પાકિસ્તાન ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવાનું ક્યારે શીખશે એ તો પરવરદિગાર જ કહી શકે, પણ અત્યારે તો તે વગરવિચારી નીતિરીતિ અને નિવેદનોના કારણે જગતતખતે હાંસીપાત્ર બની રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ (યુએન)ની વાર્ષિક બેઠક હોય કે પછી અન્ય કોઇ આંતરરાષ્ટ્રીય મંચ, પાકિસ્તાન કાશ્મીર રાગ આલાપવાનું ચૂકતો નથી. આદતવશ આ વખતેય તેણે યુએનના મંચ પરથી આક્ષેપ કર્યો કે ભારત કાશ્મીરમાં લોકોના સંઘર્ષને લોખંડી હાથે કચડી રહ્યો છે એટલું જ નહીં પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું સંચાલન પણ કરી રહ્યો છે. પોતાના આતંકી કરતૂતોને છુપાવવા માટે પાકિસ્તાન લાંબા સમયથી આવા નિરર્થક પ્રયાસ કરતો રહ્યો છે, અને ભારત દરેક વખતે યુએનમાં જ પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ કરતો રહ્યો છે. આ વખતે પણ ભારતીય પ્રતિનિધિએ વળતો ઘા મારતા પાકિસ્તાનને ‘ટેરરિસ્તાન’ ગણાવ્યું. આતંકવાદીઓનો અડ્ડો બની ગયેલા દેશને બીજું નામ પણ શું આપી શકાય? જોકે વાત આટલેથી અટકી નહીં. પાકિસ્તાને રાઇટ ટુ રિપ્લાયના અધિકારનો ઉપયોગ કર્યો અને યુએન મંચ પરથી એક તસવીર લહેરાવી, જેમાં પેલેટ ગનથી ઇજાગ્રસ્ત એક યુવતીનો ચહેરો હતો. પાકિસ્તાનના યુએન ખાતેના કાયમી પ્રતિનિધિ મલિહા લોધીએ તસવીર સાથે જોરશોરથી દાવો કર્યો કે જૂઓ, કાશ્મીરી પ્રજા પર કેવા કેવા અમાનુષી અત્યારો થઇ રહ્યા છે તેનો બોલતો પુરાવો...
પરંતુ આ વખતેય પાકિસ્તાનના નસીબમાં ભારતનું ડફણું જ લખ્યું હતું. ભારતે રાઇટ ટુ રિપ્લાયના અધિકારનો ઉપયોગ કરતાં વળતી એક તસવીર જાહેર કરી, જેમાં સ્પષ્ટ થઇ જતું કે પાકિસ્તાને દર્શાવેલી તસવીર કાશ્મીરી મહિલાની નહીં, પણ પેલેસ્ટીની મહિલાની છે. પાકિસ્તાનના જૂઠાણાંનો ફુગ્ગો વધુ એક વખત ફૂટી ગયો.
ભારત સામે આક્ષેપો કરીને પોતાના કરતૂતોને છાવરવા સતત પ્રયાસરત પાકિસ્તાનની અસલિયત હવે દુનિયા સામે પણ ઉઘાડી પડી ગઇ છે. અમેરિકા તેને એકલુંઅટૂલું પાડવાના કામે લાગ્યું છે તો વળી બીજા દેશો પણ તેનાથી દૂર જવા લાગ્યા છે. પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને અંકુશમાં લેવામાં નિષ્ફળ રહ્યું હોવાનું કહીને અમેરિકાએ વિવિધ પ્રકારની સહાય અટકાવી દીધી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની નેતાઓ સાથે મુલાકાતનો ઇન્કાર કરીને તેમની નારાજગી દર્શાવી છે. આ ઓછું હોય તેમ હવે ચીને પણ જમ્મુ-કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષી સ્તરે ઉકેલ લાવવો જોઇએ તેમ કહીને હાથ ખંખેરી નાખતાં પાકિસ્તાનને ૪૪૦ વોટનો આંચકો લાગ્યો છે. પાકિસ્તાન લાંબા સમયથી કાશ્મીર મુદ્દે મધ્યસ્થી માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને અનુરોધ કરતું રહ્યું છે તે ઉલ્લેખનીય છે. બીજી તરફ, ભારત એકથી વધુ વખત સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે કાશ્મીર મામલે કોઇ ત્રીજા પક્ષકારની મધ્યસ્થી સ્વીકારવા હરગીઝ તૈયાર નથી. પાકિસ્તાનને આશા હતી કે કોઇ નહીં તો ચીન તો કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીની તેની માગને સમર્થન આપશે. જોકે હવે ચીને પણ હાથ ઊંચા કરી દેતાં પાકિસ્તાન માટે મુશ્કેલી સર્જાઇ છે.
અલબત્ત, ભારતે પાકિસ્તાનને વિશ્વતખતે એકલું પાડી દેવાની સફળતાની ઉજવણીની ઉતાવળ કરવા જેવી નથી. ભારતે એ ન ભૂલવું જોઇએ કે જ્યારે જ્યારે પાકિસ્તાન ભારતને ભીંસમાં લેવામાં નિષ્ફળ જાય છે ત્યારે ત્યારે તે પોતાની હતાશા દૂર કરવા કાં તો સરહદ પર અથવા તો પાલતુ આતંકીઓ દ્વારા ભારતમાં ઉંબાડિયાં ચાંપવાના પ્રયાસ કરે છે. આ જ રીતે ચીનના વલણમાં પણ ભરોસો કરી શકાય તેવું નથી. ચીને કાશ્મીર મુદ્દે ભલે દ્વિપક્ષી ઉકેલની હિમાયત કરી હોય, પણ તેનાથી પણ બહુ હરખાવા જેવું નથી કારણ કે ચીન બેમોઢાની વાતો કરવા માટે જાણીતું છે.
અને રહી વાત કાશ્મીરની. તો એટલું જ કહેવું રહ્યું કે તે ભારતનું અભિન્ન અંગ હતું, અને રહેશે. પાકિસ્તાને તેની ચિંતા કરવાની જરૂર નથી. એકાંતરા દિવસે ભારત સામે માનવાધિકાર ભંગના આરોપ મૂકતા રહેતા પાકિસ્તાને ખરેખર તો પોતાના દેશમાં ડોકિયું કરવાની જરૂર છે. તેની સેના બલૂચિસ્તાનમાં નિઃશસ્ત્ર લોકો પર કેવા કેવા અત્યાચાર ગુજારી રહી છે, તે આખી દુનિયા જાણે છે. બેફામ બનેલા કટ્ટરવાદે કઇ રીતે નિર્દોષ નાગરિકોનું જીવવાનું હરામ કરી નાખ્યું છે તેમાં હવે કંઇ છૂપું નથી. લોકો છાશવારે આતંકી હુમલામાં જીવ ગુમાવી રહ્યા છે. ભારતે તો માનવાધિકારોના જતન બાબતે પાકિસ્તાન પાસેથી કંઇ શીખવાની જરૂર નથી, પરંતુ પાકિસ્તાને એ ન ભૂલવું જોઇએ કે જો તે નહીં સુધરે તો એક દિવસ આંતરિક અશાંતિની આગમાં તે જ સળગીને ખાક થઇ જશે. બલૂચિસ્તાનમાં ફેલાઇ રહેલી બળવાની ચિંગારી ગમેત્યારે વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરી શકે છે.