ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને આખરે પદ સત્તા છોડવી જ પડી છે. દેશની સર્વોચ્ચ અદાલતે પનામાગેટ કેસમાં તેમને કસૂરવાર ઠેરવીને વડા પ્રધાન પદ માટે ગેરલાયક ઠરાવતા શરીફ પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો. આમ તો આ કેસમાં સુપ્રીમ કોર્ટે રચેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે તેમને દોષિત ઠરાવ્યા તે સમયે જ તેમનું ભાવિ નક્કી થઇ ગયું હતું. કોર્ટના ચુકાદાએ તો તેના પર મત્તું મારવાનું કામ કર્યું છે. બહુચર્ચિત પનામા પેપર્સ પ્રમાણે, શરીફ પરિવાર લંડનમાં મિલકત સહિત વિપુલ બેનામી સંપત્તિ ધરાવે છે. શરીફના કિસ્સામાં સુપ્રીમ કોર્ટના પાંચેય જજોનો અભિપ્રાય એકસમાન હતોઃ શરીફ સંસદ અને અદાલતો પ્રત્યે ઇમાનદાર રહ્યા નથી કેમ કે તેમણે ૨૦૧૩ની ચૂંટણી વેળા પંચને સોંપેલા સોગંદનામામાં પારિવારિક સંપત્તિની માહિતી છુપાવી છે. તેમણે સંપત્તિનો સ્રોત પણ જાહેર કર્યો નથી. આમ તેમને હોદ્દા પર ચાલુ રહેવાનો અધિકાર નથી. જજોએ શરીફને વડા પ્રધાન પદ જ નહીં, પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)નું અધ્યક્ષ પદ છોડવા પણ આદેશ આપ્યો હતો. કોર્ટે પાકિસ્તાનની નેશનલ અેકાઉન્ટેબિલિટી કોર્ટને શરીફ અને તેના પરિવારજનો વિરુદ્ધ ભ્રષ્ટાચાર સંદર્ભે ટ્રાયલ શરૂ કરવા જણાવ્યું છે.
શરીફ ત્રણ-ત્રણ વખત વડા પ્રધાન પદે બેઠા, પરંતુ એકેય વખત તે કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. શરીફ જ નહીં, પાકિસ્તાનમાં છેલ્લા સાત દસકામાં કોઇ વડા પ્રધાન પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી તેને પ્રજાની કમનસીબી જ ગણવી રહી. દેશમાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. શરીફના રાજીનામાની માગ સાથે લાંબા સમયથી આંદોલન ચલાવતા વિપક્ષને નવું શસ્ત્ર મળ્યું છે. ગત ચૂંટણીમાં શરીફે આસિફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને ઇમરાન ખાનની પાકિસ્તાન તહેરિકે ઇન્સાફને હરાવી સત્તા સંભાળી હતી. જોકે વીતેલા ચાર વર્ષોમાં શરીફ સરકારને દરેક મોરચે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષ ભ્રષ્ટાચારના મુદ્દે સતત ઘેરતો હતો, લશ્કરના વડા સાથે મતભેદો વધી રહ્યા હતા અને દૂધ પાઇને ઉછેરેલા સાપ જેવા આતંકવાદી સંગઠનો બેફામ બન્યા હતા.
સત્તાના સૂત્રો પરિવાર હસ્તક જ રહે તે માટે ખંધા શરીફે બહુ પહેલાંથી જ પ્લાન તૈયાર રાખ્યો હતો. જે અનુસાર આગામી દિવસોમાં તેમના ભાઇ શાહબાઝને વડા પ્રધાન પદે બેસાડવાનો તખતો ગોઠવાયો છે. અલબત્ત, આ યોજનાની સફળતાનો આધાર પાકિસ્તાન લશ્કરની મુનસુફી પર છે. જો પાકિસ્તાન લશ્કરે નક્કી કરી લીધું હશે કે શરીફ કે તેના કોઇ પરિવારજનો સત્તા પર ન જ રહેવા જોઇએ તો પછી તેની કોઇ કારી ફાવશે નહીં.
શરીફની હકાલપટ્ટી બાદ પાકિસ્તાનનું આંતરિક રાજકારણ કેવો વળાંક લે છે તે જોવું રહ્યું, ખાસ તો ભારત સંદર્ભે. પાકિસ્તાન ફરી એક વાર રાજકીય અસ્થિરતા તરફ ધકેલાય તેવી સંભાવના છે. આ અસ્થિરતાથી હતાશ પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા પાકિસ્તાન ભારત સરહદે અડપલાં કરે તેવાં પણ જોખમો છે જ. પાકિસ્તાનમાં સરકારોની અને લશ્કરી શાસનની આવનજાવન નવાઇ નથી, પરંતુ મુદ્દો ચિંતાજનક જરૂર છે. પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનનો મતલબ છે દરેક ક્ષેત્રે પરિવર્તન. સત્તા બદલાતાં જ ત્યાં સંરક્ષણ નીતિથી માંડીને વિદેશ નીતિમાં ફેરબદલ થવામાં વાર નથી લાગતી. આ સંજોગોમાં ભારતે ફૂંકી ફૂંકીને પગલાં ભરવા પડશે.