સામાન્ય નાગરિક કોઇ પણ સિસ્ટમ વિરુદ્ધ બળાપો કાઢે ત્યારે લોકો બહુ ગણકારતા નથી, રાજકારણી ભારતની બંધારણીય સિસ્ટમ વિરુદ્ધ બોલે તો સ્વાભાવિક રીતે જ રાજકીય લાભ માટેના નિવેદનોમાં ખપાવી દેવાય છે પરંતુ, કોઇ બંધારણીય સત્તા ભોગવી ચૂકેલો ચહેરો દેશની સિસ્ટમ સામે પ્રશ્નો ઉભા કરે ત્યારે ખરેખર આઘાત લાગે છે.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈએ એક ઈન્ટરવ્યૂમાં સ્ફોટક નિવેદન આપ્યું કે ભારતની ન્યાયપ્રણાલી જર્જરિત થઈ ચુકી છે અને સામાન્ય લોકો કોર્ટમાં જવા બદલ પસ્તાય છે. કોર્ટ હવે સામાન્ય માણસની પહોંચની બહાર છે અને માત્ર ધનિકો તેમજ કોર્પોરેટ જગત સાથે સંકળાયેલા લોકોને જ કોર્ટમાં જવાનું પોસાય છે. હકીકત એ છે કે આજે પણ સામાન્ય માનવી કોર્ટ પ્રત્યે આદર અને વિશ્વાસ ધરાવે છે. ન્યાયતંત્ર જેવા લોકશાહીના અતિ વિશ્વાસપાત્ર આધારની ટીકા ખુદ ચીફ જસ્ટિસ કરે ત્યારે તેને શરમજનક કહી શકાય. બીજી તરફ, ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાને ૬૦ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે વડા પ્રધાન મોદીએ આશાવાદ વ્યક્ત કરીને કહ્યું છે કે સરકાર અને ન્યાયપાલિકા મળીને દેશમાં વર્લ્ડ ક્લાસ જ્યૂડિશિયરી સિસ્ટમ તૈયાર કરશે.
ભારતના કાયદાઓ અને સિસ્ટમની ઠેકડી ઉડાડતો એક વર્ગ દેશમાં ફૂલી ફાલી રહ્યો છે. વર્તમાન ન્યાયપ્રણાલી અસરકારક રીતે કામ નથી કરી શકતી તેના ઘણા કારણો છે. સવાલ એ થાય છે કે આવા મહાનુભાવો જ્યારે પદાસીન હતા ત્યારે તેમણે સિસ્ટમને સુધારવાના કેટલા પ્રયાસો કર્યા? રાજ્યસભામાં પહોંચી પણ પૂર્વ જસ્ટિસે ન્યાયતંત્ર મુદ્દે કેટલા પ્રશ્નો ઉઠાવ્યા તે સવાલ અવશ્ય થાય.
વાસ્તવિકતા એ છે કે જાન્યુઆરી ૨૦૧૮માં માન્યવર ન્યાયમૂર્તિઓ કુરિયન જોસેફ, ચેલમેશ્વર, રંજન ગોગોઈ અને મદન બી. લોકુરે ન્યાયંત્રની ગરિમાને નુકસાન પહોંચે તેવી પત્રકાર પરિષદ યોજી તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કહેવાતી આપખુદી સામે પ્રશ્નો ઉઠાવ્યા પરંતુ, આ ચારે ન્યાયમૂર્તિઓમાંથી એક પણ સિદ્ધાંત ખાતર રાજીનામું આપવાની હદે ગયા ન હતા. પૂર્વ ચીફ જસ્ટિસ ગોગોઈએ રાજ્યસભામાં સભ્યપદ સ્વીકાર્યું તે સંદર્ભે જસ્ટિસ કુરિયને કહ્યું હતું કે આનાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા પ્રત્યે સામાન્ય લોકોની વિશ્વાસ ડગી ગયો છે.
૧૦ વર્ષ સુધી ઉપરાષ્ટ્રપતિપદ સંભાળનારા હમીદ અન્સારીને પણ નિવૃત્તિ પછી કશુંક જ્ઞાન લાધ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે દેશમાં મુસલમાનો આજે પણ ભયભીત છે. તેમનામાં અસુરક્ષાની લાગણી છે. તેમણે વર્તમાન મોદી સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે સેક્યુલરિઝમ શબ્દ સરકારની ડિક્શનેરીમાં રહ્યો નથી અને ઉત્તર પ્રદેશમાં લોકોને ધર્મના આધારે જેલોમાં બંધ કરાઈ રહ્યા છે. આ શબ્દો બંધારણીય વડા રહી ચૂકેલા સન્માનીય નેતાના હોવાનું કોણ માની શકે? તેમણે લીન્ચિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો તેની સાથે ખચકાટથી સ્વીકાર્યું હતું કે લીન્ચિંગ હિન્દુ સહિત અન્ય ધર્મોના લોકોનું પણ થાય છે. મુસ્લિમોની અસુરક્ષા મુદ્દે વારંવાર પ્રશ્નો પૂછાતા તેઓ અધવચ્ચે ઈન્ટરવ્યૂ છોડીને ચાલ્યા ગયા હતા.
શું આવા મહાનુભાવો પોતાના પદની ગરિમાને નુકસાન પહોંચાડી રહ્યા નથી? પૂર્વ ચીફ જસ્ટિસના કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીના નિવેદન સામે દેશના તથાકથિત બૌદ્ધિકોએ જરા પણ વિરોધ નોંધાવ્યો નથી. સામાન્ય ઘટનાઓ સંદર્ભે પણ મત વ્યક્ત કરીને પોતાની હાજરી નોંધાવવા તલપાપડ આ બૌદ્ધિકો આટલી મહત્ત્વપૂર્ણ ટીકાઓ કે ટીપ્પણીઓ પરત્વે શાહમૃગી મૌન ધારણ કરીને બેસી જાય છે.