ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામોના પડઘા હજુ શમ્યા નથી ત્યાં પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામો દેશવાસીઓ સમક્ષ આવી ગયા છે. દેશના ઇતિહાસમાં કદાચ પહેલી વખત પૂર્વોત્તરના ચૂંટણી પરિણામોની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે થઇ રહી છે. આ ચૂંટણીને રાજકીય પંડિતોમાં ચર્ચાનો વિષય બનાવવાનો જશ ભાજપને જાય છે એમ કહીએ તો પણ ખોટું નથી.
કેન્દ્રમાં શાસનધૂરા સંભાળતો ભાજપ ત્રિપુરામાં ૨૫ વર્ષ જૂના ડાબેરી કિલ્લાને ધ્વસ્ત કરીને પહેલી વખત સરકાર રચશે. નાગાલેન્ડમાં ભાજપે પ્રાદેશિક પક્ષ સાથે મળીને બહુમતી મેળવી લીધી છે તો મેઘાલયમાં લોકોએ ત્રિશંકુ ચુકાદો આપ્યો છે. ૬૦ સભ્યોનું ગૃહ ધરાવતા આ રાજ્યમાં કોંગ્રેસ એકલા હાથે ૨૧ બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે, પણ ભાજપની ચાણક્ય ચાલે તેના હાથમાંથી સરકાર રચવાની તક છીનવી લીધી છે.
આ ત્રણેય રાજ્યોમાંથી ત્રિપુરાના પરિણામોએ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. આનું કારણ એ છે કે ગત ચૂંટણીમાં આ રાજ્યમાં એક પણ બેઠક નહીં જીતી શકેલો ભાજપ અહીં સાથી પક્ષો સાથે મળીને લગભગ ત્રણ-ચતુર્થાંશ બેઠકો જીતવામાં સફળ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપે ત્રિપુરાની તમામ પ૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. અને આ ૫૦માંથી ૪૯ ઉમેદવારનો એવો કારમો પરાજય થયો હતો કે તેમની ડિપોઝીટ પણ જપ્ત થઇ હતી. બીજી તરફ, ત્રિપુરામાં અઢી દસકાથી મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહેલી કોંગ્રેસ સમ ખાવા પૂરતી એક બેઠક પણ જીતી શકી નથી.
પાંચ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં એવું તે શું થયું કે ગત ચૂંટણીમાં કારમા પરાજનો સામનો કરનાર ભાજપે સૌથી ઇમાનદાર નેતાની છબિ ધરાવતા માણિક સરકારના અઢી દસકા જૂના શાસનને ઉથલાવી નાંખ્યું? આખરે માણિક સરકારે એવું તે શું ખોટું કામ કરી નાંખ્યું કે મતદારોએ તેમની સરકારને ઘરભેગી કરી નાખી? ત્રિપુરાના ચૂંટણી પરિણામો સ્પષ્ટ કરે છે કે પ્રામાણિક અને સારી છબિ ધરાવતા નેતૃત્વ થકી જ મતદારોને આકર્ષી શકાતા નથી. લોકોનું જીવનધોરણ સુધરે, સરળ બનાવે તેવું કામ પણ કરી દેખાડવું પડે છે. ત્રિપુરામાં ખરાબ માર્ગો, વધતી બેરોજગારી, કથળેલી સ્વાસ્થ્ય સેવા, ગરીબી જેવા કારણોથી લોકો તોબા પોકારી ગયા હતા. અને આમ છતાં શાસકો તેની નીતિરીતિ બદલવા તૈયાર નહોતા. પશ્ચિમ બંગાળ બાદ ત્રિપુરામાં પણ મળેલા કારમા પરાજયે ડાબેરી પક્ષોના અસ્તિત્વ સામે જ સવાલ ઉભા કરી દીધો છે તે વાતમાં શંકાને સ્થાન નથી.
આ ચૂંટણી પરિણામો માત્ર ડાબેરી પક્ષો માટે જ નહીં, કોંગ્રેસ માટે પણ ચિંતાજનક છે. ગત લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પરાજયનો સામનો કરનારી કોંગ્રેસ પૂર્વોત્તર ભારતમાં પણ ખાસ કંઇ સંતોષજનક દેખાવ કરી શકી નથી. પૂર્વોત્તર રાજ્યોના ચૂંટણી પરિણામો આગામી મહિનાઓમાં કર્ણાટક વિધાનસભાના ચૂંટણી જંગને કેટલી હદે પ્રભાવિત કરશે એ સવાલ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાની એરણે ચઢ્યો છે ત્યારે દેશના સૌથી જૂના પક્ષ પર કર્ણાટકમાં સત્તા બચાવવાનો પડકાર ઝળૂંબી રહ્યો છે. જો પક્ષનો અહીં પણ ધબડકો થયો તો આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં તેની દાવેદારી નબળી પડી જશે તેમાં બેમત નથી. કોંગ્રેસે કર્ણાટકનો જંગ જીતવો હશે તો તેની નીતિરીતિમાં આમૂલ પરિવર્તન લાવ્યા વગર છૂટકો નથી.
રાજકીય પંડિતોનું માનવું છે કે કોંગ્રેસ ખુદમાં પરિવર્તન લાવવામાં નિષ્ફળ રહી હોવાથી જ બીજા રાજકીય પક્ષો માટે તેની મતબેન્કમાં ગાબડું પાડવાનું આસાન બની ગયું છે. ઉત્તર-પૂર્વના રાજ્યોના ચૂંટણી પરિણામ આનું તાજું ઉદાહરણ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ છાનાખૂણે કબૂલી રહ્યા છે કે ચૂંટણી દરમિયાન ભાજપ સહિતના પક્ષો અમારા મતદારોને જ નહીં, નારાજ સ્થાનિક નેતાઓને પણ સરળતાથી પોતાના પક્ષમાં ખેંચી ગયા હતા તેનું પરિણામ આજે આપણી સમક્ષ છે.
આ ત્રણેય રાજ્યના મતદાનના આંકડાઓ દર્શાવે છે તેમ વીતેલા વર્ષોમાં કોંગ્રેસની મતબેન્કને ભારે ઘસારો લાગ્યો છે. મેઘાલયમાં ૨૦૧૩માં કોંગ્રેસને ૩૪.૭૮ ટકા મત મળ્યા હતા, પરંતુ આ વખતે આ આંકડો ઘટીને ૨૮.૫ ટકા રહ્યો છે. બીજી તરફ, ૨૦૧૩માં ૧.૨૭ ટકા મત મેળવનારો ભાજપના મતની ટકાવારીનો આંકડો વધીને ૯.૬ થયો છે. આ જ રીતે નાગાલેન્ડમાં ૨૦૧૩માં ૨૪.૮૯ ટકા મત મેળવનારી કોંગ્રેસને આ વખતે માત્ર ૨.૧ ટકા મત જ મળ્યા છે. જ્યારે ભાજપે ૧૫.૩ ટકા મત મેળવ્યા છે. ત્રિપુરામાં ૨૦૧૩માં કોંગ્રેસને ૩૬.૫૩ ટકા મત મળ્યા હતા, જેનું પ્રમાણ આ વખતે ઘટીને માત્ર ૧.૮ ટકા થઇ ગયું છે. જ્યારે ભાજપ ૪૩ ટકા મત તાણી ગયો છે.
ઉત્તર પ્રદેશ અને બિહાર ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ચસ ધરાવતા પ્રાદેશિક પક્ષો પણ કોંગ્રેસની નબળાઇના જોરે જ પગદંડો જમાવી શક્યા છે તે વાતનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. કોંગ્રેસની નેતાગીરીએ આત્મમંથન કરવું જ રહ્યું કે દસકાઓ સુધી પક્ષની સાથે રહેલા મતદારો વિકલ્પ મળતાં જ અન્ય પક્ષો તરફ કેમ ઢળી રહ્યા છે. એવા તે ક્યા કારણ છે કે કોંગ્રેસનો વફાદાર મતદાર પક્ષથી અળગો થઇ રહ્યો છે? પક્ષે તેમના નેતાઓનો અવાજ પણ સાંભળવો રહ્યો.
દેશના કેટલાય રાજ્યોમાં પક્ષના પ્રભારી તરીકે નિર્ણાયક જવાબાદારી સંભાળી ચૂકેલા એક કોંગ્રેસી નેતા અનુભવના આધારે કહે છે કે પક્ષની મુખ્ય સમસ્યા છે આમ આદમી સાથે સીધા સંપર્કનો અભાવ. પક્ષમાં નેતાઓ તો ઘણા છે, કાર્યકરો ઓછા છે. જમીન પર કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી. બીજી તરફ, ભાજપમાં નેતાઓની સાથોસાથ કાર્યકરો પણ છે, જેઓ આમ આદમી સાથે સંપર્ક જાળવીને કામ કરે છે. આ લોકો પક્ષની વિચારધારાથી માંડીને નીતિરીતિને લોકો સુધી પહોંચાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પક્ષના જ્વલંત વિજયમાં કાર્યકરોની કેડરનું ચાવીરૂપ પ્રદાનરૂપ છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.
આ જ કારણ છે કે એક પછી એક ચૂંટણીઓમાં હારી રહેલી કોંગ્રેસ જ નહીં, અન્ય બિનભાજપી પક્ષો માટે પણ આગામી લોકસભા ચૂંટણી મોટો પડકાર બની રહેશે. ૨૦૧૯નો ચૂંટણી જંગ જીતવા માટે કોંગ્રેસ કે ડાબેરી પક્ષોએ જ નહીં અન્ય પક્ષોએ પણ સમય સાથે કદમ મિલાવીને પરિવર્તન આણવાની નવી વિચારધારા વિકસાવવી પડશે.
તો બીજી તરફ, ભાજપની નેતાગીરીએ ત્રિપુરા, નાગાલેન્ડમાં વિજયથી હરખાઇ જવાની જરૂર નથી. ગુજરાતમાં વિજય મળ્યો છે, પણ સરસાઇને ઘસારો લાગ્યો છે. મતલબ કે વડા પ્રધાનના ગૃહ-રાજ્યમાં વિરોધ પક્ષ મજબૂત થઇ રહ્યો છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશની પેટા-ચૂંટણીઓમાં મળેલો પરાજય પણ આત્મચિંતનના અવસર લઇ આવ્યો છે.
ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષોની નેતાગીરીએ એ ઉક્તિ યાદ રાખવી રહી કે જે પોષતું તે મારતું... જે મતદારો આજે તેમને સત્તાના સિંહાસને બેસાડી શકે છે એ જ તેમને સિંહાસન પરથી ઉતારી પણ શકે છે. કોઇ પણ રાજકીય પક્ષ ત્યારે જ દીર્ઘજીવી સફળતા હાંસલ કરી શકતો હોય છે જ્યારે તે સમયના સંકેતો સમજીને અને પરાજયના કારણો જાણીને તેને અનુરૂપ પરિવર્તન અપનાવે છે. હવે ક્યો પક્ષ કેટલી ઇમાનદારીથી આત્મનીરિક્ષણ કરે છે અને તેમાં જાણવા મળેલા પરાજયના કારણોનું કેટલી પ્રામાણિક્તાથી નિવારણ કરે છે એ તો આગામી ચૂંટણીના પરિણામો જ કહેશે.