આમ તો પાકિસ્તાન આતંકવાદ મામલે આખી દુનિયા સામે બેપરદા થઇ જ ચૂક્યું હતું, બસ અમેરિકાની આંખેથી હવે પરદો દૂર થયો હોય તેવું લાગે છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ નૂતન વર્ષના પ્રારંભે જ લીધેલા આકરા પગલાંથી ના-પાક પડોશી દેશની રહીસહી આબરૂ પણ ધૂળધાણી થઇ ગઇ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ખખડાવી નાખતાં કહ્યું કે અમેરિકાએ ૧૫ વર્ષમાં ૩૩ બિલિયન ડોલરની સહાય કરી છે, બદલામાં પાકિસ્તાને અમેરિકાને મૂરખ બનાવવા સિવાય કંઇ કર્યું નથી. અમેરિકા જે ત્રાસવાદીઓને અફઘાનિસ્તાનમાં શોધે છે એ બધા પાકિસ્તાનમાં જલ્સા કરે છે. પણ, હવે આવી દગાબાજી નહીં ચાલે. અમેરિકા હવે પાકિસ્તાનને એક પેની પણ નહીં પરખાવે... પહેલાં અમેરિકી પ્રમુખ દ્વારા આકરા શબ્દોમાં ઠપકો અને પછી ગણતરીના કલાકોમાં જ વર્ષોથી અપાતી તોતિંગ આર્થિક સહાયમાં કાપ.
પાકિસ્તાનને સહાય અટકાવતી આ જાહેરાત ભલે અમેરિકાએ કરી, પરંતુ તેને આ નિર્ણય સુધી લઇ જવામાં ભારતની ભૂમિકા ઘણી મહત્ત્વપૂર્ણ છે. પાક.ના કરતૂતોને આંતરરાષ્ટ્રીય મંચ પર ખુલ્લા પાડવાની એકેય તક ભારત ચૂક્યું નથી તેનું આ પરિણામ છે. ભારત અમેરિકાને પણ અનેક વખત રજૂઆત કરી હતી કે તે પાકિસ્તાનને જે સૈન્ય સહાય આપે છે તે નાણાંનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા કરાય છે. છતાં અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીના નામે પાક.ને અમેરિકાની આર્થિક મદદનો પ્રવાહ ચાલુ જ રહ્યો હતો.
સપ્ટેમ્બર ૨૦૧૬માં પાકિસ્તાન સમર્થિત આતંકીઓ દ્વારા ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે અત્યંત આકરું વલણ અપનાવ્યું. ભારતના આ આક્રમક અભિગમે સમગ્ર વિશ્વને આતંકવાદ સામે મોટો સંદેશ આપવાનું કામ કર્યું હતું. ભારતે પાકિસ્તાનમાં યોજાનાર ‘સાર્ક’ સંમેલનનો બહિષ્કાર કરીને નારાજગી દર્શાવી હતી. આ જોઇને પાક.ના કરતૂતોથી દાઝેલા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાને પણ સંમેલનમાં જોડાવા ઇનકાર કર્યો હતો. છેવટે પાકિસ્તાનને ‘સાર્ક’ સંમેલન રદ કરવાની ફરજ પડી હતી. આમ પાકિસ્તાનને નીચાજોણું થયું હતું. આ પછી ‘બ્રિક્સ’ સંમેલનમાં પણ ભારતે પાકિસ્તાનને કદ પ્રમાણે વેતરી નાંખ્યું હતું, અને તે પણ તેના સમર્થક ચીનની હાજરીમાં. ‘બ્રિક્સ’ દેશોએ પાકિસ્તાનની ધરતી પર રહીને આતંકવાદી ષડયંત્રો પાર પાડી રહેલા લશ્કર-એ-તૈઇબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોનાં નામ ઘોષણા-પત્રમાં સામેલ કર્યા. એટલું જ નહીં, ‘બ્રિકસ’એ સમસ્ત વિશ્વને એકસંપ થઇને આવા આતંકી સંગઠનોનો સામનો કરવા હાકલ કરી હતી. આંતરરાષ્ટ્રીય તખતે પાકિસ્તાન માટે આ આંચકારૂપ ઘટના હતી. આ પછી પણ ભારતે યુનાઇટેડ નેશન્સ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય મંચો અને વૈશ્વિક નેતાઓ સાથેની મુલાકાતમાં પણ પાકિસ્તાનનો ચહેરો બેનકાબ કરવાની ઝૂંબેશ અવિરત ચાલુ રાખી હતી. ભારતના આ મિશનની અસર હવે અમેરિકી કાર્યવાહીના સ્વરૂપમાં જોવા મળી રહી છે.
અમેરિકાનું પાકિસ્તાન સામેનું આકરું વલણ આવકાર્ય જરૂર છે, પણ ખરેખર તો તેણે આ પગલું ઘણું વહેલાં લેવાની જરૂર હતી. અમેરિકાના ૯/૧૧ હુમલાના માસ્ટર માઇન્ડ લાદેનને ઠાર કરવા યુએસ કમાન્ડોએ છેક એબોટાબાદ સુધી લાંબા થવું પડ્યું હતું એ એક મુદ્દો જ પાકિસ્તાનને સાણસામાં લેવા પૂરતો હતો. અમેરિકા સહિત વિશ્વના મોટા ભાગના દેશોએ જેને ખુંખાર આતંકવાદી જાહેર કર્યો છે એવો હાફિઝ સઇદ આજેય પાકિસ્તાનમાં ખુલ્લેઆમ સભા કરી જ રહ્યો છેને? પાકિસ્તાની સેનાના વડા પણ બેશરમીથી કહે છે કે હાફિઝને કાશ્મીર પ્રશ્ન ઉઠાવવાનો પૂરેપૂરો હક્કછે. પાકિસ્તાનના આવા વલણ છતાં આખી દુનિયા તમાશો જોયા કરે છે. આ બધું જોતાં એટલું જ કહેવું રહ્યું કે અમેરિકા ભલે ગમે તે નિર્ણય કરે, ભારતે પાકિસ્તાન-વિરોધી આક્રમક અભિગમ જાળવવો જ રહ્યો. પાકિસ્તાનને અમેરિકી સહાય અટકાવી દેવાતાં સૌથી પહેલી અસર તેના દ્વારા પોષાતા આતંકી સંગઠનો પર પડશે તેમાં બેમત નથી, પરંતુ આ તો અમેરિકા છે. આજે એક કારણસર સહાય બંધ કરી છે તો કાલે બીજા કોઇ નામે સહાય ફરી શરૂ કરી શકે છે.