બંધારણીય રાજાશાહી કમ લોકશાહી વ્યવસ્થા ધરાવતા બ્રિટનમાં શાહી પરિવારમાં સર્જાયેલા વિવાદે નવા પ્રશ્નો ખડા કર્યા છે. આમ તો કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વહાલું હોય છે. પરંતુ, બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય માટે તેમના પૌત્ર પ્રિન્સ હેરીએ શાહી પરિવારની સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું વર્તન કર્યું હોવાની ભારે વ્યથા સર્જી છે. બ્રિટનનું કોઈ લેખિત બંધારણ નથી પરંતુ, પરંપરા અને મૂલ્યોનું જતન કરવાની વિશેષતા છે.
ક્વીનના પૌત્ર હેરી અને તેમની પત્ની મેગન મર્કેલ બ્રિટિશ શાહી પરિવારથી અલગ થઇ ચુક્યા છે. આમ શાથી થયું હશે તે યક્ષપ્રશ્ન છે. બ્રિટિશ શાહી પરિવાર ચોક્કસ વ્યવસ્થા હેઠળ જીવન જીવે છે. હેરી શાહી પરિવારનો છે અને પરિવારની રીતરસમો બરાબર જાણે છે અને અત્યાર સુધી નિભાવી પણ છે. જોકે, અમેરિકન અભિનેત્રી અને લોકપ્રિય મોડેલમાંથી શાહી પરિવારમાં પુત્રવધુ તરીકે પ્રવેશેલી મેગન મર્કેલ માટે શાહી ફરજંદ સાથેના લગ્ન જાણે તેની સ્વતંત્રતા પર કાપ મૂકાયો હોય તેવા બની રહ્યા છે. મેગનને શાહી જીવનના ચોકઠામાં જીવવું ભારેખમ લાગતું હોઈ તેણે આર્થિક સ્વતંત્રતા હાંસલ કરવા શાહી દરજ્જા કે મોભાને છોડવાનું પસંદ કર્યું છે અને પ્રિન્સ હેરીએ મને કમને પણ પત્ની મેગનને સાથ આપ્યો છે. હેરી અને મેગને ખુદ રોયલ ફેમિલી સાથે છેડો ફાડવાનો નિર્ણય કરી અમેરિકામાં રહેવાનું પસંદ કર્યું છે
એક વર્ષ અગાઉ, સસેક્સ દંપતીએ શાહી પરિવારના સીનિયર સભ્યો તરીકેની કામગીરી છોડવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે પણ ક્વીને ઘણા મનામણા કર્યાં હતાં પરંતુ, હેરી અને મેગનને નાણા કમાવામાં વધુ રસ હોવાનું સ્પષ્ટ જણાયું હતું. આમ છતાં, તેમને નિર્ણય બદલવામાં એક વર્ષનો સમય અપાયો હતો. આ પછી પણ હેરી અને મેગને તેઓને શાહી પ્રતિષ્ઠામાં કોઈ રસ હોવાનું જણાવતા ક્વીને તેમને શાહી ટાઈટલ્સ અને સેવાકીય ભૂમિકાઓથી બેદખલ કરવાની ફરજ પડી છે. સામાન્ય શિષ્ટાચાર અનુસાર ક્વીનના નિવેદનનો પ્રત્યુત્તર વાળવો એ પરંપરાની વિરુદ્ધ ગણાય છે ત્યારે પણ હેરી અને મેગને તેમને વિશ્વમાં સેવા કરવાની ઘણી તક મળી રહેશે તેવા મતલબનો ઉત્તર વાળતા ક્વીનને પણ ખોટું લાગે તે સ્વાભાવિક છે. ક્વીન અને શાહી પરિવારના વરિષ્ઠ સભ્યો આ ભાગલાથી દુઃખી છે પરંતુ, ક્વીન પહેલાથી જ સ્પષ્ટ હતા કે સસેક્સ દંપતીની માગણી અનુસાર ‘અડધા અંદર, અડધા બહાર’નું મોડલ ચાલી શકે નહિ.
વર્તમાન સંજોગોને ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડા રે લોલ’ સાથે સરખાવીએ તો ખોટું નહિ ગણાય કારણકે યુએસની ચેટ શો ક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથે જાહેર મુલાકાતનું પ્રસારણ કરાવા સાથે શાહી પરિવારની ચટપટી વાતો અને કથાઓ બહાર આવે તેવી સંપૂર્ણ શક્યતા છે. બ્રિટિશરોમાં ક્વીન પ્રત્યે અપાર સ્નેહ અને આદર છે. જો વિન્ફ્રે સાથે મુલાકાતમાં અજુગતી વાતોના વટાણા વેરાશે તો બ્રિટિશ પ્રજા પણ સસેક્સ દંપતીને માફ નહિ કરે.