મધ્ય-પૂર્વમાં આવેલા સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સામે મોરચો મંડાયો ત્યારે કોઇને કલ્પના સુદ્ધાં નહીં હોય કે આતંકવાદ સામેનો આ જંગ એક દિવસ આ હદે વરવું સ્વરૂપ ધારણ કરશે અને આ પ્રદેશ વિશ્વની બે મહાસત્તાઓ માટે યુદ્ધનું મેદાન બની જશે. અમેરિકા - રશિયાની હુંસાતુંસીએ આ પશ્ચિમ એશિયન દેશમાં એવો લોહિયાળ માહોલ રચ્યો છે કે તેમાંથી વધુ એક વૈશ્વિક યુદ્ધનો ખતરો સર્જાયો છે. આઇએસ સામેનો આ જંગ હવે અલગ અલગ દેશોના અલગ અલગ સત્તાના સમીકરણોના લીધે આંતરિક સંઘર્ષમાં પરિણમી રહ્યો છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનો સીરિયા પર મિસાઇલ હુમલો દુનિયા માટે ખતરાની ઘંટડી સમાન છે. આ હુમલાના વિરોધમાં રશિયા ખુલ્લેઆમ સીરિયાના સમર્થનમાં આગળ આવ્યું છે તે વળી આનાથી પણ વધુ ગંભીર ખતરાનો સંકેત છે. સીરિયા-રશિયા બળવાખોરોને નાથવાના નામે કેમિકલ વેપન વાપરે છે તો અમેરિકા તથા તેના મિત્રો સીરિયા-રશિયાને પાઠ ભણાવવા મિસાઇલમારો ચલાવે છે. અશાંત માહોલ છતાં આ વિસ્તારમાં હજુ એવા અનેક લોકો વસી રહ્યા છે જેઓ ઉપર આભ અને નીચે ધરતીની સ્થિતિમાં જીવન વીતાવી રહ્યા છે. યુદ્ધ જેવા માહોલથી તેમની હાલત કફોડી થઇ છે. ગયા વર્ષે પણ સીરિયામાં આવા જ રાસાયણિક હુમલા સમયે અમેરિકાએ વળતો મિસાઇલ હુમલો કર્યો હતો, પરંતુ આ વખતે માહોલ વધુ તનાવપૂર્ણ જણાય છે.
આંતરાષ્ટ્રીય રાજદ્વારી બાબતોના નિષ્ણાતો માને છે કે અમેરિકા ભલે ગાણું ગાય કે તેણે સીરિયામાં રાસાયણિક શસ્ત્રોના ઉપયોગના વિરોધમાં મિસાઇલ દાગ્યા છે, પરંતુ ખરેખર તો આ હુમલા થકી તે રશિયા અને ઈરાનને સીરિયાથી દૂર રહેવાનો સંદેશ આપવા માગે છે. ઇસ્લામિક સ્ટેટનો ઉદભવ થયો ત્યારથી અમેરિકા સીરિયામાં રશિયા-ઈરાનની લશ્કરી કાર્યવાહીના વિરોધમાં છે. અમેરિકા નહોતું ઇચ્છતું કે ઇસ્લામિક સ્ટેટના આતંકનો ખાત્મો કરવાના બહાને રશિયા-ઈરાન જેવા દેશો સીરિયામાં પગદંડો જમાવે. પરંતુ સીરિયન પ્રમુખ બશર અલ અસદે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું. અસદે પોતાની સત્તા ટકાવવા - અને બળવાખોરોને નાથવા - માટે રશિયા અને ઈરાનની ભરપૂર મદદ લીધી. સીરિયામાં રશિયા અને ઈરાનનું પ્રભુત્વ વધ્યું હોવાની વાત અમેરિકાને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. આ દરમિયાન સીરિયામાં કથિત રાસાયણિક શસ્ત્રોના ઉત્પાદન અને તેના ઉપયોગનો અહેવાલ મળતાં જ અમેરિકાને બહાનું મળી ગયું. તેણે મિત્ર રાષ્ટ્રોની મદદથી સીરિયા પર મિસાઇલ હુમલો કરી દીધો.
જો અમેરિકાનો દાવો માનવામાં આવે તો બશર અલ અસદની સેનાએ સીરિયામાં એક વાર નહીં, પણ ૫૦ વાર કેમિકલ હુમલા કર્યા છે અને તેમાં અસદની સેનાનો જ હાથ છે. રાસાયણિક શસ્ત્રોના ઉપયોગ પર દુનિયાભરમાં પ્રતિબંધ છે ત્યારે અસદના પાપે સીરિયામાં સાત વર્ષથી આવા હુમલાનો સિલસિલો ચાલે છે. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)ની બેઠકમાં અમેરિકન રાજદૂત નીકિ હેલી અને રશિયન રાજદૂત વચ્ચેની આક્રમક ચર્ચા દરમિયાન આ વાત બહાર આવી હતી. હેલીએ કહ્યું હતું કે રશિયાએ તેના વચનો પાળ્યા હોત તો સીરિયામાં કેમિકલ હુમલા થયા જ ના હોત. બીજી કેટલીક માનવાધિકાર સંસ્થાઓએ દાવો કર્યો હતો કે સીરિયાએ તેની ધરતી પર ૫૦ વખત નહીં, પણ ૨૦૦ વખત રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે
અને આ હુમલામાં સીરિયાને સાથી દેશોએ પણ સાથ આપ્યો છે.
સીરિયામાં મિસાઇલ હુમલા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમિરાત, કતાર અને ઇજિપ્ત જેવા અમારા મિત્ર રાષ્ટ્રોનો પ્રયાસ છે કે આઇએસના ખાત્માનો લાભ ઇરાન જેવા દેશને ના મળે. અમેરિકા તેની સેના સીરિયામાં રાખવા નથી ઇચ્છતું, પરંતુ રશિયા અને ઇરાન જેવા દેશો સીરિયામાંથી તેમના સૈનિકો પાછા ખેંચી લે તેની અમે રાહ જોઇ રહ્યા છીએ. પીછેહઠની પહેલ અમેરિકા કરે છે, રશિયા કરે છે કે ઇરાન કરે છે એ તો સમય કહેશે, પણ અત્યારે તો સીરિયાની તંગદિલીએ - ભારત જેવા મુઠ્ઠીભર દેશોને બાદ કરતાં - વિશ્વને બે ભાગમાં વહેંચી નાંખ્યું છે. એક જૂથ અમેરિકાની પડખે જોવા મળે છે તો બીજું તેની વિરુદ્ધ. અલગ અલગ દેશોની જૂથબંધી દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતી હોવાની દહેશત સર્જાઇ છે. એક તરફ, રશિયાએ પોતાના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા ચેતવણી આપીને તેનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે. તો બીજી તરફ અમેરિકા જરૂર પડ્યે સીરિયા પર ફરી મિસાઇલ હુમલો કરવાના હાકોટા-પડકારા કરી રહ્યું છે. આ ખેંચતાણ વૈશ્વિક શાંતિને ભરખી ન જાય તો સારું.