એક જાણીતી કહેવત છે કે જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ. મતલબ કે જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી આશાનો તંતુ અકબંધ છે. જોકે ભારતમાં વધતું પ્રદૂષણ જોતાં લાગે છે કે તે આમ આદમીની જિંદગીને નરક બનાવીને જ છોડશે. સુપ્રીમ કોર્ટથી માંડીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) જેવા અનેક સંસ્થાનો દેશમાં વધતા પ્રદૂષણ પર ચિંતા દર્શાવી રહ્યા છે. સરકારને આ મુદ્દે આકરા શબ્દોમાં ઠપકો પણ આપી રહ્યા છે, અને પ્રદૂષણને નાથવા સલાહસૂચન પણ આપી રહ્યા છે. પરંતુ સરકાર તેમની વાતોને કાન દેતી હોય તેમ લાગતું નથી. જો આવું ન હોત તો તાજેતરના દિવસોમાં દિલ્હીમાં તીવ્ર પ્રદૂષણના કારણે શાળા-કોલેજો બંધ રાખવાની ફરજ ન પડી હોત કે લોકોને જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળવાની સુચના પણ ન આપવી પડી હોત. સોમવારે તો સુપ્રીમ કોર્ટે તીવ્ર ઝડપે વધતા પ્રદૂષણને ઇમરજન્સી સાથે સરખાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારોને પૂછી જ લીધું હતું કે આને અટકાવવા માટે તમે શું કરી રહ્યા છો? દેશના પાટનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક હદે પહોંચ્યું છે, પરંતુ સત્તાધિશો કંઇ પગલાં લેતા હોય તેવું લાગતું નથી.
કોર્ટની ચિંતા ખોખલી નથી. દિલ્હીની સાથોસાથ ઉત્તર ભારતમાં કેટલાય દિવસોથી ગાઢ ધુમ્મસની સાથોસાથ ઝેરીલા ધુમાડાની સમસ્યા વકરી છે. સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા છે. આવું પ્રદૂષિત વાતાવરણ આરોગ્ય માટે આરોગ્ય માટે પણ જોખમી છે. દિલ્હીમાં તો સતત બીજા સપ્તાહે તીવ્ર વાયુ પ્રદૂષણ પ્રવર્તી રહ્યું છે. આજે સ્થિતિ એ છે કે અસ્થમા અને ચેસ્ટ ઇન્ફેક્શનના દર્દી હેરાનપરેશાન છે. લોકોનાં ફેફસાં નબળાં પડી રહ્યા છે. તંદુરસ્ત લોકો પણ ખાંસીની બીમારીના કારણે હોસ્પિટલે પહોંચી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વાયુ પ્રદૂષણથી દિલ્હીના પડોશી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પણ પ્રભાવિત થઇ શકે છે.
ગયા વર્ષે દિવાળી બાદ નેશનલ કેપિટલ રિજન (એનસીઆર)ના આકાશ અને વાતાવરણમાં જે ભયજનક સ્થિતિનું નિર્માણ થયું હતું તેનું પુનરાવર્તન થઇ રહ્યું છે. શિયાળામાં ગાઢ ધુમ્મસ એ કુદરતી પ્રક્રિયા છે, પણ હવામાં જીવલેણ પ્રદૂષણ એ તો માનવીના કરતૂતોની દેન છે. ગયા વર્ષે પ્રદૂષણ અંગે હવામાન વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે દિવાળી પર્વે બેહિસાબ ફટાકડા ફોડાયા હતા. તે પછી પંજાબ અને હરિયાણાના ખેતરોમાં પરાળ સહિતના સૂકા ખેત કચરાને બાળવાના કારણે હવામાં ઝેરી વાયુનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચી ગયું હતું.
પણ આ વર્ષે આટલું પ્રદૂષણ કેમ? સાચી વાત તો એ છે કે પરાળ સળગાવવાથી ઉઠતો ધુમાડો હોય કે વાહનોમાંથી નીકળતો ઝેરીલો ધુમાડો... બધું તંત્રની નજરે તો ચઢે છે, પણ તેના નિવારણ માટે કોઇ પગલાં લેવાતાં નથી. વાહનોની સંખ્યા કે કારખાનામાંથી નીકળતા શ્વાસ રુંધી નાખે તેવા ઝેરીલા ધુમાડાને અટકાવવા માટે તંત્ર પાસે કોઇ યોજના નથી. ચીનની વસ્તી ભારત કરતાં ઘણી વધુ છે અને માથાદીઠ વાહનોની સંખ્યામાં પણ તે ભારત કરતાં ડગલું આગળ છે. પરંતુ ત્યાં સરકારથી માંડીને સ્થાનિક વહીવટી તંત્ર પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે જરૂરી તમામ પગલાં લેતા રહ્યા છે. ચીન પ્રદૂષણની આડઅસરોથી વાકેફ છે. આથી જ ત્યાં લોકજાગ્રતિ અભિયાન ચલાવવાની સાથોસાથ લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો મહત્તમ ઉપયોગ કરવા ઉત્તેજન અપાઇ રહ્યું છે. ઝેરી ધુમાડા પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો થઇ રહ્યા છે. વાહનોના સ્થાને બાઇસિકલ વપરાશને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે.
ભારતમાં પ્રદૂષિત વાયુની સમસ્યાથી પીડાતું દિલ્હી એકમાત્ર શહેર નથી. દિવાળીની રાત્રે અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ દિલ્હી પછી બીજા ક્રમે સૌથી વધુ હતું. ચીનમાં વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ ઔદ્યોગિક એકમો ગણાય છે, પણ ભારતમાં ઔદ્યોગિક એકમો ઉપરાંત ખખડધજ વાહનો, ભાંગ્યા-તૂટ્યા રસ્તા, જાહેર સ્થળે કચરો બાળવો, બાંધકામના સ્થળે ઊડતી ધૂળ વગેરે પણ પ્રદૂષણ વધારતા રહે છે. આ સંજોગોમાં પ્રદૂષણને નાથવા સરકાર અને સમાજનો સમન્વય જરૂરી છે. સરકારે પ્રદૂષણને નાથવાનો નિર્ધાર દર્શાવવો પડશે અને લોકોએ તેને સહયોગ આપવો પડશે.