પાકિસ્તાન ફરી એક વખત બેનકાબ થઇ ગયું છે. આ વખતે ઢાકામાં તેનો વરવો ચહેરો ખુલ્લો પડ્યો છે. ઇસ્તંબુલ એરપોર્ટ પર થયેલો આતંકી હુમલો આઇએસઆઇએસનું કૃત્યુ હોવાનું પુરવાર થઇ રહ્યું છે, પરંતુ ઢાકામાં ૨૦ નિર્દોષના ગળા કાપી નાંખવાની રક્તરંજિત ઘટના માટે પાકિસ્તાન સામે આંગળી ચીંધાઇ રહી છે. પાકિસ્તાન ભલે લાખ ઇન્કાર કરે કે ઢાકામાં થયેલા હુમલામાં તેની ગુપ્તચર એજન્સી આઇએસઆઇનો હાથ નથી, પરંતુ દુનિયા હવે માનવાની નથી. ઢાકામાં પહેલી જુલાઇએ રાત્રે થયેલા આતંકવાદી હુમલાની પાછળ ભલે બાંગ્લાદેશના સ્થાનિક આતંકવાદી સંગઠનનો હાથ હોવાના પુરાવા મળ્યા હોય, પરંતુ આ હુમલામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇની સંડોવણીની આશંકાનો ઇન્કાર પણ કરાતો નથી. બાંગ્લાદેશના વરિષ્ઠ પ્રધાન હસનુલ હકે તો આ હુમલા પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીનો હાથ હોવાની વાત ખુલ્લેઆમ કરી છે. હકીકત એ છે કે પાકિસ્તાન બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીનાના ભારત સાથેના ઘનિષ્ઠ સંબંધોને સ્વીકારી શકતું નથી. અને આથી જ તે બાંગ્લાદેશમાં અસ્થિરતા ફેલાવવાનો અને સરકારને અસ્થિર કરવાનો કોઇ મોકો ચૂકવા માગતું નથી. પાકિસ્તાન બાંગ્લાદેશમાં સક્રિય આતંકવાદી સંગઠનોને પીઠબળ પૂરું પાડી રહ્યું હોવાનો મુદ્દો વડા પ્રધાન શેખ હસીના
ભૂતકાળમાં પણ ઉઠાવી ચૂક્યા છે. આ સંજોગોમાં બાંગ્લાદેશને ઢાકાના આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી દેખાતી હોય તો તેમાં કંઇને કંઇ સચ્ચાઇ તો જરૂર હશે.
મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસમાં ઇસ્તુંબલ એરપોર્ટ પર, ઢાકાની રેસ્ટોરાંમાં કે બગદાદમાં ઇદની ખરીદી કરી રહેલા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ હુમલાઓ - નિષ્ણાતો કહે છે તેમ - આતંકવાદી સંગઠનમાં વર્ચસ જમાવવાની લડાઇનો એક હિસ્સો પણ હોઇ શકે છે, પરંતુ શ્રેણીબદ્ધ હુમલાઓ દર્શાવે છે કે આતંકી તત્વો ભૌગોલિક સીમાઓ ઓળંગી ગયા છે. એશિયા અને ઇરાક-સીરિયા જ નહીં, હવે અમેરિકા અને યુરોપમાં પણ આતંકી હુમલા થવા લાગ્યા છે. વૈશ્વિક સ્તરે આતંકવાદનો વ્યાપ એટલો વધી રહ્યો છે કે આજે શસ્ત્ર-સરંજામ યુદ્ધમાં જેટલો ઉપયોગમાં લેવામાં આવે છે તેથી વધુ આતંકી હુમલાનો સામનો કરવામાં ઉપયોગમાં લેવાઇ
રહ્યો છે. દુનિયાને આજે સૌથી મોટી જરૂરત આતંકવાદને આશરો આપી રહેલા દેશોને ઓળખવાની અને ત્યાં ઉછરી રહેલા આતંકના અજગરને કચડી નાખવાની છે.
અને જ્યારે આતંકવાદને આશરો પાળી-પોષી રહેલા દેશની વાત આવે છે ત્યારે સૌથી પહેલું નામ પાકિસ્તાનનું લેવામાં આવે છે. અમેરિકા સહિત સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર ૯/૧૧ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેનને દુનિયાભરમાં શોધવામાં આવ્યો હતો. અમેરિકાએ તેના દુશ્મન નંબર વનને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી નાખ્યા હતા. લાદેન છેવટે પાકિસ્તાનમાંથી મળ્યો હતો. અને તે પણ પાકિસ્તાની સૈન્ય હસ્તકના અત્યંત સુરક્ષિત વિસ્તારમાં. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની નિશ્રામાં દુનિયાના તમામ એશોઆરામ સાથે લાદેન કિલ્લેબંધ મકાનમાં રહેતો હતો. ભારતમાં અનેક આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ ગણાતો આતંકી હાફિઝ સઇદ આજે પણ પાકિસ્તાનમાં ભારતવિરોધી ઝેર ઓકતો ખુલ્લો ફરી રહ્યો છે. આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપવાના મામલે પાકિસ્તાન એક વખત નહીં, અનેક વખત બેનકાબ થઇ ચૂક્યું છે. ભારતવિરોધી આતંકવાદને સતત પ્રોત્સાહન આપતું રહેલું પાકિસ્તાન આજે ખુદ આતંકની આગથી દાઝી રહ્યું છે, પરંતુ તેને વાસ્તવિક્તાનું ભાન થતું નથી. આ સંજોગોમાં આતંકના અંતનો એક જ ઉકેલ છે - વૈશ્વિક એકતા. વિશ્વના શાંતિપ્રિય દેશોએ એકસંપ થઇને પાકિસ્તાન જેવા આતંકવાદનો અડ્ડો બની ગયેલા દેશ સામે મોરચો માંડવો રહ્યો. શામ - દામથી ન માનેલા પાકિસ્તાન સામે હવે દંડો ઉગામવાનો સમય આવી ગયો છે. અન્યથા એક દિવસ આતંકવાદનો અજગર સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઇ લેશે.