અમેરિકા જેવી મૂડીવાદી મહાસત્તા સામે પાંચ-પાંચ દસકા સુધી લગાતાર ઝઝૂમનારા ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ક્રાંતિવીર નેતા ફિડેલ કાસ્ત્રોએ ૯૦ વર્ષની વયે શ્વાસ મૂક્યા. અને જાણે ક્રાંતિકારી ચળવળનું દસકાઓ જૂનું પ્રકરણ બંધ થયું. અડધી સદી કરતાં પણ વધુ લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે અસાધારણ ઉતાર-ચઢાવનો સામનો કર્યો, અને છતાં તેઓ લગારેય ઝૂક્યા કે ડગ્યા નહીં એ જ વાત તેમના લડાયક મિજાજનો પરચો આપે છે. તેઓ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના સમયથી ભારતના મિત્ર હતા, અને ઈંદિરા ગાંધીને બહેન માન્યા હતા. ક્રાંતિકારી સંઘર્ષની મિસાલ કાયમ કરતા તેમણે માત્ર ક્યુબાની સત્તાનું સ્વરૂપ જ નહોતું બદલ્યું, પરંતુ સાથે સાથે પોતાના દેશના ભાગે આવેલી ગરીબી સામે ઝઝૂમતા ઝઝૂમતા પણ પ્રજાલક્ષી મૂલ્યો પર અડગ રહ્યા હતા. આ ગુણો જ તેમને વિશ્વના ચુનંદા નેતાઓની હરોળમાં મૂકે છે. ફિડેલનો શાબ્દિક અર્થ થાય છે આસ્થા ધરાવનાર. ફિડેલ કાસ્ત્રો વિશ્વના એકમાત્ર એવા દીર્ઘકાલીન શાસક હતા, જેમણે મૂલ્યો પ્રત્યેની પોતાની આસ્થામાં લગારેય ઉણપ આવવા દીધી નહોતી. આ જ કારણ છે કે તેમને માથું ઉંચું રાખીને આ દુનિયામાંથી વિદાય લેવાનો અવસર મળ્યો છે. મૂલ્યો પ્રત્યેની આ વફાદારીના કારણે જ વિરોધીઓ પણ આજે તેમને ગૌરવભેર યાદ કરી રહ્યા છે. કોલ્ડ વોર અને સવિશેષ તો સોવિયેત યુનિયનના વિઘટન પછી ક્યુબા દુનિયાથી ઘણા અંશે અલગ પડી ગયું હતું. સ્થાનિક પ્રજામાં પણ નારાજગી સાથે અસંતોષ હતો. પરંતુ કાસ્ત્રોએ દિવસ-રાત એક કર્યા અને ક્યુબાને આ કપરી સ્થિતિમાંથી બહાર કાઢ્યું.
આજે ક્યુબાની આરોગ્ય સેવા દુનિયાભરમાં આગવી નામના ધરાવે છે. ત્યાંની શિક્ષણપદ્ધતિ દેશની દરેક વ્યક્તિને શિક્ષિત બનાવવાના માટે જાણીતી છે. જોકે ટેકનિક્લ ક્ષેત્રે ક્યુબા આજે પણ ઘણું પછાત છે. આજે દુનિયા ટેક્નોલોજીની પાંખે વિકાસપંથે હરણફાળ ભરી છે, પણ માઈક્રોસોફટ હજુ ક્યુબા પહોંચ્યું નથી. દેશમાં ફેસબુક અને ગૂગલનો ઉપયોગ તો થાય છે, પણ ઈન્ટરનેટ સેવા ઘણી મોંઘી અને ગોકળગાયની ગતિએ ચાલે છે. ક્યુબાને જ્યાં સુધી સોવિયેત યુનિયનનો સાથ હતો ત્યાં સુધી તેની ટેક્નોલોજી અપડેટ થતી રહેતી હતી, પરંતુ હવે આ આગેકૂચ અટકી ગઇ હોય તેવું લાગે છે. જોકે આ અને આવી સમસ્યાઓ છતાં પણ ફિડેલ કાસ્ત્રો જીવનપર્યંત ક્યુબન પ્રજાના હીરો બની રહ્યા, અને તે પણ માત્ર પોતાના જીવનમૂલ્યોને કારણે જ.