બ્રિટનના ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને શાહી પરિવારના સભ્યો તરફ લોકો આદર અને સન્માનની દૃષ્ટિ ધરાવે છે તેમાં કોઈ શંકા નથી. પ્રિન્સ હેરી અને મેગન મર્કલના સનસનીખેજ ઈન્ટરવ્યૂ પછી પણ આદરમાં ઘટાડો જણાયો નથી પરંતુ, ‘એક મછલી સારે તાલાવ કો ગંદા કર દેતી હૈ’ની કહેવત પણ ખોટી નથી. ક્વીનના ફર્સ્ટ કઝીન અને સીનિયર રોયલ પ્રિન્સ માઈકલ ઓફ કેન્ટ જે રીતે છાપે ચડ્યા છે તેનાથી હવે ક્વીન શું કરવું તેની મુંઝવણ અનુભવી રહ્યાં હશે. પ્રિન્સ માઈકલના રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને તેમના પીઠ્ઠુઓ સાથેના સંબંધો હવે જગજાહેર થઈ રહ્યા છે.એવો આક્ષેપ કરાયો છે કે બિઝનેસીસને સેવાઓ આપવા પ્રિન્સ પોતાના રશિયન સંપર્કોનો ઉઇપયોગ કરી રહ્યા છે. હદ તો એ વાતની થાય છે કે પ્રિન્સ માઈકલના મિત્ર અને બિઝનેસ પાર્ટનર માર્ક્વીસ ઓફ રીડિંગે પ્રિન્સનું વર્ણન ‘નામદાર મહારાણીના રશિયા માટેના બિનસત્તાવાર રાજદૂત’ તરીકે કર્યું છે. મોસ્કો પોતાના ફાયદા માટે તેમને ‘રશિયાના પરમ મિત્ર’ ગણાવે તે સ્વાભાવિક જ ગણાય.
આપણે ભલે વિશ્વાસ ધરાવતા હોઈએ કે રાજનબીરાઓ અલગ પ્રકારનું ગૌરવ ધરાવતા હોય છે પરંતુ, તેમની નાણાભૂખ ભારે હોય છે. પ્રિન્સ માઈકલે એક કથિત સાઉથ કોરિયન બિઝનેસ કંપનીના રશિયામાં ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ બિઝનેસ માટે કેન્સિંગ્ટન પેલેસમાંથી સ્પીચ રેકોર્ડ કરવાના બે લાખ ડોલર (૧૪૩,૦૦૦ પાઉન્ડ)ની તેમજ રશિયાની નેતાગીરી સમક્ષ રુબરુ રજૂઆત કરવા દિવસના ૧૦,૦૦૦ પાઉન્ડના ચાર્જની માગણી કરી હોવાનું કહેવાય છે.
દેખીતી રીતે રાજપરિવાર માટે આ ક્ષોભજનક પરિસ્થિતિ છે. પ્રિન્સ માઈકલે તો પોતાના બચાવમાં કહી દીધું છે કે છેક ૨૦૦૩ પછી તેમની પુતિન સાથે મુલાકાત થઈ નથી. આ તો બાળકોને સમજાવવાની વાત કહેવાય કારણકે વર્તમાન યુગમાં સંપર્કો જાળવવા માટે આમનેસામને મુલાકાતો કરવી આવશ્યક રહી નથી. સીનિયર શાહી સભ્ય પોતાની સેવા રશિયન નેતાગીરીને ભાડે આપવા તૈયાર થતા હોય ત્યારે યુકેના હિતો માટે કેટલું જોખમ સર્જાય તેનો વિચાર પણ કરવો જોઈએ. પ્રિન્સ માઈકલ એવી પણ બડાશ મારવામાં પાછા પડ્યા નથી કે રશિયન પ્રમુખે ક્રેમલિનના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંના એક ‘ઓર્ડર ઓફ ફ્રેન્ડશિપ’ની નવાજેશ કરી છે.
આપણા બાહ્ય દુશ્મનો કરતાં પણ અંદરના દુશ્મનો વધુ ખતરનાક હોય છે. આ લોકો આપણા માનસ પર એવી રીતે કબજો જમાવીને બેસી જાય છે કે ગીતાજીને ઉપદેશ આપનારા કૃષ્ણનું માનતા નથી તેના કરતાં આવા લોકોમાં વધુ વિશ્વાસ ધરાવતા થઈ જઈએ છીએ. આપણે થોડા સમય અગાઉ જ પોતાના ભોળા સમર્થક શ્રદ્ધાળુઓનો ગેરફાયદો ઉઠાવનારા કહેવાતા કોવેન્ટ્રીના બાબા બાલકનાથ સંપ્રદાયના રાજિન્દર કાલિયા જેવાં ધર્મગુરુઓનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોકે, લોકોની આસ્થાનો ગેરલાભ લેનારો કાલિયા એકમાત્ર કહેવાતો ‘અધર્મગુરુ’ નથી. જેમ સૌરાષ્ટ્ર પંથકમાં વીરોના પાળિયા કે ખાંભી હોય છે તેમ બ્રિટનમાં પણ ગુરુઓની ફોજ છે. આવા એક સંસારી ગુરુનું ‘સ્ત્રીદાક્ષિણ્ય’ એવું છે કે તેમને સ્ત્રીઓ સાથે વધારે ફાવે છે અને ઘણી શ્રદ્ધાવાન નારીઓને તેમણે બરબાદ કરી છે. સુંઠના ગાંગડે ગાંધી થવા નીકળનારા આ ગુરુઓ પોતાની વાણીથી એવી સંમોહક ભૂરકી છાંટે છે કે લોકો પોતાના મગજ ગીરે મૂકી તેમની આગળપાછળ ફરતા થઈ જાય છે. ભગવાન કૃષ્ણ ભલે કહેતા રહે કે ‘મામેકમ્ શરણમ્ વ્રજ’ લોકો તો ધર્મગુરુઓના શરણે જ પહોંચી જાય છે. આવા ગુરુઓ પાછા પોતાની રાસલીલા માટે પણ ભગવાન કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાની દુહાઈ આપે છે. જોકે, ગુજરાતમાં ‘નામના’ મેળવી ચૂકેલા આશારામની માફક આવા કુખ્યાત ગુરુઓએ પણ પોતાની લીલાઓનો ઉત્તર આપવો પડશે. કોરોના મહામારીમાં આવા ગુરુઓ કશું કરી શક્યા નથી. વિજ્ઞાન જ મદદે આવ્યું છે. રાજનબીરા હોય કે કહેવાતા ગુરુ, તેમના માટે આખરે તો સબ સે બડા રુપૈયા જ રહે છે. તેમની ચુંગાલમાંથી બહાર આવવા માટે લોકોએ સાચી જાગરુકતા કેળવવી પડશે.