ગત પાંચ વર્ષથી બ્રેક્ઝિટના મુદ્દે સમગ્ર યુરોપના રાજકારણમાં હલચલ ચાલી રહી હતી ત્યારે આખરે બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક બ્રેક્ઝિટ વેપાર સમજૂતી શક્ય બનતા મડાગાંઠનો ઉકેલ આવ્યો છે. ૩૧ ડિસેમ્બરે બ્રેક્ઝિટ ટ્રાન્ઝીશન પીરિયડ પૂરો થયો અને નવા વર્ષની શરુઆત થવા સાથે બ્રિટન અને ઈયુના સંબંધોમાં ભારે પરિવર્તન આવી જશે. ઈયુ અને યુકે સાથે રહેવાં છતાં સાથે ન હોય તેવી પરિસ્થિતિમાંથી પસાર થશે. કોઈ પણ સંધિ કે સમજૂતી ‘ગીવ એન્ડ ટેક’ના સિદ્ધાંત પર રચાય છે. ઈયુ અને બ્રિટને પણ માગણીઓ કે આગ્રહોમાં નાનીમોટી બાંધછોડ કરવી પડી છે પરંતુ, ‘ઘીના ઠામમાં ઘી ઢળ્યું’ એમ અવશ્ય કહી શકાય. એક સમય એવો પણ હતો કે યુકે કોઈ સમજૂતી વિના પણ ઈયુમાંથી બહાર નીકળવા તૈયાર હતું પરંતુ, કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના અર્થતંત્રોની હાલત એટલી ખરાબ કરી નાખી છે કે થોડીઘણી છૂટછાટ આપીને પણ ઈયુના ૪૫૦ મિલિયન ગ્રાહકોનો સાથેના સિંગલ માર્કેટમાં ટકી રહેવા વેપાર સમજૂતી સાથે ઈયુને છોડવું યુકેને વધુ હિતાવહ લાગ્યું હતું. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ પરિસ્થિતિ સ્વીકારી લીધી છે તે સર્વથા યોગ્ય કહી શકાય.
કોઈ પણ જૂથ કે સમૂહ હોય તેમાં સ્વતંત્રતાની વાત આવે ત્યારે થોડો ઘણો વિવાદ કે વિખવાદ થતો જ હોય છે જે આખરે વિભાજન તરફ દોરી જાય છે. યુરોપિયન યુનિયન (ઈયુ) સાથે યુકેના સંબંધોમાં પણ આમ જ થયું છે. ઈયુ જૂથના ૨૭ દેશો દરેક પરિસ્થિતિમાં એકબીજા સાથે ખડાં રહે છે. વાત વિકાસ, આર્થિક હિતો કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ મુદ્દાની રજૂઆતની હોય, આ તમામ દેશો એક સ્વરમાં જ બોલતા હોય છે. ઈયુના મુદ્દે બ્રિટન હંમેશા મુંઝવણમાં રહ્યું છે. મુક્ત વેપારનો લાભ લેવા બ્રિટન તત્પર હોવાં સાથે નીતિનિર્ણય બાબતે પોતાનું નિયંત્રણ કે સાર્વભૌમત્વ ગુમાવવા જરા પણ તૈયાર ન હોતું. ઈયુએ ગત વર્ષો દરમિયાન કરેલી ૪૦ આંતરરાષ્ટ્રીય સમજૂતીઓથી યુકે બંધાયેલું છે પરંતુ, આ સમજૂતી પછી બ્રિટન ઈયુ મારફત જાપાન અને મેક્સિકો સાથે થયેલા સોદા જેવા કેટલાક સોદાઓને ખતમ કરી શકશે.
ગત વર્ષોમાં બ્રિટિશ નાગરિકો અને રાજકારણીઓને એમ લાગ્યું કે એક યુગમાં સમગ્ર યુરોપમાં તેમની ધાક અને બોલબાલા હતી પરંતુ, હવે યુરોપ ઉપર જર્મની અને ફ્રાન્સે વર્ચસ્વ જમાવી દીધું છે અને આ બંને દેશો મળીને જ યુરોપીય સંઘનું સંચાલન કરે છે અને બ્રિટનનો કોઈ ભાવ પણ પૂછતું નથી. માનવાધિકાર અને શરણાર્થીઓને આશ્રય આપવા તેમજ યુરોપીય કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા બ્રિટિશ કાયદાઓના અર્થઘટનના મુદ્દે પણ બ્રિટનમાં નારાજગી હતી. આ લાગણી બળવત્તર થતાં ઈયુ સાથે જોડાયેલા રહેવું કે બહાર નીકળવું તે મુદ્દે તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરને ૨૩ જૂન, ૨૦૧૬ના રોજ રેફરન્ડમ યોજતા બાવન ટકા લોકોએ ઈયુથી જુદાં થવાની તરફેણમાં મતદાન કર્યું હતું. કેમરન ખુદ અલગ થવાની વિરુદ્ધ હતા પણ બ્રિટિશ જનતાએ તેમને મોટો આંચકો આપ્યો અને તેમણે પદત્યાગ કરવાની ફરજ પડી હતી. બ્રેક્ઝિટે તેમના અનુગામી થેરેસા મેનો પણ ભોગ લીધો અને વર્તમાન વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સફળતા મેળવી શક્યા છે. બીજી તરફ, એમ પણ કહેવાય છે કે ૨૦૨૧માં નિવૃત્ત થનારાં જર્મનીના ચાન્સેલર અને ઈયુના વાસ્તવિક શક્તિશાળી નેતા એન્જેલા ડોરોથીઆ મર્કેલે બ્રેક્ઝિટ ડીલ શક્ય બનાવવા ફ્રાન્સના પ્રમુખ મેક્રોં સહિતના નેતાઓને સમજાવ્યા હતા.
મુશ્કેલી માત્ર યુકેને જ હતી એવું નથી. યુરોપિયન કમિશનના જર્મન પ્રમુખ ઉર્સુલા વોન ડેર લીયેન અને સમગ્રતયા ઈયુ માટે પણ આ વર્ષ ૨૦૨૦ મુશ્કેલ જ હતું. મહામારીના કારણે સૌથી અસરગ્રસ્ત સભ્ય દેશોને મદદ કરવા વાઈરસ રીકવરી ફંડ અને સાત વર્ષના નવા બજેટમાં સાધાં સાંકળવાની મુશ્કેલી હતી. આંતરરાષ્ટ્રીય સમસ્યા પણ હતી. આવા સંજોગોમાં બોરિસ જ્હોન્સનના યુકે સાથે વેપાર સમજૂતી કરવી તે તેમના જ લાભમાં હતું. યુરોપ અને નાટો સાથે હિતસંબંધ ધરાવતા જર્મની માટે બ્રિટનનું મહત્ત્વ વિશેષ જ છે તેથી તેને નારાજ કરવું પણ ઈયુને પોસાય તેમ ન હતું.
વર્તમાન યુરોપ આજે ભલે ૨૭ દેશનો નોંધપાત્ર સમૂહ બન્યો છે પરંતુ, યુરોપની એકતામાં બ્રિટનનું યોગદાન અવગણી શકાય નહિ. ક્રીમિયન વોર (૧૮૫૩-૫૬)માં બ્રિટનની પહેલરુપ ટેલિગ્રાફી, ફોટોગ્રાફી, રેલવે, સ્ટીમશિપ્સ, સેનેટરી હોસ્પિટલ્સ સહિત ટેકનોલોજીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઓટોમાન એમ્પાયર –તુર્કી સહિત યુરોપ પર પોતાનું આધિપત્ય જમાવવા રશિયાએ કરેલા આક્રમણ સામે ફ્રાન્સ, સારડિનિયા અને બ્રિટને સંયુક્ત યુદ્ધ છેડ્યું હતું. મિત્રદળો સામે રશિયાની હાર થઈ અને યુરોપ તેનો કોળિયો થઈ જતાં બચ્યું હતું. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધોમાં પણ જર્મની સહિત યુરોપના કેટલાક દેશોને નાથવામાં બ્રિટનનું યોગદાન રહ્યું હતું. જર્મનીએ પોલેન્ડ અને ફ્રાન્સ પર કબ્જો જમાવ્યો હતો પરંતુ, બ્રિટને તેમને સકંજામાંથી છોડાવ્યા હતા. ૧૯૬૦ના ગાળામાં પૂર્વ અને પશ્ચિમ જર્મનીના એકીકરણમાં પણ બ્રિટનની ભૂમિકા રહી છે.
આ સમજૂતીનો અર્થ એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટન અને યુરોપીય દેશો વચ્ચે સહયોગની લાંબી પરંપરાથી કોઇ સમસ્યા કે વિવાદ વિના બંને પક્ષો અલગ થયા પછી પણ મધુર સંબંધ જાળવી શકશે અને તેમની વચ્ચે વેપારનો સરળ માર્ગ પણ ખુલ્લો રહેશે. બંને પક્ષો વચ્ચે ઝીરો ટેરિફ, ઝીરો ક્વોટાના ધોરણે સમજૂતી થયાથી તેમની વચ્ચે વેપાર પણ સરળતાથી ચાલતો રહેશે. જોકે, સમજૂતીના અમલીકરણ માટે ઈયુ અને યુકેની સંસદમાં તેને પસાર કરાવવી આવશ્યક છે અને વર્તમાન સંજોગોમાં કોઈ પક્ષ માટે મુશ્કેલી જણાતી નથી. યુકેમાં વિપક્ષ લેબર પાર્ટીએ પણ ડીલને આવકાર્યું છે. વેપાર સમજૂતી તો થઈ ગઈ અને તેની લાંબા ગાળાની અસરો શું હશે તે જોવાનું રહે છે પરંતુ, બ્રિટિશ અર્થવ્યવસ્થા સામેના પડકારો હજુ યથાવત છે.