પ્રધાનમંડળ વિસ્તરણઃ વિકાસને વેગ આપવા પ્રયાસ

Tuesday 05th September 2017 14:37 EDT
 

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ છેવટે રવિવારે મોદી પ્રધાનમંડળનું વિસ્તરણ થઇ જ ગયું. કોઇનું કદ વેતરાયું, કોઇનું પત્તું કપાયું તો વળી કેટલાકનું કદ વધ્યું પણ ખરું. બધું નરેન્દ્ર મોદી સ્ટાઇલમાં થયું! પ્રધાનમંડળમાં સંભવિત ફેરફારો સંદર્ભે બહુ ઓછા અખબારી પૂર્વાનુમાન સાચા પડ્યા છે. વડા પ્રધાન મોદીએ તેમની કેબિનેટમાં ૯ નવા ચહેરાને સ્થાન આપવાની સાથોસાથ ૪ પ્રધાનોને પ્રમોશન પણ આપ્યું છે. આ સાથે જ તેમણે સાથીદારોના મંત્રાલયોમાં નોંધનીય ફેરફાર પણ કર્યા છે. પ્રધાનમંડળની પુનઃરચના અને પ્રધાનોના પોર્ટફોલિયોની હેરફેર દર્શાવે છે કે વડા પ્રધાનની આ તમામ કવાયત મિશન ૨૦૧૯નું લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં મોટું પગલું છે. લક્ષ્ય છે ૩૫૦નો આંકડો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે થોડાક સમય પૂર્વે જ સ્પષ્ટ કર્યું છે તેમ પક્ષ આગામી ચૂંટણીમાં ૩૫૦ લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરવા દૃઢ નિશ્ચયી છે. ૯ નવનિયુક્ત પ્રધાનોમાં ચાર પૂર્વ ઉચ્ચ અધિકારીઓ પર ભરોસો મૂકીને મોદીએ પોતાનું તમામ ધ્યાન ડિલિવરી પર ફોકસ કર્યું હોય તેમ લાગે છે. તો બીજી તરફ નબળો દેખાવ કરનાર પાંચ-છ પ્રધાનોની છુટ્ટી કરવામાં આવી છે. આ પગલું ભરીને બાકી પ્રધાનોને પણ સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ થયો છે - પરિણામલક્ષી કામ કરવું જ પડશે.
પ્રધાનમંડળ વિસ્તરણ અને વિભાગોમાં ફેરબદલમાં ઊંડીને આંખે વળગે તેવી વાત હોય તો તે છે દેશને મળેલા નવા સંરક્ષણ પ્રધાન. પ્રમોશન સાથે કેબિનેટ પ્રધાન બનેલા નિર્મલા સીતારમને દેશના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન તરીકે કાર્યભાર સોંપાયો છે. આ પૂર્વે ઇંદિરા ગાંધી પણ આ હોદ્દો સંભાળી ચૂક્યા છે, પરંતુ એ સમયે તેઓ વડા પ્રધાન પણ હતાં. આઝાદીના ૭૦ વર્ષમાં આ પહેલો અવસર છે જ્યારે ભારતમાં વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર નારીશક્તિ બિરાજમાન છે. સુરેશ પ્રભુના રાજીનામાથી ખાલી થયેલું રેલવે મંત્રાલય ઊર્જા ક્ષેત્રે નોંધનીય કામગીરી કરનાર પિયૂષ ગોયલને ફાળવાયું છે.
લોકસભા ચૂંટણી આડે હવે માત્ર દોઢ વર્ષ બાકી રહ્યું છે. સવાલ એ છે કે જે આશાભર્યા અરમાનો સાથે દેશની જનતાએ ભાજપને સંપૂર્ણ બહુમત આપ્યો હતો તે આશા-અપેક્ષાઓને સાકાર કરવા માટે શું આ સમય પૂરતો છે? રોજગારીના મુદ્દે પર સરકાર ખાસ કંઇ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી શકી નથી. મોંઘવારીના મોરચે પણ સરકાર પોતાની પીઠ થાબડી શકે તેમ નથી. ચીન-પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધો અને આતંકવાદથી પણ તે પરેશાન છે. વડા પ્રધાન સામે આ બધા પડકારોને પહોંચી વળવું તે આકરી કસોટી છે. વડા પ્રધાન જે નૂતન ભારતની કલ્પના કરી રહ્યા છે તે સર્વાંગી વિકાસ થકી જ શક્ય બને તેમ છે. પ્રધાનમંડળના વિસ્તરણમાં ભાજપના સહયોગીઓને સ્થાન નહીં આપવાનો મુદ્દો એનડીએનો આંતરિક મામલો છે તે સાચું છે, પરંતુ શિવ સેનાએ જે પ્રકારે પ્રશ્નો ઉઠાવ્યા છે તે યુતિ રાજકારણ માટે સારા સંકેત તો નથી જ. નવા ચહેરા પર દાવ રમવાનું ભાજપ માટે કેટલું લાભકારક સાબિત થાય છે એ તો ભાવિ સમય જ કહેશે, પરંતુ એટલું નક્કી છે કે મોદી સરકારે કંઇક તેજસ્વી અવશ્ય કરી દેખાડવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter