બિહારના ગવર્નર અને દલિત નેતા રામનાથ કોવિંદને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત વિપક્ષને ઊંઘતા ઝડપ્યા છે. અલબત્ત, હંમેશની જેમ જ આ વખતે પણ અપેક્ષા તો એવી જ હતી કે નરેન્દ્ર મોદી કોઇ અણધાર્યું નામ જ લાવશે. પરંતુ આ નામ રામનાથ કોવિંદનું હોય શકે છે એવું તો તેમના પોતાના જ ભાજપમાં પણ કોઇએ વિચાર્યું નહીં હોય. છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પક્ષમાં ભાજપ-વિરોધી મોરચાબંધી માટેના પ્રયાસો વેગીલા બન્યા હતા. વિપક્ષી મોરચાના આ પ્રયાસો વચ્ચે મોદીએ દલિત કાર્ડ ઉતરીને તેમને પણ ૪૪૦ વોટનો ઝાટકો આપ્યો છે.
સંસદથી શરૂ કરીને રાજ્યોના વિધાનગૃહો સુધી ફેલાયેલી મતદાર યાદી અને રાજકીય સમીકરણો પર સ્પષ્ટ કરે છે કે ભાજપે પોતાના ઉમેદવારનો વિજય લગભગ પાક્કો કરી લીધો છે. એનડીએ સાથે જોડાયેલા ન હોય તેવા કેટલાક દક્ષિણ ભારતીય પક્ષોએ અગાઉ જ ભાજપ-સમર્થિત ઉમેદવારને ટેકો આપવાના સંકેત આપી દીધા છે. અલબત્ત, વિપક્ષ માટે આ મામલો માત્ર હાર-જીતનો નથી. તેઓ આ અવસર થકી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે ભાજપવિરોધી મજબૂત મોરચો રચવા માગે છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કોવિંદનું જાહેર કરતી વેળા તેમની દલિત પશ્ચાદભૂનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. આ બહુ સૂચક હતું. જાહેરાતના થોડાક જ સમય બાદ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાંથી એનડીએમાં સામેલ ન હોય તેવા પક્ષોના ટોચના નેતાઓના નિવેદનો આવવા લાગ્યા હતા. આમાંથી કેટલાકે કોવિંદને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની ભાજપની જાહેરાતને ‘સારો નિર્ણય’ ગણાવ્યો હતો તો કેટલાકે વળી કહ્યું કે હવે કોંગ્રેસ-ડાબેરી મોરચા તરફથી પણ દલિત કે આદિવાસી ઉમેદવાર પસંદ કરાશે તો જ ચૂંટણીમાં કંઇ રસાકસી રહેશે, અન્યથા પરિણામ નક્કી જ છે. નોંધનીય છે કે ઓડિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને તેલંગણમાં સત્તારૂઢ ટીઆરએસે તો વિપક્ષી ઉમેદવારનું નામ જાહેર થતાં પૂર્વે જ ભાજપના ઉમેદવારને સમર્થન જારી કરી દીધું છે. પટનાયકની ઉતાવળ માટે એવું કારણ અપાય છે કે વિધાનસભાની આગામી ચૂંટણીમાં દલિત મતબેન્ક પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા આ જાહેરાત કરી છે. બીજી તરફ, ભાજપના કટ્ટરવિરોધી એવા કેટલાક પક્ષોએ તો એવું નિવેદન પણ કર્યું છે કે જો વિરોધ પક્ષ સામૂહિક રીતે દલિત ઉમેદવારને ચૂંટણી મેદાનમાં નહીં ઉતારે તો તેમનો પક્ષ કોવિંદને સમર્થન આપવાના મુદ્દે વિચારશે. આગામી વિધાનસભા ચૂંટણીઓ અને પછી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને નજરમાં રાખતાં કોઇ રાજકીય પક્ષ દલિતોને નારાજ કરવાનું જોખમ નહીં ઉઠાવે.
જોકે કોવિંદને માત્ર દલિત હોવાના નાતે જ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે તેવું નથી. તેઓ બહોળો રાજકીય અનુભવ પણ ધરાવે છે. તેમને પાંચ દસકાનો વકીલાતનો અનુભવ છે. કાનપુરના દલિત પરિવારમાં ૧ ઓક્ટોબર ૧૯૪૫ના રોજ જન્મેલા રામનાથ કોવિંદે કાનપુર યુનિવર્સિટીમાંથી કોમર્સ અને લોમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ૧૯૭૧માં વકીલાત શરૂ કરીને વર્ષોસુધી દિલ્હી હાઇ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં સરકારી વકીલ તરીકે સેવા આપી. ૧૯૯૪માં પહેલી વાર ઉત્તર પ્રદેશથી રાજ્યસભામાં ચૂંટાયા. ૧૨ વર્ષ રાજ્યસભાના સભ્યપદે રહ્યા. કેટલીય સંસદીય સમિતિનું સભ્યપદ પણ સંભાળ્યું. તેઓ રાજ્યસભાની સંસદીય સમિતિના અધ્યક્ષપદે પણ રહી ચૂક્યા છે. તો કોવિંદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને પક્ષના દલિત મોરચાના અધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી છે. ટૂંકમાં કહીએ તો આમ ભારતીય માટે ભલે રામનાથ કોવિંદનું નામ નવું હોય, પરંતુ રાજકીય વર્તુળોમાં તેઓ અજાણ્યા નથી. ભાજપ ગોત્રના હોવા છતાં બિહારના ગવર્નર તરીકે છેલ્લા ત્રણેક વર્ષના તેમના વહેવારથી જેડીયુના નીતિશ કુમાર પણ કોવિંદના પ્રશંસક છે એ નોંધનીય છે.
કોવિંદનું નામ નક્કી થતાં જ એનડીએ વિપક્ષનો સહયોગ મેળવવાના કામે લાગ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ફોન કરીને તેમને આ નિર્ણયથી માહિતગાર કર્યા હતા અને કોવિંદને સમર્થન આપવા અનુરોધ કર્યો હતો. કોંગ્રેસ સહિતના વિપક્ષે અત્યારે તો મગનું નામ મરી પાડ્યું નથી, પણ તેઓ ગૂંચવાઇ તો ગયા જ છે. અત્યાર સુધીમાં મળેલી રાજકીય પ્રતિક્રિયાઓ - નિવેદનો પરથી એટલું તો નિશ્ચિત થઇ ગયું છે કે ચૂંટણી-ગણિત અને રાજકીય વ્યૂહરચનામાં ભાજપ વિપક્ષ કરતાં ઘણો આગળ નીકળી ગયો છે.