પાકિસ્તાને ફરી પીઠમાં ખંજર ભોંક્યુ છે ત્યારે...

Wednesday 24th February 2016 05:45 EST
 

પાકિસ્તાન નામના કાચીંડાએ ફરી એક વખત રંગ બદલ્યો છે. પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને - આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઇને - ભારતને તપાસમાં સહયોગ આપવાની તેમજ જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન કમિટી રચવાની તૈયારી દર્શાવી ત્યારે લાગ્યું કે હાશ, છેવટે કાગડો અલ્લાહ બોલ્યો ખરો. લાગતું હતું કે હવે તે પણ આતંકવાદના દૈત્યથી મુક્તિ ઝંખે છે. પરંતુ અફસોસ, આ વખતેય તેણે ફેરવી તોળ્યું છે. પાકિસ્તાને પઠાણકોટમાં થયેલા આતંકી હુમલા માટે એફઆઇઆર તો દાખલ કરી છે, પણ અજાણ્યા લોકોના નામે. હુમલા પાછળનું મુખ્ય ભેજું મનાતા અઝહર મસૂદનો તેમાં કોઇ ઉલ્લેખ નથી. ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની તપાસમાં ષડયંત્રકાર તરીકે અઝહર મસૂદનું નામ ઉપસ્યું હતું. ભારતે આ અંગે પાકિસ્તાનને પુરાવા સોંપ્યા હતા. આ દર્શાવે છે કે આવા કોઇ પણ મામલે પાકિસ્તાન પાસે સહયોગની આશા-અપેક્ષા રાખવી એ જાતને છેતરવા સમાન છે.
ભૂતકાળના અનુભવો જોતાં લાગે છે કે ભારત ભલે ગમેતેટલા પુરાવા આપે, પાકિસ્તાનને આવા પુરાવા ઓછા જ પડવાના છે. ભારત પરના કોઇ પણ આતંકી હુમલાના સમયે પાકિસ્તાની શાસકો ક્યારેય હાફિઝ સઇદ કે અઝહર મસૂદ કે ઝકી ઉર રહેમાન લખવીની સંડોવણી સ્વીકારવાના નથી. આ આતંકી ભલે પાકિસ્તાનમાં જ ફરતાં હોય, ભારતવિરોધી ષડયંત્રોને અંજામ આપતા હોય, પરંતુ પાકિસ્તાન તેમને અંકુશમાં રાખવા પ્રયાસ નહીં કરે. કારણ સ્પષ્ટ છે. આ લોકો સામેની કાર્યવાહી પાકિસ્તાન માટે જ ઘાતક સાબિત થાય તેમ છે. પાકિસ્તાની શાસકો આ વાત જાણતા હોવાથી જ આતંકીઓની ધરપકડ કરાવવાના ભારતના પ્રયાસોને નિષ્ફળ કરતા રહે છે.
મુંબઇ પરના આતંકવાદી હુમલા વખતે અઝમલ કસાબ જીવતો ઝડપાયો ત્યારે પણ પાકિસ્તાનનું આ જ વલણ હતું. પાકિસ્તાન સરકાર આવા કોઇ પણ મામલાને શક્ય તેટલો અદ્ધરતાલ રાખવા અને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે. પઠાણકોટ મામલે ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયનું દબાણ વધ્યું તો તેણે આગળ વધીને સહયોગની વાત કરી. અને પછી તપાસ માટે અધિકારીઓની એક ટીમ પઠાણકોટ એરબેઝ મોકલવાની તૈયારી દર્શાવી. પાકિસ્તાન જાણતું હતું કે ભારત તપાસના નામે પણ તેના અધિકારીઓને પઠાણકોટ એરબેઝમાં ઘુસવા નહીં જ દે. આ સંજોગોમાં તેને ઓફર કરવામાં કોઇ વાંધો નહોતો. ભારતે સજ્જડ પુરાવા પૂરા પાડે તો તેને તોડીમરોડીને રજૂ કરાયેલા પુરાવા ગણાવી દેવાના. આ પાકિસ્તાનનું નકારાત્મક વલણ પણ છે, અને મજબૂરી પણ.
પાકિસ્તાનમાં સક્રિય લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હક્કાની નેટવર્ક જેવા આતંકી સંગઠનોને સેના, આઇએસઆઇ અને સરકારનો સાથ મળતો રહ્યો છે તેનું એક બીજું પણ કારણ છે. સેના, સરકાર અને આઇએસઆઇ માટે આતંકવાદને પોષવાનું, કાશ્મીર મુદ્દો સળગતો રાખવાનું અતિ આવશ્યક છે. તેઓ જાણે છે કે આમ તો તે ભારત સામે લડી શકે તેમ નથી, પરંતુ પોતાનું (ભ્રામક) વર્ચસ જાળવવા માટે ભારતવિરોધી ગતિવિધિ ચાલુ રાખવી જરૂરી છે. પાકિસ્તાનમાં જ્યાં સુધી આતંકવાદ અને કાશ્મીરના મુદ્દા જીવતા છે ત્યાં સુધી તેમનો સ્વાર્થ સધાતો રહેશે.
અમેરિકાની જેમ ભારત, પાકિસ્તાનને ધમકાવી શકે તેવા સંજોગો પણ નથી. ભારત આજેય ગાંધીવાદી સિદ્ધાંતોના આધારે જ કામ કરવા માગે છે. આ સંજોગોમાં તેની પાસે એક જ વિકલ્પ બચે છે કે તે કાં તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને ચોમેરથી ભીંસમાં લે અથવા તો મંત્રણા બંધ કરીને નવેસરથી ચાલુ કરે. ભારત અત્યાર સુધી આવું જ તો કરતું રહ્યું છે. રશિયાના ઉફામાં ભારતે પાકિસ્તાન પર દબાણ ઉભું કર્યું. પરિણામે વડા પ્રધાન નવાઝ શરીફ કાશ્મીર મુદ્દાને કોરાણે મૂકીને આતંકવાદ મુદ્દે ભારત સાથે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર લેવલની મંત્રણા માટે તૈયાર થઇ ગયા. જોકે તેનું આ વલણ પાકિસ્તાન પહોંચતા જ બદલાઇ ગયું. પાકિસ્તાની પ્રતિનિધિ મંડળના ભારતપ્રવાસને ગણતરીના દિવસો બાકી હતા ત્યારે તેણે કાશ્મીર રાગ આલાપ્યો ને વાત વણસી ગઇ. આ પછી પાકિસ્તાનના ભારત ખાતેના હાઇ કમિશનર હુરિર્યતના કાશ્મીરી નેતાઓને મળ્યા. કાશ્મીરના અલગતાવાદીઓ સાથે ચર્ચા ભારત સરકારને પસંદ નહીં જ પડે તેવું જાણવા છતાં પાકિસ્તાને આ પગલું ભર્યું, જે દર્શાવે છે કે તેઓ મંત્રણા માટે કેટલા ગંભીર છે. અને હવે તે પઠાણકોટ એરબેઝ આતંકી હુમલામાં પોતાના માણસોની સંડોવણી સ્વીકારવા તૈયાર નથી. પાકિસ્તાનનું હંમેશા આ જ વલણ રહ્યું છે - પુરાવા ટાળતા રહેવાના અને મુદ્દા લટકતા રાખવાના.
પડોશી દેશની આ અવળચંડાઇ નાથવાનો ભારત પાસે એક જ વિકલ્પ છે - તેના પર વૈશ્વિક દબાણ સર્જવાનો. બહુમતી વિશ્વ ત્રાસવાદની સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે ભારતે આ તમામનો સહકાર મેળવીને આતંકવાદને પોષતા પાકિસ્તાનને ભીંસમાં લેવું રહ્યું. અન્યથા આતંકી આશ્રિતોથી માંડીને પાકિસ્તાની સત્તાધિશો નિર્દોષ ભારતીયોનું લોહી વહાવતા રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter