રામજન્મભૂમિ અયોધ્યામાં બાબરી મસ્જિદનો વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડવાનો મુદ્દો ફરી ચર્ચામાં છે. ભારતની સર્વોચ્ચ અદાલતે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ રજૂ કરેલી અરજી સ્વીકારતાં ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર સહિત અન્યો સામે માળખું તોડી પાડવા માટે ગુનાહિત ષડ્યંત્ર રચવાનો કેસ ચાલશે. ભારતીય રાજકારણ પર દૂરોગામી અસર પાડે તેવા ચુકાદામાં કોર્ટે નોંધ્યું છે કે કેસમાં પહેલાંથી જ વિલંબ થઈ ચૂક્યો છે. આથી કેસની સુનાવણી દરરોજ કરીને બે વર્ષમાં નિવેડો લાવવાનો રહેશે. કેસને રાયબરેલીથી લખનઉની વિશેષ અદાલતમાં ટ્રાન્સફર કરતાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી કોઇ જજની બદલી ન કરવી કે કોઇ નક્કર કારણ વગર સુનાવણી મુલત્વી રાખવી નહીં. સુપ્રીમ કોર્ટનો અભિગમ વિલંબના મુદ્દે તેની ગંભીરતા દર્શાવે છે.
સુપ્રીમ કોર્ટનું વલણ અયોગ્ય પણ નથી, આ કેસ અઢી દસકા જૂનો છે. ભાજપના તે સમયના સર્વોચ્ચ નેતા અડવાણીએ ૧૯૯૦માં સોમનાથથી અયોધ્યા રામ રથયાત્રા યોજી હતી. માર્ગમાં બિહારના સમસ્તીપુર ખાતે લાલુ પ્રસાદ યાદવની તત્કાલીન સરકારે અડવાણીની ધરપકડ કરી રથયાત્રા અટકાવી. દેશમાં હિંદુવાદનું પ્રચંડ મોજું ફરી વળ્યું. પરિણામે ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ કારસેવકોએ ૧૬મી સદીમાં બંધાયેલી મનાતી બાબરી મસ્જિદનો વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડ્યો. આ સમયે ઘટનાસ્થળથી થોડાક જ મીટરના અંતરે આવેલા મંચ પર અડવાણી, જોશી, ઉમા ભારતી સહિતના નેતાઓ હાજર હતા. આમ તેમની સામે વિવાદાસ્પદ માળખું તોડી પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકાયો છે.
વીતેલા વર્ષોમાં આ કેસમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા છે. કાનૂની પ્રક્રિયાનો દાવપેચ કોઈ પણ કેસને ભલે ગમેતેટલો લાંબો ખેંચે, પરંતુ સર્વોચ્ચ અદાલતનો આદેશ એ સિદ્ધાંતની યાદ અપાવે છે કે ભલે ગમેતેટલો વિલંબ થાય, પરંતુ અંતે ન્યાય તોળાતો હોય છે. આ નેતાઓ સામે કાનૂની કાર્યવાહીનો આદેશ સૂચવે છે કે ઘટનાના દિવસે તેમણે પણ સંયમ નહોતો જાળવ્યો તેવું કોર્ટ માને છે.
૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ આ ઘટના બની ત્યારથી આજ સુધીમાં સરયુ નદીમાં ઘણાં પાણી વહી ગયા છે. એક સમયે કેસના સહઆરોપી એવા વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના અધ્યક્ષ અશોક સિંઘલ સહિતના આજે હયાત નથી. ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહ આજે રાજસ્થાનના ગવર્નર છે. રામમંદિર નિર્માણ ચળવળના સક્રિય નેતા ઉમા ભારતી આજે ભારત સરકારમાં પ્રધાન તરીકે કાર્યભાર સંભાળે છે. તો એક સમયે જેમનો પડ્યો બોલ ઝીલવા ભાજપના કાર્યકરો તત્પર રહેતા હતા તેવા અડવાણી અને જોશી જેવા પીઢ નેતાઓ આજે પક્ષના માર્ગદર્શક મંડળમાં બિરાજે (!) છે.
નેતાઓને સાંકળતા કોઇ પણ કિસ્સામાં કાનૂની કાર્યવાહી શરૂ થતાં જ રાજકીય અર્થઘટન અને અસરનું પીંજણ શરૂ થઇ જાય છે. આ કિસ્સામાં પણ આવું જ બન્યું છે. ચુકાદો આવતાં જ ‘જો’ અને ‘તો’ની ચર્ચા શરૂ થઇ ગઇ છે. જુલાઇમાં રાષ્ટ્રપતિની ચૂંટણી તોળાઇ રહી છે અને - આ સર્વોચ્ચ સ્થાન માટે - એનડીએ સરકાર દ્વારા વિચારાધીન નામોમાં અડવાણી, ડો. જોશીના નામો પણ સામેલ હોવાના અહેવાલ હતા. જોકે હવે એ સંભવ બને તેમ જણાતું નથી. આ જ રીતે કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીના રાજકીય ભવિષ્ય સામે પ્રશ્નાર્થ આવી શકે છે. ભાજપે ભલે સ્પષ્ટ કર્યું કે ઉમા ભારતીને સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે રાજીનામું આપવાની જરૂર નથી, પરંતુ વિપક્ષ તેમને નિશાન બનાવી શકે છે. આ જ પ્રકારે કોર્ટે ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન, પરંતુ હાલ રાજસ્થાનના ગવર્નરપદે બિરાજતા કલ્યાણ સિંહને તેમના બંધારણીય અધિકારને નજરમાં રાખીને હાલ તો કાનૂની કાર્યવાહીમાંથી બાકાત રખાયા છે, પરંતુ વિપક્ષે નૈતિક્તાના મુદ્દે તેમના રાજીનામાની માગ શરૂ કરી દીધી છે. આમ આ ચુકાદા સાથે ઉઠેલા રાજકીય વમળો ભાજપના દિગ્ગજ નેતાઓની કારકિર્દીને ડગમગાવી શકે છે.
અડવાણીને રામ રથયાત્રા વેળા જેલમાં બંધ કરનારા લાલુ પ્રસાદ યાદવે તો વળી એવું નિવેદન કરીને ભાજપમાં પલિતો ચાંપવા પ્રયાસ કર્યો છે કે નરેન્દ્ર મોદી સરકાર જ ઇચ્છતી હતી કે આ કેસ ફરી સક્રિય થાય અને અડવાણી સહિતના નેતાઓ ફરી કાનૂની ચક્કરમાં ફસાય. આગામી મહિનાઓમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે અને તેમાં અડવાણી તથા જોશી ટોચના દાવેદાર છે. હવે આ કેસ ફરી શરૂ થતાં અડવાણી અને જોશીનું તો સ્પર્ધામાંથી પત્તું જ કપાઇ જશે. બીજો એક વર્ગ એવું માને છે કે આ ચુકાદાથી વડા પ્રધાન મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ માટે ભાવતું’તું ને વૈદ્યે કહ્યું તેવો ઘાટ થયો છે. સર્વોચ્ચ અદાલતે અડવાણી સહિતના તમામ નેતાઓ સામેની ટ્રાયલ બે વર્ષમાં પૂરી કરવા આદેશ આપ્યો છે. મતલબ કે હવે બે વર્ષ સુધી આ કેસ અવારનવાર અખબારોમાં ચમકતો રહેશે.
બે વર્ષ પછી કેસનો ચુકાદો આવશે ત્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો હશે. આમ ભાજપ માટે - ઉત્તર પ્રદેશની જેમ જ - રાષ્ટ્રીય સ્તરે પણ વિકાસ અને હિન્દુત્વના સમન્વયની સકસેસ ફોર્મ્યુલા લાગુ કરવાનો માર્ગ મોકળો થઇ જશે. આ કેસના નામે રામમંદિર મુદ્દો ચર્ચાતો રહે તે ભાજપના હિતમાં જ છે. ચુકાદો અડવાણી, જોશીની તરફેણમાં આવે કે વિરુદ્ધમાં, ભાજપ લાભમાં રહેશે એટલું નક્કી છે.