બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન બશીરે ૧૯૯૫માં જૂઠાં અને બનાવટી દસ્તાવેજોનો સહારો લઈ પ્રિન્સેસ ઓફ વેલ્સ, લેડી ડાયેનાનો વિસ્ફોટક ઈન્ટરવ્યૂ લીધો હોવાનો રહસ્યસ્ફોટ થવા સાથે બીબીસીની પ્રતિષ્ઠા હચમચી ગઈ છે. બશીરે સ્વીકાર્યું છે કે દસ્તાવેજો ઉભા કરવા તે મૂર્ખતા હતી પરંતુ, ઈન્ટરવ્યૂ આપવાના ડાયેનાના નિર્ણય સાથે તેને કશો સંબંધ નથી.
આટલું જ નહિ, આ શરમજનક ઈન્ટરવ્યૂ પ્રકરણમાં બીબીસીના સંચાલકો કે વહીવટકારો દ્વારા જે રીતે ૨૫ વર્ષ સુધી છળકપટનો ઢાંકપીછોડો કરાતો રહ્યો તેનાથી સંસ્થાની ગરિમા અને વિશ્વસનીયતા પર કુઠારાઘાત થયો છે.
બીબીસીના શરમજનક અભિગમની ભારે ટીકાઓ થઈ રહી છે. આ પ્રકરણ સાથે એક રીતે સંકળાયેલા શાહી પરિવારે પણ આકરી ટીકા કરી છે. પ્રિન્સેસ પર જાસૂસી થઈ રહી છે અને રોયલ ફેમિલી દ્વારા જાસૂસોને નાણા ચૂકવાય છે તેવા બનાવટી બેન્ક સ્ટેટમેન્ટ્સ બશીરે અર્લ સ્પેન્સરને દર્સાવ્યા હતા અને અર્લે બશીરનો સંપર્ક પ્રિન્સેસ સાથે કરાવી આપ્યો હતો.
બશીર સાથેના આ ઈન્ટરવ્યૂમાં પ્રિન્સેસ ડાયેનાએ પ્રિન્સ ચાર્લ્સ સાથે પોતાના લગ્નની નિષ્ફળતા, લગ્નેતર સંબંધો સહિત રોયલ ફેમિલીના અનેક રહસ્યો જાહેર કર્યા હતા. આ ઈન્ટરવ્યૂથી ડાયેનાના શાહી પરિવાર સાથે રહ્યાંસહ્યાં સંબંધો પણ નષ્ટ થયા હતા. વર્ષો સુધી જે રોયલ સપોર્ટ માળખાએ ડાયેનાને માર્ગદર્શન આપવા સાથે સલામતી બક્ષી હતી તેનો ઈન્ટરવ્યૂ પછી અંત આવ્યો તેમ પણ કહી શકાય
બીબીસીએ આ પ્રકરણમાં પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી ઉપરાંત, પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયેનાના ભાઈ અર્લ સ્પેન્સરની લેખિત માફી માગી છે. આ ઈન્ટરવ્યૂના પરિણામે બીબીસીને ૧૯૯૬માં TV Bafta સહિત જે પણ પત્રકારત્વના એવોર્ડ્ઝ મળ્યા હતા તે પણ પરત કરવાની ખાતરી ઉચ્ચારી છે. પરંતુ, ‘બુંદ સે ગઈ હોજ સે નહીં આતી’, જે બનવા દેવાયું છે તેને બીબીસી કદી સુધારી શકશે નહિ. રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાના નેશનલ બ્રોડકાસ્ટરના દાવાને સુધારી ન શકાય તેવું નુકસાન પહોંચ્યું છે તે હકીકત છે. જેના ભંડોળ થકી બીબીસી ચાલે છે અને સેવા આપવાનો દાવો કરે છે તે પ્રજાને છેતરવામાં તેણે જરા પણ બાકી રાખ્યું નથી. બીબીસીના માંધાતાઓને તગડા પગારો આપવા માટે ગરીબ પ્રજા અને સીનિયર સિટિઝન્સ પાસેથી ઊંચી લાયસન્સ ફી વસૂલવામાં આવે છે ત્યારે બીબીસી નીતિમત્તા, પ્રોફેશનલ અને એડિયોરિયલના સ્તરે સરિયામ નિષ્ફળ રહેવા સાથે જવાબદારી અદા કરવામાં સંપૂર્ણપણે ઉણી ઉતરી છે.
બીબીસીની કામગીરીમા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ લોર્ડ ડાયસનના અહેવાલમાં લેડી ડાયેનાના ‘છળકપટપૂર્ણ’ ઈન્ટરવ્યૂની આકરી ટીકા કરી છે. જજે સ્પષ્ટ કર્યું છે કે બીબીસી પોતાના મુદ્રાલેખ સમાન ‘પારદર્શિતા અને સચ્ચાઈના ઉચ્ચતમ માપદંડો’ જાળવવામાં ઉણું ઉતર્યું છે. બીબીસીએ આ ઘટનામાં જે આંતરિક તપાસ હાથ ધરી હતી તે પણ ઘણાં છીંડાના કારણે પરિણામશૂન્ય રહી હતી.
રાજાશાહી અને બીબીસી બ્રિટિશ રાષ્ટ્રના મહત્ત્વના સ્થંભો છે. બંને કપરા કાળ અને તીવ્ર આલોચનામાંથી પસાર થઈ રહ્યા છે. આમ છતાં, રાજાશાહી આનો સામનો કરીને બહાર આવી જશે પરંતુ, બીબીસી માટે આ શક્ય બનશે કે કેમ તે યક્ષપ્રશ્ન છે. પત્રકારત્વ ફોર્થ એસ્ટેટ અથવા સ્થંભ ગણાય છે. સનસનાટી ફેલાવવા માટે ઈન્વેસ્ટિગેટિવ અથવા પીળાં પત્રકારત્વના નામે જે દૂષણો ચાલી રહ્યા છે તેનાથી નિષ્પક્ષ પત્રકારત્વને ભારે લાંછન લાગ્યું છે.