બ્રિટિશ પોલીસની અશોભનીય કાર્યવાહી

Wednesday 17th March 2021 02:52 EDT
 

માર્કેટિંગ એક્ઝિક્યુટિવ સારાહ એવરાર્ડનાં અપહરણ અને હત્યામાં ખુદ પોલીસ ઓફિસરની સંડોવણી બહાર આવે ત્યારે બ્રિટિશ નાગરિકો અને ખાસ કરીને મહિલાઓનો રોષ બહાર નીકળી આવે તે સ્વાભાવિક છે. સારાહની યાદમાં આયોજિત વિજિલ-જાગરણ દરમિયાન મેટ્રોપોલીટન પોલીસના દુર્વ્યવહારથી ‘રક્ષક જ ભક્ષક બન્યા’ની લાગણી બળવત્તર બની છે. રવિવારે હજારો લોકો પોલીસ કાર્યવાહીના વિરોધમાં લંડનની શેરીઓમાં ઉતરી આવ્યા હતા. અનેક સ્થળોએ પોલીસ મહિલા દેખાવકારોને ઢસડીને લઈ જતી અને તેમની ધરપકડ કરી હોવાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.
બીજી તરફ, જે દેશના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ કહેતાં હોય કે સૂમસામ શેરીમાં પાછળથી આવનારાના પગલાં સાંભળવાનો ભય હું સુપેરે જાણું છું તો આ મુદ્દે પોલીસ અને સરકારની નિષ્ક્રિયતા જ છતી થાય છે. હોમ સેક્રેટરીએ સારાહ એવરાર્ડની હત્યા પછી લેવાયેલા સર્વેમાં આશરે ૭૮,૦૦૦ મહિલાઓએ પુરુષો દ્વારા હિંસા અને કનડગતના પોતાના અનુભવોમાં લોકોને સહભાગી બનાવ્યાંનું કહ્યું છે પરંતુ, આ પછી પણ લોકડાઉન નિયંત્રણો અમલમાં છે ત્યારે સારાહની પાછળ જાગરણો કે દેખાવોમાં ભાગ નહિ લેવાની સલાહ પણ આપી છે. આટલી મોટી સંખ્યામાં મહિલાઓ પોતાની આપવીતી કે વ્યથા જણાવવા આગળ આવી છે ત્યારે સ્ત્રીઓ અને છોકરીઓ સામે હિંસા અને હેરાનગતિની સમસ્યાનું નિરાકરણ લાવવાની સરકારની રણનીતિ ઘડવામાં અવશ્યપણે અસર ઉભી કરી શકશે.
કોઈ પણ વિરોધ આંદોલનો કે દેખાવો શાંતિપૂર્ણ અથવા ગાંધીચીંધ્યા માર્ગે થતાં રહે તેમાં કોઈ અડચણ ન હોવી જોઈએ. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચોરા ખાતે ફેબ્રુઆરી ૧૯૨૨માં અસહકારની લડતના ભાગ લેનારાઓને અટકાવવા પોલીસે ગોળીબાર કર્યો હતો. આનો બદલો લેવા દેખાવકારોએ કર્મચારીઓ સાથેના પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી. કોઈ પણ સાચું ધ્યેય પાર પાડવાના સાધનો પણ સાચાં અને પવિત્ર રહેવા જોઈએ તેમ દૃઢપણે માનતા અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીને આની જાણ થતાં જ અસહકાર આંદોલન અટકાવી દીધું હતું.
આ જ રીતે નમક પર કર લાદતા કાળા કાયદાને તોડવા ગાંધીજીએ ૧૯૩૦ની ૧૨ માર્ચે પગપાળા દાંડીકૂચ આરંભી હતી જે ૨૪ દિવસ ચાલી હતી. નવસારી નજીક દાંડી ખાતે ગાંધીજીએ નમક લઈને કાયદો તોડ્યો ત્યારે પણ પોલીસ દ્વારા સત્યાગ્રહીઓ પર લાઠીચાર્જ કરાયો હતો. આ સંદર્ભે ભારતમાં ૧૦૦થી વધુ દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને પણ યાદ કરી શકાય. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ આંદોલનકારો સામે પગલાં લઈ શકે તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે પરંતુ દેશવાસીઓ વિરુદ્ધ બળપ્રયોગ કરવો કેટલા અંશે યોગ્ય ગણાવી શકાય? સામા પક્ષે આંદોલનકારોએ પણ દેશની આન અને શાનની વિરુદ્ધ હોય તેવાં પગલાંથી દૂર રહેવું જોઈએ.
સારાહના કમોતના પગલે ‘કન્સલ્ટેશન ઓન વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન’ ફરી ખોલવામાં આવ્યું છે ત્યારે સમગ્ર દેશની મહિલાઓ, જાગૃત નાગરિકો અને સંસ્થાઓએ જાતીય હેરાનગતિ, ઘરેલુ અને ઓનલાઈન હિંસા અને શોષણ વિરુદ્ધ કડક કાયદા અને તેના અમલપાલનના સૂચનો સાથે આગળ આવવું જરુરી અને હિતાવહ છે.
પીડિતાને ન્યાય અપાવવાની સાથે દેશમાં મહિલાઓ માટે સલામત વાતાવરણની જરૂરિયાતની માગણી કરવાની બાબત જરા પણ અસ્થાને નથી. સ્ત્રીઓને સ્વસુરક્ષાનો અધિકાર છે. આમ છતાં, દેશમાં કોરોના સંબંધિત લોકડાઉનના નિયંત્રણો અમલમાં હોય ત્યારે તેનું પાલન કરવું પણ આવશ્યક છે. આટલી મોટી સંખ્યામાં લોકસમૂહ વિરોધ કરવા પણ એકત્રિત થાય ત્યારે કોરોના સંક્રમણની ચિંતા વધી જવી સ્વાભાવિક છે. આથી જ વડા પ્રધાન અને હોમ સેક્રેટરીએ પોલીસનો પક્ષ લઈ લોકોને હાલ જાગરણો અને દેખાવોથી દૂર રહેવા સલાહ આપી છે.
પોલીસ કાર્યવાહીના બચાવનો જરા પણ ઈરાદો નથી પરંતુ, સરકાર તેમનો પ્યાદા તરીકે રાજકીય ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપો સાથે પોલીસ ઓફિસર્સ પણ હતાશ છે. લોકોનું રક્ષણ કરવાનો પ્રયાસ કરતા પોલીસ અધિકારીઓ માટે લોકડાઉન દરમિયાન પોલીસીંગ કરવું ભારે મુશ્કેલ બની રહ્યું છે. જો તેઓ કાર્યવાહી કરે તો પણ તકલીફ અને ના કરે તો પણ તકલીફ રહે છે. આમ છતાં અસામાન્ય કારણોથી રોષે ભરાયેલા સામાન્ય નાગરિકો સાથે બળજબરી કે ખરાબ વ્યવહાર બ્રિટિશ પોલીસ માટે જરા પણ શોભાસ્પદ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter