ભારત-ઈરાન સંબંધઃ સમયસરનો સહયોગ

Tuesday 31st May 2016 14:57 EDT
 

ભારત-ઈરાનના સંબંધો ઇતિહાસ જેટલા પુરાણા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન પ્રવાસ દરમિયાન તેમના સમોવડિયા હસન રુહાની સાથેની મુલાકાત વેળા આ લાગણી વ્યક્ત કરી હતી. આ શબ્દોમાં રતિભારેય અતિશ્યોક્તિ ન હોવા છતાં હકીકત એ છે કે - સમય અને સંજોગની માગ હોવા છતાં - બન્ને દેશો આ સદીઓ પુરાણા સંબંધોનો અન્યોન્યના લાભાર્થે ઉપયોગ કરવામાં કાચા પડ્યા છે. જો આમ ન હોત તો છેક ૨૦૦૩માં તત્કાલીન વાજપેયી સરકારે જેનો પાયો નાખ્યો હતો તે ઈરાનનાં એકમાત્ર બંદર ચાબહારને વિકસાવવાનો પ્રોજેક્ટ ૧૩-૧૩ વર્ષથી કાગળ પર જ ન હોત. તે વખતે થોડુંક કામ થયું ને પછી બધું અભેરાઇએ ચઢી ગયું. આ પછી અમેરિકાના દબાણથી યુનાઇટેડ નેશન્સે ઈરાન પર પ્રતિબંધો લાદ્યા અને ભારત-ઈરાન ઈચ્છા છતાં પણ ચાબહાર પ્રોજેક્ટ આગળ ધપાવી શક્યા નહીં. છેલ્લાં કેટલાક મહિનાથી આ દિશામાં ફરી સળવળાટ શરૂ થયો હતો અને આખરે ચાબહારને વિકસાવવાના હક ભારતને મળ્યા છે.

મોદીના ઈરાન પ્રવાસમાં ચાબહારના વિકાસ ઉપરાંત એલ્યુમિનિયમ પ્લાન્ટ, રેલ લાઇનની સ્થાપના સહિત ડઝનબંધ કરારો થયા છે. રેલવે લાઇનથી ભારત અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયા સુધી પહોંચશે. મોદીની ઈરાન યાત્રા ઘણા અર્થમાં મહત્ત્વની બની રહેશે. ૧૨ કરારોએ ભારતીય ડિપ્લોમસીમાં નવો અધ્યાય ઉમેર્યો છે. મોદીએ ઈરાનપ્રવાસમાં સંકેત આપ્યો છે કે ભારત હવે સ્વતંત્ર વિચારો આધારિત એક સંતુલિત મુત્સદ્દીગીરી તરફ આગળ વધી રહ્યું છે.

કેટલાંક વર્ષોમાં ભારતની ડિપ્લોમસી ઉપર અમેરિકાનો પ્રભાવ વર્તાવા લાગ્યો હતો. પરંતુ હવે ભારતે ચીલો ચાતર્યો છે. આ સંજોગોમાં અમેરિકાને ચિંતા થવી સ્વાભાવિક છે. આ જ કારણસર યુએસ સેનેટરોએ ઈરાનના ચાબહાર બંદર વિકસાવવાની ભારતની યોજના સામે સવાલ ઉઠાવ્યો છે. હવે અમેરિકી પ્રશાસન આ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરશે તેવા અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને યુરોપે પરમાણુ કાર્યક્રમ સીમિત કરવાની શરતે ગયા જાન્યુઆરીમાં ઈરાન પરથી પ્રતિબંધ ઉઠાવ્યા, પણ વ્યાપાર સંબંધિત કેટલાક પ્રતિબંધો આજેય લાગુ છે.

પરમાણુ કાર્યક્રમનાં પગલે લદાયેલા પ્રતિબંધથી આંતરરાષ્ટ્રીય સ્તરે એકલુંઅટૂલું પડી ગયેલું ઈરાન હવે દુનિયા સાથે જોડાઇને પોતાનાં અર્થતંત્રને વેગ આપવા, રાજદ્વારી સંબંધો વિકસાવવા તત્પર છે. આ સંજોગોમાં ભારતે ઈરાન તરફ હાથ લંબાવી યોગ્ય સમયે યોગ્ય અભિગમ અપનાવ્યો છે.

ચાબહાર બંદર સમજૂતીથી સીધા લાભ તો થશે જ, પણ આ કરાર થકી ભારતે ચીન - પાકિસ્તાનનાં ખેલને જડબાતોડ જવાબ પણ આપ્યો છે. વાસ્તવમાં ચીન પોતાનાં હિતોને ધ્યાને રાખીને પાકિસ્તાનમાં ગ્વાદર બંદર વિકસાવી રહ્યું છે. ચીનનો ઈરાદો આ બંદર વિકસાવીને મહાસાગરમાં સીધી પહોંચ વધારવા ઉપરાંત ખાડીના દેશોમાં વર્ચસ વધારવાનો છે. જોકે હવે ગ્વાદરની નજીક જ ચાબહાર બંદર પણ ઉભું થશે.

ચાબહાર ધમધમતું થશે તે સાથે જ માત્ર ઈરાન અને અફઘાનિસ્તાન જ નહીં, પરંતુ સમગ્ર યુરેશિયા સુધીની ભારતીય લિન્ક પણ ખૂલી જશે. ભારતનાં મુંબઇ અને કંડલા જેવાં બંદરોએથી યુરેશિયામાં માલાસામાનનું વહન શક્ય બનશે. ચાબહાર થકી ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, રશિયા સહિતનાં યુરેશિયાનાં રાષ્ટ્રો નોર્થ સાઉથ કોરિડોર રચી શકશે.

આમ, ચાબહાર બન્યા બાદ ભારત-ઈરાનનાં વ્યાપારમાં સરળતા થવા ઉપરાંત અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાઈ દેશો સુધી ભારતનાં માલસામાનની પહોંચ સરળ બનશે. સાથોસાથ અફઘાનિસ્તાનનાં પુનઃનિર્માણમાં પણ ભારતની ભૂમિકા વિસ્તરશે. આમ, ચાબહાર બંદરથી ચીન સહિતના દેશોના રાજદ્વારી સમીકરણો બદલાઈ જશે તેમાં શંકાને સ્થાન નથી.

વળી, ઈરાન પાસે ક્રૂડ અને ગેસના મબલખ ભંડાર છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી પ્રતિબંધોના કારણે ઈરાન તેના આ ભંડારમાંથી ધાર્યા પ્રમાણે આવક રળી શક્યું નથી. ભારતને તેની ઊર્જા જરૂરત માટે આ ભંડારના સ્રોતો જોઇએ છે. બદલામાં ઈરાન ભારત તરફથી ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતની બાબતોમાં મદદની જરૂર છે.
આમ, ભારત-ઈરાન સંબંધોમાં નવચેતનાનો સંચાર અન્યોન્યના વિકાસ માટે આગવું મહત્ત્વ ધરાવે છે. અલબત્ત, બન્ને દેશોએ એકમેકના સહયોગમાં આગળ વધવા માટે કેટલીક કડવી સ્મૃતિઓને વિસારે પાડવી પડશે. ભૂતકાળમાં ભારતે ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઇએઇએ)માં ઈરાન વિરુદ્ધ મત આપ્યો હતો. તો બીજી તરફ, ઈરાને એકથી વધુ વખત કાશ્મીર મુદ્દે ભારતને અસ્વીકાર્ય વલણ અપનાવ્યું હતું. ભારત-ઈરાને સમયને અનુરૂપ સહયોગ વધાર્યો છે તે દીર્ઘાયુ નીવડે તેવી આશા અસ્થાને નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter