પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામોના પડઘા હજુ શમ્યા પણ નથી ત્યાં આઠ રાજ્યોમાં ૧૦ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. આ ચૂંટણી પરિણામોથી ન તો કોઇ રાજ્યમાં સરકારનું પતન થયું હોય કે ન તો કોઇ રાજ્યમાં નવી સરકારની રચના થઇ હોય, પરંતુ પરિણામો દર્શાવે છે કે કેન્દ્રમાં સત્તાધારી ભાજપનો દબદબો હજી યથાવત્ છે. રાજકીય પક્ષોને પોતાના નબળાં-સબળાં પાસાનું ભાન કરાવી દેતા આ પરિણામોમાં ભાજપે ૧૦માંથી પાંચ બેઠક જીતી છે જ્યારે કોંગ્રેસે ત્રણ બેઠકો પર વિજય મેળવ્યો છે.
ભાજપે જ્વલંત દેખાવ કરતાં ત્રણ રાજ્યોમાં ત્રણ બેઠકો તો જાળવી જ છે, આ ઉપરાંત વિપક્ષની પણ બે બેઠકો છીનવી લીધી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (‘આપ’)ની તો રાજસ્થાનમાં બહુજન સમાજ પક્ષ (બસપા)ની એક બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસની સ્થિતિ જૈસે થે રહી છે. નબળા દેખાવના કારણે લાંબા સમયથી સતત રાજકીય વિશ્લેષકોનું નિશાન બનતી રહેલી કોંગ્રેસના નેતૃત્વે કર્ણાટકની બે અને મધ્ય પ્રદેશની એક બેઠક જાળવીને હાશકારો જરૂર અનુભવ્યો હશે. જોકે પેટા ચૂંટણીમાં સૌથી મોટો આંચકો અરવિંદ કેજરીવાલની ‘આપ’ને લાગ્યો છે.
‘આપ’ વિધાનસભ્યના રાજીનામાથી ખાલી પડેલી દિલ્હીની રાજૌરી ગાર્ડન બેઠકની ચૂંટણીમાં ‘આપ’ના ઉમેદવારે ડિપોઝીટ પણ ગુમાવી છે! આ લોકચુકાદાએ દિલ્હીને જ નહીં, સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આવતા સપ્તાહે ‘મિની વિધાનસભા’ જેવી દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ રહી હોવાથી વિશ્લેષકોથી માંડીને અખબારી માધ્યમો - સહુ કોઇ રાજૌરી ગાર્ડન બેઠકના પરિણામ પર નજર રાખીને બેઠા હતા. તમામ પક્ષો માટે લિટમસ ટેસ્ટ સમાન પેટા ચૂંટણીમાં ‘આપ’ના પરાજયની અસર મહાનગરપાલિકા ચૂંટણી પર પણ પડવાની આશંકાનો ઇન્કાર થઇ શકે તેમ નથી. પેટા ચૂંટણીના પરિણામ સ્પષ્ટ સંકેત આપે છે કે પાટનગરમાં ‘આપ’નાં વળતાં પાણી શરૂ થઇ ગયાં છે. આ બેઠક પર ભાજપ-અકાલી દળના સંયુક્ત ઉમેદવારે અડધોઅડધ કરતાં પણ વધુ મતો મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે તો કોંગ્રેસ બીજા સ્થાને રહી છે. જ્યારે દિલ્હીને પોતાનો ગઢ માનતા ‘આપ’નો ઉમેદવાર ત્રીજા સ્થાને રહ્યો છે અને ડિપોઝીટ પણ ગુમાવી છે. આવા કંગાળ દેખાવની ‘આપ’ કે તેના સ્વપ્નદૃષ્ટા કેજરીવાલે કલ્પના પણ નહીં કરી હોય.
કેજરીવાલ અને પક્ષના નેતાઓ અત્યારે તો બચાવ કરતા ફરે છે કે આ તો મતદારોની નારાજગીનું પ્રતિબિંબ છે, કેમ કે સ્થાનિક ધારાસભ્યે પંજાબમાં ચૂંટણી લડવા માટે રાજૌરી ગાર્ડન બેઠક ખાલી કરી હતી. જોકે હકીકત તો એ છે કે મતદારો ઉમેદવારથી નહીં, કેજરીવાલ સરકારની કાર્યપદ્ધતિથી નારાજ છે. લોકોનું માનવું છે કે ‘આપ’ના નેતાઓ નિવેદનો આપવામાં જેટલી સક્રિયતા દાખવે છે તેટલી સક્રિયતા લોકકલ્યાણની યોજનાઓને સાકાર કરવામાં દાખવે તો રાજ્યનું પણ ભલું થાય અને પ્રજાનું પણ.
કોંગ્રેસ કર્ણાટકમાં વર્ચસ જાળવવામાં સફળ રહી છે એમ કહી શકાય. આ કોંગ્રેસ શાસિત રાજ્યમાં વિધાનસભાની બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. આ બન્ને બેઠકો અગાઉ પણ કોંગ્રેસ પાસે હતી, અને આ વખતે પણ બન્ને બેઠકો તેની પાસે રહી છે. કોંગ્રેસ અને ભાજપનું પ્રાદેશિક નેતૃત્વ ચૂંટણી પૂર્વે ગાઇવગાડીને કહેતું હતું કે આ ચૂંટણીના પરિણામોને રાજ્યમાં આવતા વર્ષે યોજનારી વિધાનસભાની ચૂંટણીઓના સંકેત તરીકે નિહાળવાની જરૂર નથી. જોકેપ્રચાર દરમિયાન વાસ્તવિક્તા અલગ જ જોવા મળી હતી. કોંગ્રેસે બેઠકો જાળવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું તો ભાજપે પણ કોઇ કસર છોડી નહોતી. ભાજપે બન્ને બેઠકો માટે સોશિયલ મીડિયાથી માંડીને મોદી કાર્ડ, રાજ્ય સરકાર વિરુદ્ધ અસંતોષને ઉત્તેજન, કોંગ્રેસના બળવાખોર નેતાઓની મદદ સહિતના તમામ દાવપેચ અજમાવી લીધા હતા. ભાજપના આ ચોમુખી આક્રમણ છતાં કોંગ્રેસ તેની બન્ને બેઠકો બચાવવામાં સફળ રહી છે તે નોંધનીય છે. સંભવતઃ આ જ કારણસર કોંગ્રેસે રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવા ચક્રો ગતિમાન કર્યાના અહેવાલ છે.
ભાજપ કર્ણાટકમાં ભલે ઝમકાદર દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યો, પણ પશ્ચિમ બંગાળમાં તેનો દેખાવ સુધર્યો છે એ વાતે પક્ષના મોવડીઓ સંતોષ લઇ શકે તેમ છે. પશ્ચિમ બંગાળમાં કાઠી દક્ષિણ બેઠક સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે જાળવી રાખી છે, પરંતુ ભાજપ ૫૩ હજાર મતો મેળવીને બીજા સ્થાને છે. જે દર્શાવે છે કે મમતા બેનરજીના ગઢમાં ભાજપનો પ્રભાવ વધ્યો છે. ગત ચૂંટણીમાં ભાજપ આ બેઠક પર ત્રીજા સ્થાને રહ્યો હતો. જ્યારે આ વખતે ત્રીજા સ્થાને સામ્યવાદી ઉમેદવાર છે અને કોંગ્રેસને માંડ ૨૫૦૦ મત મળ્યા છે.
આગામી છ મહિનામાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. આ બન્ને રાજ્યોના પરિણામો ૨૦૧૯ના લોકસભા ચૂંટણીના સંકેત આપવાનું કામ કરશે. અને તમામ પક્ષોને લોકસભાનો ચૂંટણીવ્યૂહ ઘડવામાં ઉપયોગી બનશે. હાલ તો આ પેટા ચૂંટણીના પરિણામો ભાજપ માટે આવનારા સારા દિવસોના સંકેત આપી રહ્યા છે. હવે આગામી દિવસોમાં એ જોવું રસપ્રદ બની રહેશે કે શું વિરોધ પક્ષો ભાજપને નાથવા માટે એક થશે? ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પક્ષ (બસપા) હાથ મિલાવશે? પશ્ચિમ બંગાળમાં ભાજપની આગેકૂચ રોકવા ડાબેરીઓ અને મમતા બેનરજી હાથ મિલાવશે? આ પ્રશ્નોના જવાબ તો સમય જ આપશે.