સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે આર્થિક મંદી અનુભવાઈ રહી છે ત્યારે ભારતના અંદાજપત્રમાં દેખીતા વિકાસના બદલે લોકહિતના પગલાં વધુ લેવાશે તેવી આશા સફળ થઈ નથી. લોકોના દિલોદિમાગમાં અત્યાર સુધી બજેટ એટલે કરવેરા અને રાહતોની ભરમાર, એવી જ ગ્રંથિ બંધાયેલી હતી તેને આ બજેટથી દૂર કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. હેલ્થકેર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ ક્ષેત્રોમાં ખર્ચાના વધારાથી ઉદ્યોગોને પણ લાભ થશે અને રોજગારીનું પણ સર્જન થશે તેવી આશા ખોટી નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જંગી ખર્ચ કરવા સરકારને બજારમાંથી મોટા પાયે નાણા એકત્ર કરવા પડશે પરિણામે રાજકોષીય ખાધ વધી જશે. જોકે, માળખાકીય વિકાસના કારણે લાભ તો રહેવાનો જ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ અનુસાર ભારતને આત્મનિર્ભરતાના માર્ગે આગળ ધપાવવાની કવાયત શરુ કરી દેવાઈ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને આત્મનિર્ભરતાના ચાર સ્તંભ – આરોગ્ય અને સુખાકારી, મૂડી ખર્ચ અને ટ્રાન્સપોર્ટ સહિતનું વ્યાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ તેમજ શિક્ષણને વધુ પ્રાધાન્ય આપ્યું છે. વિશિષ્ટ ભારતમાલા યોજનામાં નવા ધોરી માર્ગો, ઈકોનોમિક કોરિડોર્સ, એક્સપ્રેસ વે અને રેલવે કોરિડોરનું નિર્માણ અર્થતંત્રને વેગ આપવા માટે મહત્ત્વનું બની રહેશે. આ વિકાસના ફળ તત્કાળ જોવાં નહિ મળે પરંતુ, લાંબા ગાળે દેશ વધુ મજબૂત બનીને બહાર આવશે તે નિર્વિવાદ છે.
મહામારીની પડકારજનક અસરના પરિણામે આરોગ્યક્ષેત્રનું મહત્ત્વ આખરે સ્વીકારાયું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને અત્યાર સુધી લગભગ ઓરમાયાં રહેલાં હેલ્થ સેક્ટર માટે ‘સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા’ મંત્રની ભાવનાને અનુસરી લગભગ ૧૦ ટકાનો વધારો અને તેમાં પણ વર્તમાન માહોલમાં આવશ્યક કોવિડ વેક્સિન માટે ૩૫,૦૦૦ કરોડની જંગી ફાળવણી કરીને લોકસ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે તે ઘણી સારી બાબત ગણાય. એ ઉલ્લેખ પણ અસ્થાને નહિ ગણાય કે વિશ્વમાં કોરોના વેક્સિનનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે.
કોરોનાકાળમાં સરકારે અર્થતંત્ર માટે રાહત પેકેજો જાહેર કરીને જંગી ખર્ચા કર્યા હતા પરિણામે, સરકારની યોજનાઓને નાણાભંડોળની તો આવશ્યકતા રહેવાની છે. આમ છતાં, નાણાપ્રધાને મધ્યમ કે નોકરિયાત વર્ગોને સીધી રાહતો આપવાનું ટાળ્યું છે તેની સાથે વધારાના કરવેરા લાદી ખિસ્સામાંથી નાણા સેરવી લેવાની પેરવી પણ કરી નથી જેને મોટી રાહત અવશ્ય કહી શકાય.
સરકાર જરુરી નાણા ડિસઈન્વેસ્ટમેન્ટ એટલે કે વિનિવેશ અને ખાનગીકરણ મારફત મેળવવા માગે છે. એર ઈન્ડિયા, એલઆઈસી સહિત મોટી કંપનીઓમાં સરકારની હિસ્સેદારી વેચવાની પણ યોજના છે. સરકાર બે સરકારી બેન્કો અને અને એક ઈન્સ્યુરન્સ કંપનીમાં હિસ્સેદારી વેચશે. વીમાક્ષેત્રમાં વિદેશી રોકાણની મર્યાદા વધારીને ૭૪ ટકા કરવામાં આવી છે તે ઘણું સૂચક છે. બજેટમાં બિનનિવાસી ભારતીયો સંબંધિત એક મહત્ત્વની જાહેરાત એ છે કે હવે વિદેશસ્થિત ભારતીયો એક વ્યક્તિની કંપની (વન પર્સન કંપની)ની સ્થાપના કરી શકશે. અગાઉ, એનઆરઆઈ વ્યક્તિને ભારતીય કંપનીના ડાયરેક્ટર બનવાની છૂટ મળતી હતી.
સરહદો પર તંગદીલી છે ત્યારે ચીન અને પાકિસ્તાને લશ્કરો ખડકેલાં છે પરંતુ, દેશના સંરક્ષણ બજેટને વધુપડતી ફાળવણી નહિ કરીને પણ ભારતે નવો સંદેશ આપ્યો છે. જોકે, સંરક્ષણ ક્ષેત્રને નવા શસ્ત્રોની ખરીદી માટે જ્યારે જેટલી ફાળવણી જોઈએ તે અપાશે તેવું આશ્વાસન અવશ્ય જોવાં મળ્યું છે. દરમિયાન, બજેટમાં ખેડૂત આંદોલન સંદર્ભે કોઈ મોટી જાહેરાતો કરાય તેવી આશા પણ ફળીભૂત થઈ નથી આમ છતાં, માઈક્રો ઈરિગેશન અને કૃષિલોન્સને વધુ ફાળવણી કરવામાં આવી છે.
આખરે તો બજેટ આંકડાની માયાજાળ જ હોય છે. ખરેખર તો સરકારના ઈરાદા જોવાના રહે છે. નાણાપ્રધાને ભારતને પાંચ ટ્રિલિયન ઈકોનોમી બનાવવા પર ભાર મૂક્યો છે. જોકે, વર્તમાન સંજોગોમાં આ શક્ય જણાતું નથી. આ જ રીતે આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૧૧ ટકાના વિકાસદરની અપેક્ષા રાખવામાં આવી છે તે વર્તમાન રાજકોષીય ખાધને જોતાં ફળીભૂત થાય તેમ જણાતું નથી. જોકે, હૌસલા બુલંદ હો તો પર્વત ભી છોટા હો જાતા હૈ’ના હિસાબે દેશની જનતા કોરોનાકાળમાંથી બહાર આવી છે તો ઘણુંબધું થઈ શકે છે તેમાં શંકાને સ્થાન નથી.