પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

Wednesday 26th May 2021 06:45 EDT
 
 

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી ઈઝરાયેલ-પેલેસ્ટિન વિવાદના મૂળનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી આગામી સંઘર્ષ પહેલાનો આ નાનકડો વિરામ છે. ગાઝા પટ્ટીમાં વર્ચસ્વ ધરાવતા આતંકી ઈસ્લામિક સંગઠન હમાસે આરંભેલા સંઘર્ષમાં ઈઝરાયેલને વૈશ્વિક સમર્થન સાંપડ્યું છે કારણકે આતંકવાદી હુમલાઓ સામે પોતાના રક્ષણનો અધિકાર ઈઝરાયેલને છે. આ ભલે યુદ્ધ પેલેસ્ટાઈન સરકાર દ્વારા ખેલાયું નથી આમ છતાં, તે મૂક પ્રેક્ષક બની રહી છે.
ઈજિપ્ત તરફથી મૂકાયેલા યુદ્ધવિરામ પ્રસ્તાવને પેલેસ્ટાઈનની સરકાર, પેલેસ્ટાઈનના સૌથી શક્તિશાળી આતંકી સંગઠન ઈસ્લામિક જિહાદ અને ઈઝરાયેલે સહમતિ આપી છે. એક સમયે તો ઈઝરાયેલે હમાસની કમર તોડી નાખવા અને તે ફરી ઊંચુ જ ન થાય તેવું તહસનહસ કરી નાખવાનો નિર્ધાર જાહેર કર્યો અને યુએસ પ્રમુખ બાઈડનની સલાહ પણ કાને ધરી ન હતી. આ સીઝફાયરને હમાસ પોતાની જીત માની રહ્યું છે. એમ ભલે કહેવાતું હોય કે ‘યુદ્ધસ્ય કથા રમ્યાઃ’ પરંતુ યુદ્ધ મોતનું તાંડવ છે. અલ-અક્સા મસ્જિદ તરફના માર્ગ ઈઝરાયેલે બંધ કર્યા પછી નાની અથડામણોએ મોટા સંઘર્ષનું સ્વરુપ લઈ લીધું તેવા આ યુદ્ધમાં ૨૩૨ના મોત ઉપરાંત, ૧૯૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. હમાસે તો ઈઝરાયેલ સામે ૪૩૦૦ રોકેટ છોડીને આતંક મચાવી દીધો પરંતુ, અત્યાધુનિક ‘આયર્ન ડોમ’ મિસાઈલ શિલ્ડ ટેકનોલોજીના કારણે તેનુંરક્ષણ થયો છે.
ઈતિહાસ જોઈએ તો ૨૦૦૦ કરતા વધુ વર્ષોથી રઝળતા રહેલા યહુદીઓ માટેના વતન ઈઝરાયેલની સ્થાપનામાં ૧૯૧૭ના બેલફોર ડેકલેરેશન થકી બ્રિટનની મોટી ભૂમિકા રહી છે. યુગાન્ડામાં જગ્યા આપવા કરાયેલી ઓફરને યહુદીઓએ નકારી કાઢી હતી. ૧૯૪૫માં અંત આવેલા દ્વિતીય વિશ્વ યુદ્ધ પહેલા હિટલરના નાઝીવાદ થકી ૬૦ લાખ યહુદીઓના સાગમટે સંહાર પછી યહુદીઓ પ્રત્યે સહાનુભૂતિનો ધોધ વહેતો હતો ત્યારે બ્રિટનની મદદથી પેલેસ્ટાઈનમાં વસવાટ શરુ કરાયો અને ૧૯૪૭માં યુએન દ્વારા દ્વિરાષ્ટ્ર અને સહઅસ્તિત્વના સિદ્ધાંતને આધારે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના ભાગ વહેંચી આપ્યા. યહુદીઓને ૧૯૪૮માં વતન મળ્યું પરંતુ, લાંબા વિવાદ અને સંઘર્ષના મંડાણ થયા.
૧૯૪૮, ૧૯૬૭ અને ૧૯૭૧ના ભીષણ યુદ્ધોમાં ઈઝરાયેલે ઈજિપ્ત, સીરિયા, લેબેનોન, ઈરાન સહિતના કટ્ટરવાદી આરબ રાષ્ટ્રોને પાઠ ભણાવી દીધા પછી હવે પરિસ્થિતિ થાળે પડી છે પરંતુ, ઈઝરાયેલને નેસ્તનાબૂદ કરી યહુદીઓને ફરી રઝળતા કરી દેવાનો હમાસનો નિર્ધાર યથાવત છે. હમાસને સહઅસ્તિત્વ પસંદ નથી. તેને આખો લાડવો ખાવો છે. ઈઝરાયેલને પણ શાંતિ અને સહઅસ્તિત્વ ખપે છે. તેની માગણી એટલી જ છે કે અલ ફતાહ અને હમાસની સ્થાપનાના સિદ્ધાંતોમાં ઈઝરાયેલને નેસ્તનાબૂદ કરવાના જે સૂત્રો-વચનો આપ્યા છે તેને દૂર કરવામાં આવે. કોઈ પણ દેશને વિશ્વના નકશા પરથી મીટાવી દેવાનું શક્ય જ નથી.
હકીકત એ છે કે યુએઈ અને બહેરિન સાથે સંબંધોની નવી શરુઆત પછી પેલેસ્ટાઈન સાથે શાંતિ સ્થાપીને જ ઈઝરાયેલ નિરાંતનો શ્વાસ લઈ શકે તેમ છે. વિશ્વભરમાં જીનિયસ કહી શકાય તેવા લોકોની મોટી સંખ્યા ધરાવતી યહુદી પ્રજા લડાયક ખમીર ધરાવવાની સાથે જ મેડિકલ અને સાયન્સ-ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં અગ્રેસર છે. અમેરિકાના અર્થતંત્રમાં પણ તેમની બોલબાલા છે. સૌથી વધુ નોબેલ પ્રાઈઝ પણ આ પ્રજાએ જ મેળવ્યાં છે. હવે ટકાઉ શાંતિની આવશ્યકતા છે અને તો જ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનની સુરક્ષા પણ જળવાશે. એક હાથે તાળી પડતી નથી. શાંતિની જાળવણીની જવાબદારી માત્ર ઈઝરાયેલની નથી. પેલેસ્ટિનીઓ અને આતંકી સંગઠનોએ પણ જેહાદના નારા છોડી, ઈઝરાયેલ અને યહુદીઓના વિનાશના મનસૂબા છોડીને પણ શાંતિને એક મોકો આપવો જરુરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter