કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે તાજેતરમાં સૂચક નિવેદન કર્યું છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિજયરથ અટકાવવો હશે તો વિરોધ પક્ષોએ મહાગઠબંધન રચવું પડશે. આમ જૂઓ તો ઐયરે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાના શબ્દોનું જ પુનરાવર્તન કર્યું છે. પાંચ રાજ્યો - ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરની ચૂંટણીમાં ભાજપના જ્વલંત દેખાવ બાદ અબ્દુલ્લાએ આવી જ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. અબ્દુલ્લાએ તો વધુ આકરા શબ્દોમાં કહ્યું હતું કે (વિપક્ષે) ૨૦૧૯ની ચૂંટણી ભૂલી જઇને અત્યારથી જ ૨૦૨૪ની તૈયારીમાં લાગી જવું જોઇએ. કોંગ્રેસ જ નહીં, ભાજપવિરોધી બીજા પક્ષોના નેતા પણ ઐયરના વિચારની તરફેણમાં છે. આ વિચાર નક્કર બન્યો તો ઇંદિરા યુગનું પુનરાવર્તન થશે. તે સમયે ઇંદિરા ગાંધીના શાસન વેળા કોંગ્રેસને પછાડવા વિપક્ષો મોરચો રચતા હતા. પહેલા લોકસભાની ચૂંટણી અને પછી મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, અસમ બાદ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપના પ્રચંડ વિજયે કોંગ્રેસ સહિત તમામ પક્ષોને આત્મમંથન કરવા વિવશ કર્યા છે.
સહુ કોઇ છાને ખૂણે સ્વીકારે છે કે મોદી-શાહની જોડીના નેતૃત્વમાં ભારત-ભ્રમણ કરી રહેલા ભાજપના વિજયરથને એકલા હાથે અટકાવવો મુશ્કેલ છે. આમ પણ રાજકારણમાં ન તો કાયમી મિત્રતા હોય છે અને ન તો કાયમી દુશ્મની. તો પછી શા માટે એક ન થવું? બિહારમાં લાલુ પ્રસાદ - નીતિશ કુમાર અને જમ્મુ-કાશ્મીરમાં ભાજપ - પીડીપીનું ગઠબંધન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ બન્ને જોડાણો સિદ્ધાંતો - વિચારધારા આધારિત નહીં, પણ સત્તા મેળવવા માટે થયા છે. બન્ને જોડાણમાં નેતાઓ વચ્ચે થોડા થોડા સમયે ખેંચતાણ થતી રહે છે તેના મૂળમાં આ જ કારણ છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં ભાજપ - શિવ સેના અને કોંગ્રેસ - એનસીપી વચ્ચે અંતર વધી રહ્યું છે તે જગજાહેર છે. ભાજપ - શિવ સેના વર્ષોથી રાજ્યથી માંડીને કેન્દ્રમાં સત્તામાં ભાગીદાર છે, પરંતુ અવસર આવ્યે તેઓ વિપક્ષ જેમ સામસામે નિવેદનબાજી કરતા ખચકાતા નથી.
આ તમામ સંજોગો સ્પષ્ટ કરે છે કે રાજકીય યુતિમાં સિદ્ધાંતો કે વિચારસરણી કરતાં રાજકીય સ્વાર્થ વધુ વજનદાર હોય છે. તો ૨૦૧૯માં ભાજપની વિજયકૂચ રોકવા શું ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ તથા બહુજન સમાજ પક્ષ, બંગાળમાં ડાબેરી પક્ષો તથા તૃણમૂલ કોંગ્રેસ અને તામિલનાડુમાં દ્રમુક તથા અન્નાદ્રમુક હાથ મિલાવશે? આવું જોડાણ ભલે મુશ્કેલ જણાતું હોય, પણ અસંભવ તો નથી જ. રાજકીય અસ્તિત્વ ટકાવવા જો લાલુ - નીતિશ હાથ મિલાવી શકતા હોય તો બીજા કોઇ પણ જોડાણની શક્યતા પણ નકારી શકાય નહીં. અલબત્ત, મોદીવિરોધી કોઇ પણ ગઠબંધનને સાકાર કરવું હશે તો પહેલ કોંગ્રેસે જ કરવી પડશે. ભાંગ્યુ-તૂટ્યું તોય ભરૂચ જેવી કોંગ્રેસ આ પહેલ કરે છે કે કેમ તે
જોવું રહ્યું.