આ ચૂંટણી બાદ ડેમોક્રેટિક પક્ષે બન્ને ગૃહોમાં બહુમતી ગુમાવી હોવાથી પ્રમુખ ઓબામા માટે એમની ટર્મના બાકી બે વર્ષ કાઢવાનું લોઢાના ચણા ચાવવા જેવું બની રહેશે. આ ચૂંટણી પરિણામો અમેરિકી રાજકારણની દિશા બદલી નાખે તો નવાઇ નહીં. મુખ્ય વિપક્ષ રિપબ્લિકન પાર્ટી અત્યાર સુધી નીચલા ગૃહ - હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં તો બહુમતી ધરાવતી હતી, પણ આ ચૂંટણી બાદ તેણે ઉપલા ગૃહ - સેનેટમાં પણ બહુમતી હાંસલ કરી છે.
એક ડેમોક્રેટિક પાર્ટી અને બીજી રિપબ્લિકન પાર્ટી એમ બે મુખ્ય પક્ષો ધરાવતા અમેરિકામાં ગત ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ બીજી વખત વિજયપતાકા લહેરાવતા ઓબામા ફરી રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. જોકે અમેરિકામાં મુખ્ય ચૂંટણીના બે વર્ષ બાદ મિડ-ટર્મ ચૂંટણી યોજાતી હોય છે. આ વખતની મિડ-ટર્મ ચૂંટણીમાં ઓબામાની ડેમોક્રેટિક પાર્ટીને ભારે હાર ખમવી પડી છે. તાજેતરના પરિણામો પછીનું ચિત્ર જોઇએ તો ૧૦૦ બેઠકો ધરાવતી સેનેટમાં બાવન બેઠકો સાથે રિપબ્લિકન પાર્ટીએ બહુમતી મેળવી છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી પાસે ૪૫ છે. જ્યારે ૪૩૫ બેઠકો ધરાવતા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેન્ટિવમાં રિપબ્લિકન ૨૪૨ બેઠકો ધરાવે છે જ્યારે ઓબામાની ડેમોક્રેટિક પાર્ટી પાસે ૧૭૬ બેઠકો છે. એટલું જ નહીં, રિપબ્લિકન પાર્ટીના ગવર્નરની સંખ્યા ૩૧ છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના માત્ર ૧૫ ગવર્નર જ છે. આમ, હવે યુએસ કોંગ્રેસના બન્ને ગૃહમાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી હોવાથી પ્રમુખ ઓબામા હવે ધારે તો પણ પોતાની મરજી મુજબ કામ કરી શકશે નહીં. તેમના માટે કોઈ પણ બિલ કે પોતાની મરજી પ્રમાણેનું બજેટ પાસ કરાવવું મુશ્કેલ બનશે. તેમણે પોતાના દરેક નિર્ણયોમાં રિપબ્લિકનોને સાથે રાખવા જ પડશે. આ જનમત દર્શાવે છે કે અમેરિકી પ્રજા ઓબામાની નીતિરીતિથી ખુશ નથી. ઇરાક અને સીરિયાના પ્રશ્નો વિકટ બની રહ્યા છે. આઇએસઆઇએસ સામે ઓબામા વામણા પુરવાર થયા છે. આ મુદ્દે તેમની બહુ ટીકા થઇ છે. વિદેશ નીતિનાં મોરચે પણ કંઇક આવી જ હાલ છે. અફઘાનિસ્તાનમાંથી લશ્કર પાછું ખેંચવાના અને આતંકવાદને પોષતા પાકિસ્તાનના મુદ્દે પણ નક્કર નિર્ણયો લેવા પડે તેમ છે. તાજેતરમાં પેન્ટાગોનના રિપોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભારત સામે આતંકી સંગઠનોનો ઉપયોગ કરતા પાકિસ્તાનના નિશાન પર માત્ર ભારત જ નહીં, અફઘાનિસ્તાન પણ છે. આર્થિક મોરચે જોઇએ તો, અમેરિકા મંદીના દોરમાંથી બહાર નીકળી રહ્યું છે તે સાચું, પણ અર્થકારણના મુદ્દે રિપબ્લિકન્સ શાસક ડેમોક્રેટ્સ કરતાં અલગ વિચારસરણી ધરાવે છે. આથી અર્થતંત્રને ધબકતું રાખવાનું કામ પણ તેમના માટે આસાન નથી. આમ એક નહીં, અનેક કારણોસર પ્રમુખ ઓબામા માટે આવતા બે વર્ષનો શાસનકાળ કપરો પુરવાર થવાનો છે.