ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ દિવસના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન મળેલા આદર-સત્કાર ભાવિ સંભાવનાઓના સંકેત આપવા માટે પૂરતા છે. મોદીના ઇઝરાયલ પ્રવાસને દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયનો આરંભ ગણી શકાય. આરંભ એટલા માટે કે સાત-સાત દાયકા વીત્યા બાદ કોઇ ભારતીય વડા પ્રધાન પહેલી વાર ઇઝરાયલ પહોંચ્યા હતા. દિલ્હીથી તેલ અવીવનું ૨૫૦૦ માઇલનું અંતર કાપવામાં જે સમય લાગ્યો છે તે ઘણો વધારે છે. ઇઝરાયલ તો ભારત સામે દોસ્તીનો હાથ લંબાવતું રહ્યું છે, પરંતુ સંકુચિત મનોદશા અને વિવાદાસ્પદ મુત્સદ્દીગીરીના લીધે ભારતે ઉષ્માસભર પ્રતિસાદ આપ્યો જ નહીં. હવે હાથ પકડ્યો જ છે ત્યારે સંબંધોને નવા મુકામ સુધી પણ પહોંચાડવા જ રહ્યા.
ભારત-ઇઝરાયલ જાણે છે કે પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય માહોલમાં દ્વિપક્ષીય સહયોગ અન્યોન્ય માટે ઉપકારક સાબિત થઇ શકે છે. ખાસ કરીને આતંકવાદનો સામનો કરવામાં. સોમવારે શ્રીનગર પાસે અમરનાથ યાત્રિકો પર થયેલા આતંકી હુમલામાં સાત ગુજરાતીએ જીવ ગુમાવ્યા છે. ભારતની જેમ ઇઝરાયલ પણ ત્રાસવાદનો ભોગ બન્યું છે. બન્ને દેશો સાથે મળીને આતંકવાદનો સામનો કરશે તેવું મોદી અને યજમાન વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂનું નિવેદન સૂચક છે. કૃષિ પ્રધાન દેશ ભારત જળ સંચાલન ક્ષેત્રે ઇઝરાયલ પાસેથી ઘણું શીખી શકે તેમ છે. તો વ્યાપાર અને સંરક્ષણ ક્ષેત્રે પણ સહયોગની વિપુલ તક છે.
ભારત કરતાં એક વર્ષ બાદ સ્વતંત્ર થયેલા ઇઝરાયલનો સર્વગ્રાહી વિકાસ ઊડીને આંખે વળગે તેવો છે. પડોશી દેશો સાથે લાંબો સમય યુદ્ધમાં અટવાયેલા રહેવા છતાં ઇઝરાયલે બહુ ઓછા સમયમાં વિકાસના પંથે હનુમાનકૂદકો માર્યો છે. ૮૦ લાખની વસ્તી ધરાવતા આ દેશમાં - આઇટી ક્ષેત્રના વૈશ્વિક હબ સિલિકોન વેલી પછી - બીજા નંબરે સૌથી વધુ આઇટી કંપની કાર્યરત છે. વિજ્ઞાન-ટેક્નોલોજી ક્ષેત્રે આ ટચુકડા, પણ શક્તિશાળી દેશે આસમાનને આંબતી સિદ્ધિ મેળવી છે. શસ્ત્રસરંજામ ક્ષેત્રે ઇઝરાયલી કંપનીઓ મોખરાનું સ્થાન ધરાવે છે. કૃષિ ક્ષેત્રે વાત કરીએ તો, આ રેતાળ દેશ પોતાની જરૂરતની લગભગ ૮૦ ટકા કૃષિપેદાશ ઘરઆંગણે જ ઉગાડે છે. સંરક્ષણ ક્ષેત્રે તો એવી સજ્જતા કે - ચોમેરથી દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં - કોઇ તેની સામે આંખ ઉઠાવી જોવાની હિંમત કરતું નથી.
ભારત-ઇઝરાયલ વચ્ચે સંબંધોની નવી શરૂઆત વિશ્વમાં શાંતિની સાથેસાથે તમામ ક્ષેત્રે પ્રગતિની સૂચક બની શકે છે. મિત્રતાનો સેતુ રચવામાં થયેલા વિલંબનું પરિણામ બન્ને દેશે ભોગવ્યું છે. રાજકીય કારણોસર ભારત ભલે અત્યાર સુધી ઇઝરાયલથી દૂર રહ્યું, પણ હવે સંબંધોની ઉષ્માને સંકોરવાની પણ જરૂર છે. પ્રવર્તમાન સમયમાં પડોશી દેશો - પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો તનાવપૂર્ણ બન્યા છે ત્યારે ભારત માટે ઇઝરાયલ સાથે દોસ્તીનું મહત્ત્વ વધી જાય છે.
બન્ને નેતાઓની બેઠકમાં ટેક્નોલોજી, જળ, કૃષિ, ઊર્જા, અવકાશ વિજ્ઞાન સહિતના ક્ષેત્રે સહયોગની રૂપરેખા નક્કી થઈ છે. અવકાશ વિજ્ઞાન સહિત સાત ક્ષેત્રે મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર થયા છે. આમાંથી ત્રણ કરાર તો અંતરીક્ષ વિજ્ઞાનમાં સહયોગ સંબંધિત છે. ક્લિન ગંગા પ્રોજેક્ટમાં પણ ઇઝરાયલ અને ભારત સાથે મળીને કામ કરશે.
કોઇ પણ ભારતીય વડા પ્રધાન તરીકેના મોદીના આ પ્રથમ ઇઝરાયલ પ્રવાસે બન્ને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો અને મિત્રતાને ખરા અર્થમાં મજબૂતી આપી છે. તો સામા પક્ષે ઇઝરાયલે પણ એક ભારતીય વડા પ્રધાનને જે પ્રકારે દિલ ખોલીને આવકાર આપ્યો તે દર્શાવે છે કે ભારતની મિત્રતા તેના માટે કેટલી મહત્ત્વની છે. મોદીના આવકાર પ્રવચનમાં નેતન્યાહૂએ કહ્યું હતું કે અમે આ મુલાકાત માટે ૭૦ વર્ષ રાહ જોઇ છે. આ શબ્દો દર્શાવે છે કે ઇઝરાયલ ભારતીય વડા પ્રધાનની મુલાકાત માટે કેટલી ઉત્સુક હતું. ઉલ્લેખનીય છે કે અનેકવિધ ક્ષેત્રે સંપન્ન ઇઝરાયલ પણ વૈશ્વિક મંચ પર મુઠ્ઠીભર મિત્રોને બાદ કરતાં એકલું-અટૂલું છે. ભારતનો સાથ મળતાં તેનો રાજદ્વારી આત્મવિશ્વાસ વધશે એ સમજાય તેવું છે. આજે ભારતે શક્તિશાળી દેશ તરીકે કાઠું કાઢ્યું છે ત્યારે તેની સાથેની દોસ્તી ઇઝરાયલને વિશ્વસ્તરે સ્વીકૃતિમાં વધારો કરાવશે.
સમગ્ર પ્રવાસ દરમિયાન મોદી અને નેતન્યાહૂએ દ્વિપક્ષીય સંબંધો કેટલા મહત્ત્વના અને ગાઢ છે તે બતાવવામાં કોઇ કસર છોડી નહોતી. વાસ્તવમાં મોદી અને નેતન્યાહૂએ દાખવેલા ઇરાદાનો સંકેત સ્પષ્ટ છે કે આવનારાં વર્ષોમાં ભારત અને ઇઝરાયલ નવાં સંયુક્ત હિત શોધશે અને તેને અનુરૂપ પોતાના સંબંધોને ગતિ આપતા રહેશે.