બિહારમાં નીતિશ કુમાર અને લાલુ પ્રસાદની લડાઇમાં આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. વિધાનસભાની આગામી ચૂંટણી જનતા પરિવારના નેજામાં લડાશે અને નીતિશ કુમાર મુખ્ય પ્રધાન પદના સંયુક્ત ઉમેદવાર હશે. છેલ્લા એક મહિનાથી મુખ્ય પ્રધાન પદના નામ માટે ખેંચતાણ ચાલતી હતી. આખરે લાલુ પ્રસાદ ઝૂક્યા અને નીતિશનું નામ જાહેર થયું. મતલબ કે જનતા દળ (યુ) અને રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) કોઈ પણ ભોગે મતોનું વિભાજન રોકવા માગે છે. સમાજવાદી પાર્ટી (સપા)ના વડા મુલાયમ સિંહ યાદવે કરેલી મધ્યસ્થી દર્શાવે છે કે બિહારની આગામી ચૂંટણી જનતા પરિવારનાં ઘટકોના અસ્તિત્વની દૃષ્ટિએ કેટલી મહત્ત્વની છે. નીતિશે સ્પષ્ટ કર્યું છે તે પ્રમાણે ગઠબંધનમાં કોંગ્રેસ પહેલેથી જ છે. આમ, ચૂંટણીમાં ભાજપનું નેતૃત્વ કરતો એનડીએ અને આ ગઠબંધન સીધા ટકરાશે.
જનતા પરિવારના ગઠબંધનમાં સહુ કોઇ પોતપોતાનો સ્વાર્થ વિચારીને જોડાયા છે. બિહારમાં જનતા દળ (યુ) અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણીમાં ઝંપલાવે તેવું જણાતા લાલુ પ્રસાદને એકલા પડી જવાનો ભય પેઠો હતો. આથી તેમણે નીતિશને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકાર્યા. કોંગ્રેસની ગણતરી કંઇક એવી જણાય છે કે બિહારમાં જો ભાજપ હારે તો જોડાણના મુખ્ય ભાગીદારો જનતા દળ (યુ) અને રાજદને સત્તા મળે અને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનું સ્થાન કંઇક મજબૂત થાય. મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર મુલાયમ સિંહને એવી આશા છે કે જો બિહારમાં નીતિશ-લાલુને સત્તા મળે તો ૨૦૧૭માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષનો જુસ્સો વધે અને ભાજપને બરાબરની ટક્કર આપી શકાય. ટૂંકમાં, જનતા દળ (યુ), રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવા સજ્જ થઇ રહ્યા છે કેમ કે દરેકને પોતાનું અસ્તિત્વ ટકાવવું છે. વૈચારિક મતભેદ ધરાવતા આ પક્ષો માત્ર એક જ મુદ્દે સંમત છે - કોઇ પણ ભોગે ભાજપની વિજયકૂચ રોકવી છે. પરંતુ આ વરિષ્ઠ નેતાઓ કદાચ એ ભૂલી ગયા છે કે માત્ર એક જ મુદ્દાથી ચૂંટણી જીતવી શક્ય નથી. આ માટે તેમણે મતદારોને પોતાની મજબૂત એકતાની ખાતરી કરાવીને તેમનો વિશ્વાસ હાંસલ કરવો પડશે. મુખ્ય પ્રધાન પદના ઉમેદવારના નામની પસંદગી માટે એક મહિનો ચાલેલી ખેંચતાણે મતદારોને એવું માનવા પ્રેર્યા છે કે આ તો સત્તા માટેની જ સાંઠગાંઠ છે. ચૂંટણી ભલે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં હોય, તેમણે લોકોનો વિશ્વાસ જીતવા અત્યારથી કમર કસવી પડશે.