પાકિસ્તાનના કાળાં કરતૂતો અટકે તેમ લાગતું નથી. મહાનગર મુંબઇમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને તેણે છોડી મુક્યો છે. આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા પર પ્રતિબંધ લદાયા બાદ જમાત-ઉદ્-દાવાના નામથી નવું સંગઠન ઉભું કરનારો સઇદ ગયા જાન્યુઆરીથી નજરકેદ હતો. જે હવે લાહોર હાઇ કોર્ટના આદેશથી મુક્ત થયો છે. સઇદની મુક્તિનો નિર્ણય દર્શાવે છે કે પાકિસ્તાનની મથરાવટી મેલી જ છે. તે આતંકવાદીઓને આશરો અને સમર્થન આપવાની પોતાની જૂની નીતિરીતિ બદલવા માગતું નથી. ભારતે આ નિર્ણય સામે આકરો વિરોધ નોંધાવતા આરોપ મૂક્યો છે કે પાકિસ્તાન એક ખતરનાક આતંકવાદીને મુખ્ય પ્રવાહમાં લાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે. સઇદે પણ મુક્તિ બાદ ખુલ્લેઆમ નિવેદન કર્યું છે કે કાશ્મીરીઓના આઝાદી માટેના જંગને તેનું સમર્થન ચાલુ જ રહેશે. આમ પણ સઇદ ડગલે ને પગલે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો જ રહ્યો છે તેમાં કંઇ નવું નથી. પહેલા લશ્કર તૈયબા અને હવે જમાત-ઉદ્-દાવાના આતંકીઓ તેના ઇશારે કાશ્મીર સહિતના ભારતના અન્ય પ્રદેશોમાં આતંક ફેલાવતા રહ્યા છે. સઇદના કાળાં કારનામાથી આખી દુનિયા વાકેફ છે, પરંતુ પાકિસ્તાન અને ચીન જેવા કેટલાક નઠારા દેશો તેને છાવરી રહ્યા છે. સઇદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં ચીન લાંબા સમયથી રોડાં નાખી રહ્યું છે.
હાફિઝ સઇદ માટે એક કરોડ ડોલરનું ઇનામ જાહેર કરનાર અમેરિકાએ તેની મુક્તિ સામે વાંધો ઉઠાવ્યો છે અને તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે, પરંતુ શું રીઢા પાકિસ્તાન પર તેની અસર થશે ખરી? પાકિસ્તાન સઇદની ફરી ધરપકડ કરશે? હાલ તો આવી કોઇ શક્યતા જણાતી નથી. પાકિસ્તાનનો દાવો છે કે અમેરિકાએ તેને ૭૫ આતંકવાદીઓની જે યાદી સુપરત કરી હતી તેમાં હાફિઝ સઇદનું નામ જ નહોતું. હવે અમેરિકાએ જાહેર કરવું જોઈએ કે તેમાં સઇદનું નામ કેમ ન હતું?
અમેરિકાના ઇરાદા વિશે શંકા થવાનું મુખ્ય કારણ એ છે કે તેણે છાશવારે ચીમકી ઉચ્ચારી છે કે પાકિસ્તાન આતંકવાદને પાળવા-પોષવાનું બંધ નહીં કરે તો આકરાં પગલાં લેવાશે, પરંતુ ક્યારેય તેણે આકરાં પગલાં લીધાનું જાણ્યું નથી. આથી જ એવું લાગે છે કે અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી દેખાડો જ છે અને પાકિસ્તાને આતંકવાદ પર લગામ તાણવાનાં બોદાં આશ્વાસનો આપીને તેની આંખમાં ધૂળ નાખી છે. જો ટ્રમ્પ સરકાર માનતી હોય કે તે પાકિસ્તાન પ્રતિ નરમાશ દાખવીને ઇચ્છિત પરિણામ હાંસલ કરી શકે એમ છે તો તે ખાંડ ખાય છે. અમેરિકાએ સમજવું રહ્યું કે સઇદને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે પણ આતંકવાદી જાહેર કર્યો છે. આવા આતંકવાદીની મુક્તિ ટાણે માત્ર નિવેદન પૂરતું નથી, પગલાં પણ લેવા પડશે. અમેરિકા કદાચ એ ભૂલી ગયું છે કે મુંબઈ હુમલામાં છ અમેરિકન પણ માર્યા ગયા હતા.
સઇદની મુક્તિનો આદેશ આપતાં કોર્ટે જણાવ્યું છે કે પાકિસ્તાન સરકાર પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. આવું બને જ કઇ રીતે? ભારત સહિત તમામ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ ૨૬/૧૧ સહિત અનેક આતંકી હુમલામાં સઇદની સંડોવણીના અનેક નક્કર પુરાવા પાકિસ્તાન સરકારને સોંપી ચૂકી છે. કોર્ટની ટીપ્પણી દર્શાવે છે કે પાકિસ્તાની સત્તાધીશોએ આ પુરાવાને કચરા ટોપલીમાં નાંખી દીધા છે. પાકિસ્તાન આતંકી વડાને સજા અપાવવા માટે ક્યારેય ગંભીર બન્યું જ નથી. પાકિસ્તાન નામક્કર જાય કે ચીન અવળચંડાઇ કરે કે પછી અમેરિકા આંખ આડા કાન કરે, ભારતે તો સઇદ વિરુદ્ધ પોતાની ઝૂંબેશ ચાલુ રાખવી જ પડશે. ભારતે પડોશી દેશના શાસકોને સર્જિકલ સ્ટ્રાઇકની યાદ તાજી કરાવવાની જરૂર છે. પાકિસ્તાનને સમજાવવું રહ્યું કે જો તે આતંકવાદીઓને આશરો આપવાનું ચાલુ જ રાખશે તો તેના માઠાં પરિણામ પણ ભોગવવા જ પડશે.