેની પણ તમામ જાણકારી હતી. પાકિસ્તાન સરકારનાં સમર્થન કે આઇએસઆઇની મદદ વિના કસાબ અને તેના સૂત્રધારો આવડા મોટા હુમલાને અંજામ આપી શક્યા હોય તે માની શકાય તેમ નથી.
દુર્રાનીના નિવેદનનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે કે જ્યારે મુંબઇ પર હુમલો થયો ત્યારે તેઓ ખુદ પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. એટલું જ નહીં, જે સમયે પાકિસ્તાન અજમલ કસાબ તેનો નાગરિક હોવાનો ધરાર ઇન્કાર કરતું હતું ત્યારે દુર્રાનીએ જ કસાબ પાકિસ્તાની હોવાનું કબૂલી લીધું હતું. અને આ કબૂલાતની સજારૂપે દુર્રાનીને એનએસએનું પદ ગુમાવવું પડ્યું હતું.
દુર્રાનીની કબૂલાતે પાકિસ્તાનને સરાજાહેર નિર્વસ્ત્ર કરી નાંખ્યું છે. સરહદપારથી ફેલાવાતા આતંકવાદ અંગે ભારત એક કરતાં વધુ વખત સજ્જડ પુરાવા આપી ચૂક્યું છે તો અમેરિકા તથા બીજા દેશોની ગુપ્તચર એજન્સીઓ પણ પાક. પ્રેરિત આતંકવાદની સચ્ચાઇ દુનિયા સામે ખુલ્લી પાડી ચૂકી છે. આ સંજોગોમાં આતંકવાદ સામે જંગ છેડવાનો દાવો કરનારા - સવિશેષ તો અમેરિકા અને તેના સહયોગી દેશોએ વિચારવું રહ્યું. તેમણે પાકિસ્તાનના વાણી અને વર્તન વચ્ચેના ભેદને પારખીને તેને અનુરૂપ કાર્યવાહી કરવી પડશે. વિશ્વમાંથી આતંકવાદને નેસ્તનાબૂદ કરવા માટે આ રાષ્ટ્રોએ પહેલાં તો પાકિસ્તાનમાંથી તેના મૂળિયાં ઉખાડવા પડશે.