વિશ્વમાં સૌથી ઊંચો ફુગાવાનો દર ધરાવતો અને આર્થિક રીતે કંગાળ બની ગયેલો પાકિસ્તાન આખી દુનિયામાં ભીખનો કટોરો લઇને ફરી રહ્યો છે ત્યારે પાકિસ્તાનના અગ્રણી બિઝનેસ લીડર્સે વડાપ્રધાન શાહબાઝ શરીફને ભારત સાથેનો વેપાર સંબંધ પુનર્જિવિત કરવા અપીલ કરી છે. અણઘડ આર્થિક નીતિઓ, રાજકીય અસ્થિરતા, ફુગાવાનો ઊંચો દર અને વિદેશી મૂડીરોકાણના અભાવના કારણે પાકિસ્તાનમાં વેપાર અને ઉદ્યોગ મુશ્કેલ બની રહ્યાં છે. ભારત વિરોધી આતંકવાદીઓને શરણ અને કાશ્મીરમાં દાયકાઓથી છદ્મયુદ્ધના કારણે ભારતે પાકિસ્તાન માટે વેપારના દરવાજા સજ્જડ બંધ કરી દીધાં છે. જેના કારણે પાકિસ્તાની અર્થતંત્ર અને બિઝનેસ જગત છેલ્લા લાંબા સમયથી મોટા નુકસાનનો સામનો કરી રહ્યાં છે. અત્યાર સુધી તો પાકિસ્તાની હુકમરાનો અને સેનાના સત્તાધીશો અમેરિકા અને મધ્યપૂર્વના આરબ દેશો પાસેથી મળતી આર્થિક સહાયના જોરે ખાંડ ખાઇને તેમની ટંગડી ઊંચી રાખતા હતા પરંતુ સરકારી તિજોરીના તળિયાં દેખાઇ જતાં, અમેરિકા અને અન્ય આરબ દેશોએ સહાય બંધ કરતાં પાકિસ્તાનને સમગ્ર વિશ્વમાં ભીખ માગવાનો વારો આવ્યો છે. આઇએમએફ અને વિશ્વ બેન્ક જેવા આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાનો પણ માંડ માંડ અને આકરી શરતો સાથે પાકિસ્તાનને ધીરાણ આપી રહ્યાં છે. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાનને નાક લીટી ખેંચવાનો વારો આવ્યો છે. પાકિસ્તાનનું બિઝનેસ જગત સારી રીતે સમજી ચૂક્યું છે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભારત સાથે વેપાર કરવો અનિવાર્ય છે. તેણે શાહબાઝ શરીફ સરકારને ભારત સાથે વેપાર મંત્રણાઓ ફરી શરૂ કરવાનું આહવાન કર્યું છે. તેમનું માનવું છે કે ભારત સાથેનો વેપાર જ પાકિસ્તાનના અર્થતંત્રને ઉગારી શકે છે.